લંડનઃ પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના નિષ્ણાતો તાવ અને કફને કોરોના વાઈરસ ચેપના મુખ્ય લક્ષણો ગણાવે છે. જોકે, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોરિનોલેરિન્જોલોજી (Otorhinolaryngology)એ જણાવ્યું છે કે જે પેશન્ટ્સમાં તાવ કે કફ ના હોય તેમાં સ્વાદ અને ગંધનો અભાવ પણ કોરોના વાઈરસનો સંકેત આપી શકે છે. વાઈરસના ચેપના તાજા અભ્યાસના તારણો દર્શાવે છે કે માત્ર આઠ દિવસમાં હળવા કફ-ખાંસીથી ગંભીર શ્વસન સમસ્યાઓ સર્જાય છે. બીમારીના આરંભથી ડિસ્ચાર્જ થવાનો સરેરાસ સમયગાળો ૨૨ દિવસનો રહે છે તેમજ સરેરાશ ૧૮.૫ દિવસમાં મૃત્યુ ‘થઈ શકે છે.
NHS ના બે કન્સલ્ટન્ટ્સને પેશન્ટ્સ પાસેથી ચેપ લાગ્યા પછી તેમને વિશેષ સારવાર અપાઈ હતી ત્યારે નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે સ્વાદ અને ગંધનો અભાવ પણ કોરોના વાઈરસના લક્ષણો હોઈ શકે છે. પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની ગાઈડલાઈન્સ મુજબ ઊંચુ તાપમાન અને સતત નવા કફ-ખાંસીને કોરોના વાઈરસના લક્ષણો ગણાવાયા છે જેના કારણે એકાંતવાસ સેવવો જરૂરી બને છે. જોકે, બ્રિટિશ એસોસિયેશન ઓફ ઓટોરિનોલેરિન્જોલોજીએ જણાવ્યું છે કે જેમને તાવ કે કફના લક્ષણ ન હોય તેવા પેશન્ટ્સમાં નવા લક્ષણો પણ હી શકે છે.
એસોસિયેશને નિવેદનમાં જણાવ્યું છે કે, ‘અન્ય દેશોમાંથી પ્રાપ્ત પૂરાવાઓ પણ કહે છે કે કોરોના વાઈરસ સામાન્યપણે આંખ, નાક અને ગળામાંથી પ્રવેશે છે. અમને સ્વાદ અને ગંધના અભાવના લક્ષણો પણ જોવાં મળ્યાં છે. આનો અર્થ એ છે કે અન્ય લક્ષણો ન હોય પરંતુ, આ બે સ્વાદેન્દ્રિય અને ઘાણેન્દ્રિયની શક્તિ ગુમાવી હોય તેમણે પણ વાઈરસનો ફેલાવો થતો ઘટાડવા સેલ્ફ-આઈસોલેશનમાં જવું જોઈએ.’ અગ્રણી કન્સલ્ટન્ટ પ્રોફેસર નિર્મલ કુમારમે જણાવ્યું હતું કે,‘નાના પેશન્ટ્સમાં કફ અને તાવ જેવાં નોંધપાત્ર લક્ષણો દેખાતાં નથી પરંતુ, સ્વાદ અને ગંધની શક્તિનો અભાવ જણાય છે જે સૂચવે છે કે આ વાઈરસ નાકમાં સ્થિર થયા છે.’