સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સના પટ્ટામાંથી ઝેરીલા કેમિકલ્સ શરીરમાં પ્રવેશી શકે
આજકાલ સ્માર્ટવોચ અને ફિટનેસ ટ્રેકર્સ પહેરવાનો વાયરો વાયો છે. આમાં કશું જ ખોટું નથી કારણકે તેનાથી સમય અને આપણા આરોગ્યની સંભાળ બરાબર લેવાય છે કે નહિ તેની જાણકારી મળે છે. ખાટલે મોટી ખોડ તો તેની સાથે જે પટ્ટા કે બેન્ડ બંધાયેલા રહે છે તે વિશે છે. ‘એન્વિરોન્મેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી લેટર્સ’માં પ્રકાશિત નવા અભ્યાસ અનુસાર આ પટ્ટામાંથી ઝેરીલા કેમિકલ્સ તમારા શરીરમાં પ્રવેશી શકે છે. આવા પટ્ટા મુખ્યત્વે ફ્લોરોઈલાસ્ટોમર્સ (fluoroelastomers) તરીકે ઓળખાતા સિન્થેટિક રબરમાંથી બને છે જેમાં પરફ્લોરો-આલ્કાઈલ અને પોલીફ્લોરોઆલ્કાઈલ (PFAS) પદાર્થોમાંથી મળતાં પરફ્લોરોહેક્ઝાનોઈક (perfluorohexanoic) એસિડનું ઊંચું પ્રમાણ હોવાનું સંશોધનોમાં જણાયું છે. આ એક પ્રકારના ઔદ્યોગિક કેમિકલ્સનું ગ્રૂપ છે જે પર્યાવરણ અને માનવ શરીરમાં ભારે પ્રમાણમાં જોવા મળે છે. આ રસાયણો કેન્સર, ઊંચા બ્લડ પ્રેશર અને બિનફળદ્રૂપતા સહિત આરોગ્યની ગંભીર સમસ્યાઓ સાથે સંકળાયેલા છે. આવાં જોખમો હોવાં છતાં, PFAS પદાર્થો નોન-સ્ટિક રસોઈના સાધનો, જળઅવરોધક વસ્ત્રો અને અગ્નિશમન ફોમ્સ સહિત વિવિધ ઉત્પાદનોમાં વપરાતાં રહ્યાં છે. સંશોધકોએ 22 વોચ બેન્ડ્સના કરેલાં પરીક્ષણોમાં પરફ્લોરોહેક્ઝાનોઈક એસિડનું ઊંચુ પ્રમાણ જોવાં મળ્યું હતું. ખાસ કરીને કસરત કરવા દરમિયાન થતો પરસેવો અને વધેલા રક્તપ્રવાહના કારણે આ રસાયણ ત્વચા દ્વારા ઝડપથી શોષાય છે. જે લોકો ભારે શારીરિક પ્રવૃત્તિ દરમિયાન આવા પટ્ટા પહેરતા હોય તેમણે તે ટાળવા જોઈએ. તેમણે ફ્લોરોઈલાસ્ટોમર્સ પદાર્થ સિવાય બનેલા પટ્ટાનો ઉપયોગ કરવો હિતાવહ છે.
•••
પિતાના બાળપણનો આઘાત તેના સંતાનના મગજનો વિકાસ રુંધે
જો તમને કહેવામાં આવે કે બાળપણમાં તમારા પિતાએ અનુભવેલા આઘાતનો તણાવ તમારા કોષોમાં જ સંકેત બનીને આવે છે તો જરા નવાઈ પામશો નહિ. વૈજ્ઞાનિકોએ કેટલીક નોંધપાત્ર હકીકતો શોધી છે. તેમના જણાવ્યા અનુસાર જે પિતાને બાળપણમાં આઘાત લાગ્યા હોય તેમના શુક્રાણુના DNAમાં નોંધપાત્ર ફેરફાર થાય છે અને આ ફેરફારો તેમના બાળકોમા મગજના વિકાસને સીધી અસર કરી શકે છે. વિજ્ઞાનીઓએ શોધ્યું છે કે બાળપણના આઘાતો સહન કરેલા પુરુષોના શુક્રાણુમાં વિવિધ 68 RNA મોલેક્યુલ્સમાં ફેરફાર દેખાયા હતા. આ એપિજિનેટિક ફેરફારો મગજના વિકાસને અંકુશમાં રાખતા જનીનોની નજીક જોવા મળ્યા હતા. આ ફેરફારો લાંબા સમય સુધી રહે છે અને સંભવતઃ સંખ્યાબંધ પેઢીઓને અસર કરે છે. આ બાબત માત્ર જિનેટિક્સ સંબંધિત નથી. આનો સંબંધ એપિજિનેટિક્સ સાથે છે જે તમારા જનીનો તેવી રીતે કામ કરે છે તેના DNAસિક્વન્સને બદલ્યા વિના જ જનીનોમાં સુધારાવધારા થવા વિશે છે. વિજ્ઞાન કહે છે કે જ્યારે બાળપણમાં આઘાત સહન કરનારા પિતાના શુક્રાણુ સ્ત્રીબીજને ફર્ટિલાઈઝ કરે છે ત્યારે આ એપિજિનેટિક ફેરફારો ભ્રૂણનો વિકાસ થવા પર અસર કરી શકે છે અને સંભવતઃ બાળકની નર્વસ સિસ્ટમને અસર કરે છે. આ ક્ષેત્રે વધુ સંશોધન ચાલી રહ્યું છે પરંતુ, પેરન્ટ્સના ટ્રોમા કે આઘાતના તણાવોના અનુભવોની બાળકના મગજના ઓછાં વિકાસમાં અસર સંબંધે નવા પ્રશ્નો ઉભાં થયા છે.