લંડનઃ બાળકોમાં સ્થૂળતા કે ઓબેસિટીના કેસ વધતા જાય છે ત્યારે આઠ વર્ષ જેટલી નાની વયની છોકરીઓ પણ વહેલી પુખ્ત બની રહી છે. 2020/21માં ચાર અને પાંચ વર્ષના બાળકોમાં સ્થૂળતાનું પ્રમાણ વધીને 14.4 ટકા થયું છે. મોટા ભાગના અભ્યાસો અનુસાર ચરબીના કોષોના વધુ પ્રમાણથી સેક્સ હોર્મોનના ઉત્પાદનને ઉત્તેજન મળે છે.
પાતળાં બાળકોની સરખામણીએ હાઈ ફેટનો ખોરાક ધરાવતાં અને શારીરિક રીતે સક્રિય ન હોય તેવાં બાળકોનો વિકાસ વહેલો થાય છે. ગયા વર્ષે આઠ વર્ષ જેટલી વહેલી વયે પુખ્તાવસ્થામાં પ્રવેશેલી વિક્રમી સંખ્યામાં બાળાઓની હોસ્પિટલમાં સારવાર કરાઈ હતી. કેટલીક છોકરીઓ તો શાળાએ જવાનું શરૂ કરે તે પહેલા પુખ્ત બની હતી. સામાન્યપણે છોકરીઓ લગભગ 11 વર્ષની સરેરાશ વયે પુખ્તાવસ્થામાં આવતી હોય છે તેના ત્રણ વર્ષ પહેલા જ આઠ વર્ષ કે તેથી વહેલા માસિકચક્ર- પીરિયડ્સ શરૂ થાય અને સ્તનનો વિકાસ થવા લાગે તેવી છોકરીઓને ગયા વર્ષે 1510ની વિક્રમી સંખ્યામાં હોસ્પિટલોમાં સારવાર અપાઈ હતી. NHS Digitalના રિપોર્ટ મુજબ 2018/19અને 2019/20માં આ સંખ્યા અનુક્રમે 1,280 અને 1,322ની હતી. ગયા વર્ષે છોકરાઓ સહિત કુલ 1,720 બાળકોને વહેલી પુખ્તાવસ્થા માટે હોસ્પિટલોમાં સારવાર મળી હતી જેમાંથી 90 બાળકોની વય પાંચ વર્ષથી ઓછી હતી.
વહેલી પુખ્તાવસ્થાનું કોઈ ચોક્કસ કારણ નથી અથવા તેને સ્થૂળતા,મગજમાં ફેરફાર, ઓવરીઝ-સ્ત્રીપિંડ અથવા થાઈરોઈડ ગ્રંથિની સમસ્યા કે જિનેટિક વિકૃતિ સાથે સાંકળી શકાય છે. અભ્યાસોના તારણો અનુસાર ચરબીના કોષો વધારે પ્રમાણમાં હોય તેનાથી સેક્સ હોર્મોન્સનું ઉત્પાદન વધી જાય છે અને તેનાથી વહેલી પુખ્તાવસ્થાની શરૂઆત થઈ શકે છે.
NHSની વેબસાઈટમાં છોકરીઓ 8 વર્ષની વય પહેલા અને છોકરાઓ 9 વર્ષની વય પહેલા પુખ્તાવસ્થાના લક્ષણો દર્શાવે તો GP પાસે લઈ જવાની પેરન્ટ્સને ભલામણ કરવામાં આવી છે. હોર્મોન્સનું પ્રમાણ ઘટાડવા અને સેક્સ્યુઅલ વિકાસને યોગ્ય સમય સુધી અટકાવવા ઔષધીય સારવાર થઈ શકે છે.