વિટામિન્સના અનેક પ્રકાર છે, પરંતુ એમાં મુખ્ય છ પ્રકાર છે. વિટામિન એ, બી, સી, ડી, ઈ અને કે વિશે થોડું જાણીએ.
• વિટામિન એઃ આ વિટામિન આંખ માટે ખૂબ જરૂરી છે. આની સૌથી વધારે જરૂર બાળકો અને ગર્ભવતી મહિલાને પડે છે. જો પૂરતા પ્રમાણમાં વિટામિન એ ન મળે તો નવજાત શિશુનું મૃત્યુ પણ થઈ શકે છે. સામાન્ય રીતે વિટામિન એની ઉણપથી આંખને લગતા વિવિધ રોગો થતા જોવા મળે છે. આ ઉપરાંત ફેફસાં અને શ્વાસને લગતી બીમારી, સાયનસ, શરદી, તાવ, દાંત અને હાડકાં નબળાં પડવાં, વજન ઘટવું, કબજિયાત, ટીબી, જલોદર અને બહેરાશ આવી શકે છે. આ તમામ રોગોમાંથી બચવા વિટામીન એ મળી રહે એવો આહાર લેવો જોઈએ. જેમ કે - પાલક, કોબીજ, મૂળાનાં પાન, પપૈયું, ટામેટાં, ગાજર, કેરી, સીતાફળ, દૂધ, માખણ, ઘી, કેળાં અને લીંબુ લઈ શકાય.
• વિટામિન બીઃ આ વિટામિન શરીર અને મસ્તિષ્કના હોર્મોન્સનું સંતુલન જાળવવામાં મદદ કરે છે. રોગપ્રતિકારક શક્તિ વધારે છે. હૃદયનું સ્વાસ્થ્ય સુધારે છે. વિટામિન બીની ખામીથી રક્તકણના ટકા ઘટી જવાના બનાવો સૌથી વધારે બને છે. હિમોગ્લોબીન કે રક્તકણોની ઉણપ વિટામિન બી-૧૨ના અભાવે થાય છે. જેમાં દર્દીની શારીરિક ક્ષમતા અને ચયાપચય (મેટાબોલિઝમ)ની ક્રિયા પર ગંભીર અસર પહોંચે છે. બી-૧૨ની ઉણપથી બચવા પાણીને ઉકાળીને કે ફિલ્ટર કરીને પીવું જોઈએ. શાકભાજી અને ફળોને પાણીથી ધોઈને ઉપયોગમાં લેવા અને દૂધ અને દૂધની બનાવટોનો નિયમિત ઉપયોગ કરવો. વિટામીન બી બટાકા, કેળાં, આખા ધાન, રાજમા, નટ્સમાંથી મળે છે.
• વિટામિન ડીઃ શરીરમાં હાડકાં બનાવવામાં અને એને જાળવવામાં મદદ કરે છે. આ સિવાય વિટામિન ડી આંતરડાં અને હૃદય ઉપર પણ અસર કરે છે. એ શરીરમાં જુદાં જુદાં સ્વરૂપે કામગીરી બજાવે છે. બધા જ પ્રકારના વિટામિનની સરખામણીએ ભારતના લોકોમાં વિટામિન ડીનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે. પરિણામ સ્વરૂપે હાડકાં નબળાં પડે છે અને તૂટી શકે છે. ઓસ્ટિઓમલેસિયા જેવા હાડકાંનાં રોગો પણ થાય છે. વિટામિન ડીનો સૌથી મોટો સ્ત્રોત સૂર્યકિરણો છે. આ સિવાય ગાજર, ટામેટાં, નારંગી, લીલા શાકભાજી, નારિયેળ, માખણ, પપૈયું, દહીં, ઘી, બીટ અને મૂળામાંથી મળે છે.
• વિટામિન ઈઃ લોહીમાં લાલ રક્તકણોને બનાવવાનું કામ કરે છે. આ વિટામિન શરીરમાં એન્ટિ-ઓક્સિડન્ટનું કામ કરે છે. એ દરેક રંગને સક્રિય રાખવામાં મદદરૂપ થાય છે. ફેટી એસિડને પણ સંતુલનમાં રાખવાની સાથે ત્વચાને યુવાન રાખે છે. પ્રિમેચ્યોર નવજાત શિશુમાં વિટામિન ઈની ઉણપથી લોહી ઘટી જાય છે. આથી એનેમિયા થઈ શકે છે. બાળકો અને વૃદ્ધોને વિટામિન ઈના અભાવથી મગજની નસો કે ન્યુરોલોજિકલ સમસ્યા થઈ શકે છે. કોઈ પણ રોગનો ચેપ જલ્દી લાગી શકે છે. આ સિવાય કમળો, નપુંસકતા, ડાયાબિટીસ, વાળ ખરવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. વિટામિન ઈ ઘઉં, જવ, ખજૂર, ચણા, લીલાં શાકભાજી, મલાઈ, માખણ, વનસ્પતિ તેલ, સન ફ્લાવર અને મકાઈના તેલમાંથી મળે છે.
• વિટામિન કેઃ શરીર માટે અગત્યનું વિટામિન છે. આ વિટામિન શરીરમાં ગમે ત્યાંથી થતાં રક્ત સ્ત્રાવને અટકાવવાની અદભૂત ક્ષમતા ધરાવે છે. વિટામિન કેની ઉણપથી લોહી પાતળું થવું, રક્ત સ્ત્રાવ થવો અને આંતરડાનો સોજો આવી જાય છે. યકૃત બગડે, ક્ષયના રોગ, શરીરમાં ગાંઠ થઈ હોય, ઓપરેશન પહેલાં અને પછી લોહીનો સ્ત્રાવ ન થાય અથવા તો ઓછો થાય એ માટે વિટામિન કેનો ઉપયોગ કરાય છે. વિટામિન કે પાલક, મૂળા, ગાજર, ઘઉં, સોયાબિનનું તેલ, દૂધ, લીલાં શાકભાજી, લીંબુ, ચોખાં, ઘી, સતરાં, રસદાર ફળોમાંથી મળે છે.