સ્વાસ્થ્ય માટે કેટલું જરૂરી છે જળ?

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 23rd August 2017 07:20 EDT
 
 

માણસ અન્ન વિના કદાચ અઠવાડિયાંઓ કાઢી શકે, પણ પાણી વિના નહીં. પાણી વિના માનવજીવન ટકાવી રાખવું મુશ્કેલ બની જાય છે કેમ કે આપણા શરીરમાં પાણીનો ભાગ ખૂબ વધુ છે. માત્ર માણસ જ નહીં, સજીવમાત્રના શરીરમાં પુષ્કળ પાણી હોય છે. મનુષ્યશરીરના કુલ વજનમાં આશરે ૬૫થી ૭૦ ટકા જેટલું પાણી હોય છે. એટલું પાણી સતત ટકાવી રાખવું જરૂરી છે ને આથી જ રોજ અઢીથી ત્રણ લિટર જેટલું પાણી પીવાની સલાહ મોટા ભાગના ડોક્ટરો આપે છે.

આપણને પાણી પીવાની જરૂર પડે છે કેમ કે રોજેરોજ શરીરમાંથી પાણી નીકળી પણ જાય છે. આપણે શરીરમાંથી રોજ લગભગ અઢી લિટર જેટલું પાણી ગુમાવીએ છીએ. સરેરાશ ગણતરી માંડીએ તો - દોઢ લિટર જેટલું યુરિન દ્વારા, ૭૦૦ મિલીલિટર જેટલું પરસેવા દ્વારા, ૩૦૦ મિલીલિટર ઉચ્છ્વાસમાં રહેલા ભેજ દ્વારા અને ૧૦૦ મિલીલિટર મળ દ્વારા. આ કમી પૂરી કરવા માટે પૂરતી માત્રામાં પાણી પીવું જરૂરી છે. શરીરમાં પેદા થતાં ઝેરી દ્રવ્યોને બહાર ફેંકી દેવા માટે યુરિન, પરસેવો, ઉચ્છ્વાસ અને મળ દ્વારા પાણી બહાર ફેંકાય એ ખૂબ જરૂરી છે. ક્યારેક ઓછું પાણી પીવામાં આવે તો એકનું એક પાણી શરીરમાં રીસાઇકલ થઈને વપરાય છે, પરંતુ અમુક હદ કરતાં ઓછું પાણી પીવાથી લોહીનું પ્રેશર, કિડની, હૃદય અને પાચનતંત્ર બધું જ ખોરવાઈ જઈ શકે છે.

કેટલું પાણી પીવું જોઈએ?

બે લિટર, અઢી લિટર કે ત્રણ લિટર? કોઈ એક આંકડામાં એનો જવાબ આપી ન શકાય. દરેક વ્યક્તિએ પોતાના શરીરની જરૂરિયાત અને તેઓ જે દેશમાં રહે તેના હવામાનને ધ્યાનમાં રાખીને પાણી પીવું જોઈએ. મતલબ કે શરીરમાંથી રોજેરોજ જેટલું પાણી બહાર નીકળતું હોય એટલું પાણી પીવું જોઈએ. આપણું શરીર ચરબીનો સંગ્રહ કરી શકે છે, પરંતુ પાણીનો સંગ્રહ નથી કરી શકતું. આથી ૬૦ કિલોગ્રામની એક વ્યક્તિના શરીરમાંથી આશરે અઢીથી ત્રણ લિટર જેટલું પાણી બહાર ફેંકાતું હોય છે. આપણા ખોરાકમાં શાક, ફ્રૂટ્સ અને ભાત જેવી ચીજો જે નોર્મલી ખવાતી હોય છે એવી ચીજોમાંથી શરીરને અડધો લિટર પાણી મળી રહે છે, બાકીનું બે-અઢી લિટર પાણી એટલે કે આશરે આઠથી દસ ગ્લાસ જેટલું પાણી રોજ પીવું જોઈએ. સામાન્ય રીતે એક પુખ્ત વયની વ્યક્તિ ઓછામાં ઓછું આઠથી દસ ગ્લાસ પાણી પીએ એ જરૂરી છે. નાનાં બાળકોએ તેમની એક્ટિવિટી અને વજન અનુસાર પાંચથી છ ગ્લાસ પાણી પીવું જરૂરી છે.

શિયાળો, ઉનાળો, ચોમાસું - એમ સીઝન પ્રમાણે વાતાવરણમાં ફેરફાર થતાં એની સીધી અસર શરીર પર પડે છે. શિયાળામાં ઠંડા વાતાવરણમાં પસીનો ઓછો થવાથી ડીહાઇડ્રેશન ઓછું થાય છે તેથી શરીરને ઓછું પાણી જોઈએ છે. એ જ રીતે ઉનાળામાં પરસેવો વધુ થવાથી વધુ પાણી પીવું પડે છે.

શરીરને શ્રમ પડે એવું કામ કરનારાઓને વધુ પાણી જોઈએ છે; જ્યારે એસી ઓફિસમાં બેસીને કામ કરનારાઓને એટલી તરસ લાગતી નથી. સ્પોર્ટ્સ પર્સનને નોર્મલી લોકો જેટલું પાણી પીએ એના કરતાં લગભગ દોઢગણું પાણી પીવા જોઈએ છે.

તરસ ઓછી લાગે ત્યારે શું?

અમુક ઉંમર પછી અથવા તો વ્યક્તિની તરસની સંવેદના ઓછી થઈ જવાને કારણે તરસ ઓછી લાગતી હોય તો ખરેખર શરીરની ફ્લુઇડની જરૂરિયાત પૂરી થાય છે કે નહીં એ સમજવું અઘરું બની જાય છે. આ સમયે યુરિનનું કોન્સન્ટ્રેશન અને માત્રા તપાસીને શરીરની પાણીની જરૂરિયાત રેગ્યુલેટ કરી શકાય છે. જો યુરિન સતત ઘેરા પીળા અથવા તો ધૂંધળા રંગનું જ આવ્યા કરતું હોય તો કિડનીને પૂરતું પાણી નથી મળતું એમ સમજી શકાય.

શરીરમાં પાણીનું કામ શું?

જેમ આપણી કારનું એન્જિન ગરમ ન થઈ જાય એ માટે પાણીની જરૂર પડે છે એમ આપણા શરીરમાં પણ પાણી તાપમાન જાળવી રાખવાનું કામ કરે છે.

યોગ્ય રક્તવહન થાય, પાચનક્રિયા થાય, શ્વાસોચ્છ્વાસ બરાબર ચાલે એ બધા માટે પાણીનું હોવું જરૂરી છે. આ તમામ ક્રિયાઓ માટે પાણી અસરકારક દ્રાવક છે. પાણી શરીરમાંના વિદ્યુત-વિભાજ્યો (ઇલેક્ટ્રોલાઇટ્સ) વચ્ચે સમતુલા જાળવી રાખે છે. પાણી પોષક દ્રવ્યોની હેરફેર માટે એક મિડિયમનું કામ કરે છે. શરીરમાં ઉત્પન્ન થયેલા જૈવિક કચરાને યકૃત (લિવર) અને મૂત્રપિંડ જેવા અવયવો સુધી લઈ જાય છે. યુરિન વાટે કચરાનો નિકાલ પણ કરે છે. મોટા આંતરડામાંથી મળના નિકાલમાં મદદ કરે છે

પાણીની જગ્યાએ પીણાં ચાલે?

દૂધ-છાશ, ફળોના રસ, ઓસામણ, દાળ કે સૂપ જેવાં પ્રવાહીથી પાચનતંત્રને ફાયદો થાય છે. જોકે એ વધુ માત્રામાં લેવામાં આવે તો પાચનતંત્ર બગડે છે. બોડીને ડિટોક્સિફાઇ કરવા માટે પ્રવાહી શુદ્ધ પાણીની ખોટ પાણી સિવાય બીજા કશાથી ન પુરી શકાય. ચા, કોફી, ઠંડાં પીણાં કે દારૂ જેવાં પ્રવાહી તો વાસ્તવમાં મૂત્રલ હોવાથી શરીરમાંથી પાણી બહાર કાઢી નાખે છે. આમ એનાથી પાણીની કમી સર્જાય છે.

શરીરમાં પાણી ઓછું થવાનાં લક્ષણો

• મોઢું અને ગળું સુકાવું. • આંખો બળવી, છાતી અને પેટમાં બળતરા થવી. • ચામડી શુષ્ક થઈ જવાથી એમાં કરચલી પડવી. • પીળો, ગરમ અને ઓછો પેશાબ થવો. • ખાટા ઓડકાર આવવા. • કબજિયાત થઈ જવી. • અકારણ થાક લાગવો, હાંફ ચડવી. • સ્નાયુઓમાં અને સાંધાઓમાં દુખાવો થવો.

માથાનો દુખાવો, આધાશીશી, એસિડિટી, કબજિયાત, કિડનીની પથરી કે બળતરા, સ્નાયુ કે સાંધાના દુખાવા, અલ્પ/કષ્ટદાયક માસિક સ્રાવ જેવા રોજબરોજના વ્યાધિઓમાં પાણીચિકિત્સા જાદુઈ લાકડી જેવું કામ કરે છે.

પાણી ક્યારે પીવું અને ક્યારે નહીં?

મોઢું કે ગળું સુકાય એટલે પાણી અવશ્ય પીવું. કસરત કરતાં પહેલાં પાણી પીવાનું ન ભૂલો. સવારે મોં સાફ કર્યા પછી ત્રણથી ચાર ગ્લાસ પાણી પીઓ. એનાથી રાતની ઊંઘ દરમિયાન ઉદ્ભવેલી નિર્જલાવસ્થાને દૂર કરીને મળવિસર્જનમાં મદદ થાય છે. નાસ્તો, લંચ કે ડિનર લેવાના અડધો કલાક પહેલાં એકાદ ગ્લાસ પાણી પીઓ. જમતાં-જમતાં વચ્ચે ખોરાકને રસમય બનાવવા જરૂરી હોય એટલું પાણી ઘૂંટડે-ઘૂંટડે પીવું. જો ભોજનમાં સેમી-લિક્વિડ વાનગીઓ રાખશો તો પાણી પીવાની જરાય જરૂર નહીં પડે. જમ્યા પછી કોગળા કરીને દાંત સાફ કરી લેવા, પરંતુ એકાદ ઘૂંટડાથી વધુ પાણી ન પીવું. જમી લીધા પછી દોઢ કલાક પછી જ પાણી પીવું. રાતે સૂતાં પહેલાં એક ગ્લાસથી વધુ પાણી ન પીઓ. વધુ પીશો તો અડધી રાતે ભરનિદ્રામાંથી પેશાબ માટે ઊઠવું પડશે ને નહીં પીઓ તો પાણી પીવા માટે ઊઠવું પડશે.

કેવું પાણી પીવું જોઇએ?

સામાન્ય સંજોગોમાં સાદું એટલે કે સમશીતોષ્ણ પાણી પીઓ. તાવ-શરદી-ખાંસી જેવી તકલીફોમાં સહેજ હૂંફાળું પાણી પીવું. ખાટા ઓડકાર આવતા હોય, ગળામાં કે પેટમાં બળતરા થતી હોય અથવા ખૂબ તાપ-તડકાનો સામનો કરવો પડ્યો હોય ત્યારે સહેજ ઠંડું પાણી પીવું. વજન વધારવા માગતા કૃશ લોકોએ આખો દિવસ ગરમ પાણી પીવું. ગરમી એક ઊર્જા છે જે શરીરને પ્રાપ્ત થવાથી વજન વધે છે. વજન ઘટાડવા માગતા લોકોએ ઠંડું પાણી પીવું. ઠંડા પાણીને ગરમ કરવા શરીરને પોતાની ઊર્જાનો ખર્ચ કરવો પડે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter