સ્માર્ટ માસ્કઃ ભાષાંતર પણ કરશે ને રેકોર્ડિંગ પણ!

Saturday 11th July 2020 11:39 EDT
 
 

ટોક્યોઃ કોવિડ-૧૯ના પ્રકોપને કારણે બધા માસ્ક પહેરતા થયા છે, પછી તે N-95 માસ્ક હોય, થ્રી-લેયર માસ્ક હોય કે કપડાનો જાતે બનાવેલો માસ્ક હોય. આ માસ્ક આપણને કોરોના મહામારી સામે રક્ષણ જરૂર આપે છે, પરંતુ આ સ્વાસ્થ્ય કવચ સાથે અગવડ પણ જોડાયેલી છે. માસ્ક પહેરવાથી તમારો અવાજ દબાઇ જાય છે, તેથી ધીમો સંભળાય. એ સંજોગોમાં ઘણા લોકો માસ્ક મોં પરથી ઉતારીને વાત કરવા માંડે છે કે મિટિંગ લેવા માંડે. આનાથી માત્ર બોલનારના જ સ્વાસ્થ્ય પર નહીં, સાંભળનારના સ્વાસ્થ્ય પર પણ ખતરો સર્જાય છે. આ બધી તકલીફોને ધ્યાને લઇને હવે જાપાનના સંશોધકોએ સ્માર્ટ માસ્ક તૈયાર કર્યો છે.
જરૂરિયાત એ સંશોધનની જનની છે, એ બહુ જૂની કહેવત કોરોના કાળમાં ઘણી વખત સાચી ઠરતી જોવા મળી છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવાનું બધાએ શરૂ કર્યું છે. વળી આ બીમારીની રસી હજુ શોધાઇ નથી, ત્યારે માસ્ક આપણી જીવનની એક રીતભાત સાથે જોડાઇ ગઇ છે અને તેને કારણે માસ્ક પહેરીને જીવવાની લોકો આદત પાડી રહ્યા છે. મતલબ કે માસ્ક આપણી જીવનશૈલી સાથે જોડાઇ ગયો છે, ત્યારે જાપાનના સંશોધકોએ સ્માર્ટ માસ્કની શોધ કરી છે. બ્લુટ્રૂથથી સજ્જ આ સ્માર્ટ માસ્કને ‘સી-માસ્ક’ નામ અપાયું છે. આ માસ્ક સ્માર્ટ ફોન સાથે જોડાયેલો રહેશે, તેથી તે અનેક રીતે મદદરૂપ થશે.

આ સ્માર્ટ માસ્ક કઇ રીતે ખાસ?

