પુખ્તાવસ્થા પછી જો વ્યક્તિને ઊંઘમાં ચાલવાની, બોલવાની, હાથ-પગ ઉલાળવાની આદત હોય તેમને પાર્કિન્સન્સ ડિસીઝ થવાનું રિસ્ક વધુ હોય છે તેવું ઓસ્ટ્રેલિયાની યુનિવર્સિટી ઓફ સિડનીના રિસર્ચરોનું તારણ છે. ઊંઘમાં જોવા મળતા આવાં લક્ષ્ણો પાર્કિન્સન્સ ડિસીઝનાં ખૂબ જ આગોતરાં લક્ષણો હોઈ શકે છે. જો આ સમયથી જ લક્ષણોને કાબૂમાં લેવામાં આવે તો ભવિષ્યમાં ઉભી થનારી કપરી સ્થિતિને પાછી ઠેલી શકાય છે, એવું ન્યૂરોલોજિસ્ટ ડો. સિમોન લુઇના નેતૃત્વ હેઠળની રિસર્ચ ટીમનું માનવું છે. નિષ્ણાતોનું માનવું છે કે સ્લીપ વોકિંગની લાંબા સમયથી આદત ધરાવનારાઓમાંથી બે-તૃતિયાંશ લોકોમાં પાર્કિન્સન્સ ડિસીઝ ડેવલપ થાય છે.
સ્લીપ વોકિંગ શું છે?
ઊંઘમાં ચાલવાની આદતમાં વ્યક્તિ ભરઊંઘમાં પથારીમાંથી ઊઠીને ચાલવા માંડે છે. એટલું જ નહીં, ઊંઘ દરમિયાન તેને જે વિચારો આવતા હોય એ મુજબ તે વર્તવા પણ માંડે છે. મોટા ભાગે એ સમયે તેમની આંખો ખુલ્લી હોય છે. તે આછુંપાતળું જોઈ શકે છે, પરંતુ મગજ ઊંઘમાં હોય છે એટલે પોતે શું કરી રહ્યો છે એનું તેને ભાન હોતું નથી. અધૂરામાં પૂરું તે સવારે ઊઠે ત્યારે તેને યાદ નથી હોતું કે પોતે ઊંઘમાં શું કરી નાંખ્યું હતું. ફિલ્મમાં બતાવે છે એમ વ્યક્તિ હાથ આગળ રાખીને નહીં, પરંતુ નોર્મલી જેમ ચાલતી હોય એમ જ ચાલે છે.
આવું કેમ થાય?
આ સમજવા માટે આપણે ઊંઘીએ ત્યારે શું થાય છે એ સમજીએ. આપણી ઊંઘના મુખ્ય પાંચ તબક્કા હોય છે. એમાં એક, બે, ત્રણ, ચાર સ્ટેજ હોય છે એ નોન-રેપીડ આઇ મૂવમેન્ટના હોય છે. પાંચમો તબક્કો રેપિડ આઇ મૂવમેન્ટનો એટલે કે અત્યંત ગાઢ નિદ્રાનો હોય છે. પાંચ તબક્કાની આ સાઇકલ પૂરી થતાં ૯૦થી ૧૦૦ મિનિટ થાય છે. સાત-આઠ કલાકની ઊંઘમાં આ આખી સાઇકલ ચારથી પાંચ વાર થાય છે. પહેલાં ચાર તબક્કા દરમિયાન શરીર સૂતું હોય છે, એને કારણે મગજનો બોડી પરનો કંટ્રોલ છૂટી જાય છે. આ કન્ડિશન સ્લીપ પેરેલિસિસ કહેવાય છે. સામાન્ય રીતે મગજ આરામ ફરમાવતું હોય ત્યારે બોડી પણ રિલેક્સ થઈ જાય છે, પરંતુ શરીર જ્યારે મગજ સૂતું હોય ત્યારે પણ આરામ ન ફરમાવે ત્યારે આ તકલીફ ઉદભવે છે.
સામાન્ય રીતે પહેલી કે બીજી સ્લીપ સાઇકલના ત્રીજા અને ચોથા તબક્કા દરમિયાન સ્લીપ પેરેલિસિસમાં ગરબડ થાય છે. ઊંઘમાં શરીર સૂનું પડવાને બદલે જે વિચારો આવે છે એ મુજબ એક્ટ કરવા માંડે છે અને વ્યક્તિને એનો કોઈ જ અંદાજ હોતો નથી.
આમ થવાના કારણો?
સામાન્ય રીતે બાળકોમાં ઊંઘમાં ઊઠી જવું, બબડવું, લાતો મારવી, હાથ ઉલાળવા અને ચાલવા જેવાં લક્ષણો જોવા મળે છે. જોકે ૧૦ વર્ષની ઉંમર પછીથી ઊંઘમાં સ્લીપ પેરેલિસિસ પર નિયંત્રણ આવતું જાય છે. પુખ્તાવસ્થામાં જ્યારે સ્લીપ વોકિંગ જેવો ડિસઓર્ડર જોવા મળે છે એની પાછળ સાઇકોલોજિકલ તેમ જ ન્યૂરોલોજિકલ પરિબળો કારણભૂત હોય છે. અપૂરતી ઊંઘ, સૂવાના શેડ્યુલમાં ખૂબ જ અનિયમિતતા, હાઇગ્રેડ ફીવર, સ્ટ્રેસ હોય ત્યારે ક્યારેક આવાં લક્ષણો જોવા મળે છે. આ ઉપરાંત મેગ્નેશિયમ ક્ષારની ઊણપ હોય, મગજની બીમારી માટેની દવાઓ, ઊંઘની ગોળીઓ કે એન્ટિ-એલર્જિક દવાઓની આડઅસરને કારણે પણ આવું થઈ શકે છે.
ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપ્નીઆ, કોઈ આઘાતજનક ઘટના પછીનો ટ્રોમા, પેનિક અટેક કે સાઇકોલોજિકલ ડિસઓર્ડરને કારણે આમ થઈ શકે છે.
જોખમી પરિબળ
સ્લીપ વોકિંગથી લાંબા ગાળે પાર્કિન્સન જેવા ડિસીઝનું રિસ્ક વધે એ તો એક વાત થઈ, પરંતુ ઊંઘમાં જ થતી એક્ટિવિટીને કારણે બારીમાંથી કે દાદર પરથી પડી જવું, ઘરની બહાર ચાલતાં નીકળી જવાના કારણે એક્સિડન્ટ થવો, ઘરમાં પડેલી તીક્ષ્ણ ધારદાર ચીજો પોતાને વાગી જવી કે સાથે રહેનાર વ્યક્તિને વગાડી દેવા જેવી ઘટનાઓ થઈ શકે છે. ઊંઘમાં જ ચાલતાં ચાલતાં બાલ્કનીમાંથી પડી જવાથી મૃત્યુ થયાં હોવાના કિસ્સા પણ અસામાન્ય નથી.
સારવાર અને કાળજી
રિલેક્સેશન માટેની દવાઓ સાઇકિયાટ્રિસ્ટને કન્સલ્ટ કરીને લેવી જોઇએ. હિપ્નોટિઝમ જેવી ટેકનિક્સથી આદત કંટ્રોલમાં આવી શકે છે. જો ઊંઘમાં ચાલવાના કિસ્સાઓની ફ્રિકવન્સી વધી જાય તો ન્યૂરોલોજિસ્ટને કન્સલ્ટ કરવા જોઇએ. આવી વ્યક્તિ જે રૂમમાં સૂતી હોય એમાં કોઈ જ ધારદાર વાગે એવી ચીજો હાથવગી ન રાખવી. રૂમમાં વચ્ચે આવે એવું ફર્નિચર ન રાખવું. દરવાજો અને બારી બરાબર લોક કરીને જ રાખવાં. વ્યક્તિએ ઉજાગરા ન કરવા. સૂતાં પહેલાં હિંસક કે ઉત્તેજક કાર્યક્રમો જોવાનું કે એવી ઘટનાઓ વિશે વાત કરવાનું ટાળવું જોઇએ.
આ બધી વાત તો સ્લીપ વોકિંગની સમસ્યાથી પીડાતી વ્યક્તિ માટે થઇ. પરંતુ આ બીમારીને અટકાવવા માટે શું થઇ શકે? આલ્કોહોલ અને સિગારેટનું સેવન ન કરવું. નર્વ્સ સિસ્ટમ ડિપ્રેસ કરે એવી દવાઓ ન લેવી. ખૂબ જ થાકી જવાય ત્યાં સુધી કામ ન કરવું. સ્ટ્રેસ, અનિદ્રા, એન્ગ્ઝાયટી, વિવાદોથી બચવું એને કારણે સ્લીપ વોકિંગની તકલીફ વકરી શકે છે.