ઉજળું એટલું દૂધ નહિ અને પીળું એટલું સોનું નહિ ઉક્તિની માફક દરેક ખાદ્યપદાર્થો આરોગ્યને લાભકારી હોય તેમ કહી શકાય નહિ. શા માટે? કારણ કે ઉત્પાદનોને લાંબા સમય સુધી સાચવી શકાય તે માટે તેના પર એડેટિવ્ઝ અને પ્રિઝર્વેટિવ્ઝ ઉમેરવામાં આવે છે જે આપણા શરીરનું આરોગ્ય બગાડવામાં કારણભૂત બની રહે છે. આવા ખાદ્યપદાર્થોને આપણે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સની કેટેગરીમાં મૂકી શકીએ. ભાગદોડભરી જીવનશૈલીના પગલે લોકોની ભોજનશૈલી પણ બદલાઇ રહી છે. આ માહોલમાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સ(UPF)નો ફેલાવો એટલી ઝડપથી વધી રહ્યો છે કે સમગ્ર વિશ્વમાં જાણે કે તેનું બંધાણ વધી રહ્યું છે જેના પરિણામે, આરોગ્યવિષયક ગભરાટ પણ વધી રહ્યો છે. UPFમાં વપરાતા એડેટિવ્ઝ સ્વાદ અને સુગંધ વધારી લોકોને લલચાવે છે એટલું જ નહીં, તેનું વ્યસન લગાડે છે.
ફૂડ એક્સપર્ટ ડો. ક્રિસ વાન ટુલેકેન્સના પુસ્તક ‘અલ્ટ્રા-પ્રોસેસ્ડ પીપલ’ પ્રકાશિત થયા પછી આ સિન્થેટિક ખાદ્યપદાર્થો એટલે કે અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સથી આપણા શરીર, આપણા આરોગ્ય, આપણા વજન અને આપણી પૃથ્વીને જે નોંધપાત્ર નુકસાન થઈ રહ્યું છે તેના વિશે લોકો થોડુંઘણું જાણતા થયા છે.
અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સમાં સંપૂર્ણ ખોરાક આવે છે જેમાં સુધારાવધારા કરાય છે અને નવેસરથી પ્રક્રિયા કરવામાં આવે છે. મૂળભૂત કે કુદરતી ખોરાક જેવી જ સ્વાદ અને સુગંધ-સોડમ જળવાઈ રહે તે માટે તેના પર મીઠાંનો ભારે છંટકાવ કરાય છે, ગળપણ ઉમેરાય છે, રંગબેરંગી બનાવાય છે અને તેની અનિચ્છનીય ક્વોલિટીઝને છુપાવી દેવાય છે. આનો અર્થ એ છે કે ખોરાકના કદરુપાપણાને નવાં વસ્ત્રો પહેરાવી દેવાય છે.
એડિટિવ્ઝનો અર્થ એ થાય છે કે ખાદ્યપદાર્થોનું સસ્તું ઉત્પાદન શક્ય બને છે, સ્વાદ અને દેખાવ વધુ સારાં જણાય છે, બગડ્યાં વિના લાંબો સમય રહી શકે છે અને છેલ્લે તેનું વ્યસન કે બંધાણ પડતું જાય છે. આજકાલ લોકોને અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ વધુ પસંદ આવે છે. કોસ્મેટિક ફૂડના નામે પણ ઓળખાતાં અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં પ્રોટીન અને ફાઇબરનું પ્રમાણ ઓછું જ્યારે સુગર અને મીઠાંનું પ્રમાણ વધુ હોય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડમાં તમામ પ્રકારનાં પોષકતત્ત્વો સમાપ્ત થઇ જાય છે.
તમે કોઈ પણ સ્ટોર કે સુપરમાર્કેટમાં જશો, સિન્થેટિક ખાદ્યપદાર્થો તમને જરૂરથી લલચાવશે. મીઠાઈઓ અને ક્રિસ્પ્સ તો મોટા ભાગે અલ્ટ્રા-પ્રોસેસ્ડ જ હોય છે તો બ્રેકફાસ્ટમાં ઉપયોગમાં લેવાતા સીરિયલ્સ કે વ્હાઈટ બ્રેડ પણ તેમાંથી બાકાત નથી. માર્ગારિન્સ, સેન્ડવિચીઝ, ગળપણયુક્ત યોગર્ટ્સ, ગ્રેનોલા બાર્સ, પ્લાન્ટ બર્જર્સ અને વિવિધ ચીઝ, કેટલાક પ્રકારના સલાડ્સ, સ્ટફ્ડ ઓલિવ્ઝ, હમસ (ચટણીઓ) પણ અલ્ટ્રા-પ્રોસેસ્ડ જ મળે છે. વાસ્તવમાં પ્લાસ્ટિકમાં વીંટળાયેલા અને સામાન્યપણે આપણા રસોઈઘરમાં જોવાં નહિ મળતાં પદાર્થો - ફ્લેવરિંગ્સ, કલરિંગ્સ, ઈમલ્સિફાયર્સ, એસિડિટી રેગ્યુલેટર્સ, ફોમિંગ એજન્ટ્સ, એન્ટિ-ફોમિંગ એજન્ટ્સમાંથી કોઈ એકનો પણ ઉપયોગ થયો હોય તેવાં અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સની યાદી ઘણી લાંબી છે. આ કોઈ ખાદ્યપદાર્થ નથી પરંતુ, ઔદ્યોગિક રીતે ઉત્પાદિત ખાવાયોગ્ય પદાર્થ છે.
UPFનો ખયાલ આમ તો 2009માં બ્રાઝિલની સાઓ પાઉલો યુનિવર્સિટીની પ્રોફેસર કાર્લોસ મોન્ટેરિયો દ્વારા ઉભો કરાયો હતો. આ નોન-ફૂડ કે અવાસ્તવિક ખોરાક વજનવૃદ્ધિ, કેન્સર, ટાઈપ-2 ડાયાબિટીસ, ડિપ્રેશન, કાર્ડિયોવાસ્કુલર રોગો અને કવેળાના મોત સાથે સંકળાયેલા હોવાં છતાં, યુકેમાં બહુમતી વયસ્કો તેમાંથી ઢગલાબંધ કેલરી મેળવી રહ્યા છે. લંડનની ઇમ્પરિયલ કોલેજના રિસર્ચ અનુસાર લાંબા સમય સુધી UPFનું સેવન કરાય તો શરીરમાં કેન્સરનો ખતરો વધે છે.
ખાદ્યનિષ્ણાત વાન ટુલેકેન્સ કહે છે તેમ અલ્ટ્રા પ્રોસેસ્ડ અને પ્રોસેસ્ડ ફૂડ્સમાંથી કયા પ્રોસેસ્ડ છે અને કયા નથી તે હંમેશાં સ્પષ્ટ કરી શકાતું નથી પોષણની દૃષ્ટિએ તફાવત લગભગ શૂન્ય હોય છે પરંતુ, મોટા ભાગના અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સ આદત પાડવા સાથે વધુ વપરાશ તરફ લઈ જાય છે. અલ્ટ્રા પ્રોસેસ્ડ ફૂડ્સમાં અનેક પ્રકારના ઘટક તત્વો ઉમેરેલા હોય છે. આ માટે તમારે લેબલિંગ જોવું જ રહ્યું. જિન, રમ, અને વ્હિસ્કી જેવા ડિસ્ટિલ્ડ આલ્કોહોલ UPF હોય છે જ્યારે વાઈન અને બીઅર આ કેટેગરીમાં આવતા નથી. ઓલિવ ઓઈલ લાઈટ સ્પ્રેડમાં મોડિફાઈટ કોર્ન સ્ટાર્ચ અને પોટાશિયમ સોર્બેટ સહિત13 ઘટકો ઉમેરાય છે જ્યારે અનસોલ્ટેડ બટરમાં બ્રિટિશ મિલ્ક સિવાય અન્ય ઘટક હોતું નથી. મિલ્ક ચોકોલેટ્સ પણ વિવિધ પ્રકારના ઈમલ્સિફાયર્સ અને ફ્લેવરિંગ્સ ધરાવે છે. મોટા ભાગના સુપરમાર્કેટ્સમાં બ્રેડ UPF હોય છે તેની જગ્યાએ સ્થાનિક બેકરીના બ્રેડ પસંદગીયોગ્ય ગણી શકાય. અલ્ટ્રા-પ્રોસેસ્ડ ફૂડ્સનો વપરાશ ઘટાડવો આરોગ્યની જાળવણી માટે આવશ્યક છે.