• અવાજ મોટો કરી આપશેઃ સ્માર્ટ માસ્કમાં રહેલું બિલ્ટ ઇન સ્પીકર તમારા અવાજને મોટો કરી આપે છે, તેથી માસ્ક પહેર્યો હોવા છતાં તમારો અવાજ દબાતો નથી. સામેની વ્યક્તિ સરળતાથી તમારો અવાજ સાંભળી શકે છે. આમ સૌથી મોટો ફાયદો એ થશે કે તમારે માસ્ક પહેર્યો હોય તો પણ ઊંચા અવાજે વાત કરવી નહીં પડે. વળી તે બોલનાર વ્યક્તિના શબ્દોનું - તમારી પસંદગી અનુસાર - ભાષાંતર કરી આપશે.
• આઠ ભાષામાં અનુવાદઃ આ સ્માર્ટ માસ્ક ફ્ક્ત માત્ર તમારો અવાજ મોટો કરી સામેની વ્યક્તિને સંભળાવશે એટલે વાત પૂરી નથી થઇ જતી. માસ્ક તમારો અવાજ ટેક્સ્ટમાં મૂકીને તેનો અલગ અલગ ભાષામાં અનુવાદ પણ કરી આપશે. આ ટેક્સ્ટ મેસેજ તમારા સ્માર્ટ ફોનમાં તમને વાંચવા મળી જશે. ઉપરાંત સેવ પણ થશે. સ્માર્ટ માસ્ક વ્યક્તિના બોલાયેલા શબ્દોનો આઠ અલગ અલગ ભાષામાં અનુવાદ કરી આપે છે. જોકે આ આઠ ભાષામાં ભારતની રાષ્ટ્રભાષા હિન્દીનો સમાવેશ થતો નથી એ તમને પહેલાં જ કહી દઇએ. આ માસ્ક અંગ્રેજી, ચાઇનીઝ, સ્પેનિશ, ફ્રેન્ચ, કોરિયન, થાઇ, વિયેતનામીઝ અને ઇન્ડોનેશિયન એમ આઠ ભાષામાં ભાષાંતર કરવા સક્ષમ છે. આમ જો તમે ઇન્ટરનેશનલ સ્તરે બિઝનેસ કરતા હો તો તમારે કોઇ ટ્રાન્સેલટરની જરૂર નહીં પડે. એ કામ આ માસ્ક જ કરી દેશે. અલબત્ત, આ ભાષાંતર સેવા ફ્રી નથી. ૩૭ ડોલરનો સ્માર્ટ માસ્ક ખરીદ્યા બાદ તમારે દર મહિને કંપનીને ટ્રાન્સલેશન સર્વીસ ચાર્જ ચૂકવવો પડશે. જોકે આ ચાર્જ કેટલો હશે તે મુદ્દે કંપનીએ મગનું નામ મરી પાડ્યું નથી.
• બિલ્ટ-ઇન-માઇક્રોફોનથી રેકોર્ડિંગઃ સ્માર્ટ માસ્કમાં બિલ્ટ-ઇન માઇક્રોફોન પણ છે. આમ તમે બિઝનેસ મિટિંગનું રેકોર્ડિંગ પણ તેની સાથે જોડાયેલા સ્માર્ટફોનમાં કરી શકશો. આમ તમારે બિઝનેસ મિટિંગમાં થતી વાતોને યાદ રાખવાનું જરાય ટેન્શન નહીં રહે. બ્લૂટ્રૂથથી જોડાયેલો સ્માર્ટફોન એ તમામ વાતોને સ્ટોર કરતો રહેશે, જેથી જ્યારે જરૂર પડે એ વાત તમે સાંભળી શકશો.
આ ઉપરાંત માસ્કમાં બિલ્ટ-ઇન વાઇફાઇ રિસિવર પણ છે. જોકે આ ફિચર માસ્કમાં કઇ રીતે ઉપયોગી બનશે તે અંગે કંપનીએ કોઇ ફોડ પાડ્યો નથી.

શોધ માટે ક્રાઉડ ફંડિંગ મેળવ્યું

જાપાનની ડોનટ રોબોટિક્સ દ્વારા વિકસિત આ માસ્કના સંશોધન માટે કંપનીએ ક્રાઉડ ફંડિંગ સાઇટ ફૂડીન્નો દ્વારા ૨.૬૦ લાખ ડોલરનું ભંડોળ એકત્ર કર્યું છે. હાલના તબક્કે કંપની ૫૦૦૦ સ્માર્ટ માસ્ક બનાવવા ધારે છે અને આગામી સપ્ટેમ્બરમાં એ માસ્ક જાપાનમાં વેચાણમાં મુકાઇ જશે તેમ મનાય છે.

યુએસ, યુરોપ, ચીને દાખવ્યો રસ

મૂળે તો કંપનીનો પ્રોજેક્ટ સિનામોન નામનો ડેસ્કટોપ હેલ્પર રોબોટ વિકસાવવાનો છે. રિસેપ્શન ડેસ્ક પર આ રોબોટનો ઉપયોગ થઇ શકે, જે ગ્રાહક સર્વિસમાં પ્રાથમિક સવાલોના જવાબો આપી શકે. આ રોબોટ વિકસાવવામાં કંપનીએ ઘણા વર્ષો કામ કર્યું છે. એ પ્રોજેક્ટના ભાગરૂપે જ માસ્ક બન્યો છે. આને તમે રોબોની પેટા-પેદાશ ગણાવો તો પણ ચાલે. જાપાનની બહાર અમેરિકા, યુરોપ અને ચીનમાં ઘણાએ આ માસ્ક માટે રસ દેખાડયો છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter