સ્વાસ્થ્યપ્રદ આહાર લો, આલ્કોહોલ ઘટાડો ને રોજ ૩૦ મિનિટ કસરત કરો તો જીવનમાં વધારાના ૧૦ વર્ષ મળે!

Friday 14th January 2022 05:20 EST
 
 

જીવનના પાંચમા દાયકામાં છો? તો એમ સમજો કે આ ખાસ સમાચાર તમારા માટે જ છે. હાર્વર્ડ યુનિવર્સિટી અને એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ અમેરિકામાં પુરુષો અને મહિલાઓના આરોગ્ય ઉપર કરેલા અભ્યાસના આધારે બહુ રસપ્રદ તારણ આપ્યું છે. તેમનું કહેવું છે કે જે લોકોએ નિયમિત કસરત કરી છે અને ધૂમ્રપાન તથા શરાબથી દૂર રહ્યા છે તેઓ અન્ય લોકો કરતાં ૧૦ વર્ષ વધુ જીવ્યા હતા અને તે પણ સ્વસ્થ જીવન. તો બસ, સ્વાસ્થ્યપ્રદ આહાર લો, શરાબ પીતા હો તો તે ઓછો કરી નાંખો (શક્ય હોય તો બંધ જ કરી દો) અને દરરોજ ૩૦ મિનિટ કસરત કરો. જો આમ કરશો તો વધારાના ૧૦ સ્વસ્થ વર્ષ જીવવા મળી જશે. વિજ્ઞાનીઓએ અભ્યાસમાં શોધી કાઢ્યું છે કે નિયમિત કસરત કરવાની સાથોસાથ આરોગ્યપ્રદ ભોજન કરશો અને ધૂમ્રપાન તથા શરાબથી દૂર રહેશો તો તમારા જીવનને સ્વસ્થ બનાવી શકો છો. મહિલાઓ પણ આ શૈલી અપનાવે તો કેન્સર, હૃદયરોગ કે ડાયાબિટીસ જેવા રોગો શરીરમાં પ્રવેશ મેળવી જાય એ પહેલાં તમારું જીવન ૧૦ વર્ષ વધી જાય છે.
વિજ્ઞાનીઓએ જીવનના પાંચમા દાયકામાં પ્રવેશી ગયેલા અને પાતળા, સક્રિય અને ધૂમ્રપાન કરતા નહીં હોય એવા ૧,૦૦,૦૦૦ કરતાં વધુ લોકો ઉપર એક અભ્યાસ કર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટી અને એમ્સ્ટર્ડમ યુનિવર્સિટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના નિષ્ણાતોએ અમેરિકામાં પુરુષ અને મહિલાઓના આરોગ્ય ઉપર ધ્યાન રાખ્યું હતું. આ અભ્યાસ હેઠળ આવરી લેવાયેલા લોકો જ્યારે અભ્યાસ શરૂ થયો ત્યારે કોઇ રોગનો ભોગ બન્યા ન હતા. તેમના ઉપર ૨૦ વર્ષ સુધી અભ્યાસ કરાયો હતો. જે લોકોમાં હૃદયરોગ, કેન્સર કે ટાઇપ-૨ પ્રકારનો ડાયાબિટીસ થયો હોય એવા લોકોને એક ગ્રૂપમાં રખાયા હતા. આ જૂથમાં રોગ ક્યારે પેદા થયો અને તેઓ ક્યારે મૃત્યુ પામ્યા એ વિગતો નોંધવામાં આવી હતી. તેના આધારે તારણ કાઢવામાં આવતા જણાયું કે જેઓ સ્વસ્થ આહાર, કસરત અને ધૂમ્રપાન તથા શરાબથી દૂર રહ્યા તેઓ અન્ય લોકો કરતાં ૧૦ વર્ષ વધુ જીવ્યા હતા અને તે પણ સ્વસ્થ જીવન.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter