નવી દિલ્હી: વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશ (‘હૂ’)ના મુખ્ય વૈજ્ઞાનિક ડો. સૌમ્યા સ્વામીનાથને એવી ચેતવણી ઉચ્ચારી છે કે કોવિડ-૧૯ની સામે હર્ડ ઈમ્યુનિટી વિકસિત થવામાં હજુ ઘણો સમય લાગશે અને વેક્સીન આવ્યાં બાદ હર્ડ ઈમ્યૂનિટી વિકસિત થવામાં પણ ઝડપ આવશે. કોઇ પણ સંક્રમણની સામે ઘણી મોટી વસતીમાં રોગપ્રતિકાર શક્તિ વિકસે તેને હર્ડ ઈમ્યુનિટી કહેવાય છે.
તેમણે કહ્યું કે કુદરતી રોગપ્રતિકાર ક્ષમતાના સ્તર સુધી પહોંચવા માટે સંક્રમણના બે તબક્કાની જરૂર પડતી હોય છે. આમ વહેલામાં વહેલા આવતા વર્ષે કે તે પછી દુનિયામાંથી કોરોના વાઇરસ ખતમ થાય તેવી શક્યતા છે.
હર્ડ ઇમ્યૂનિટી વિકસવા માટે ૫૦થી ૬૦ ટકા વસતીમાં રોગપ્રતિકાર ક્ષમતા હોવી જોઈએ જેથી કરીને ચેપની શ્રૃખંલાને તોડી શકાય. વેક્સીન દ્વારા આવું કરવું ઘણું સરળ બની રહે છે, પણ કુદરતી સંક્રમણના માધ્યમથી હર્ડ ઇમ્યુનિટી વિકસે તે વધુ સારું છે. હજુ ચેપના ઘણા તબક્કા આવશે.
ઘણા અભ્યાસના આધારે માલૂમ પડયું છે કે સામાન્ય રીતે પાંચથી દશ ટકા વસતીમાં રોગપ્રતિકાર ક્ષમતા વિકસિત થઈ છે. કેટલાક ઠેકાણે આ પ્રમાણ ઘણું વધારે છે. જો ક્લિનિકલ પરીક્ષણ સફળ રહે અને ચાલુ વર્ષના અંત સુધીમાં કોરોનાની રસી આવી જાય તો પણ આપણે અબજો ડ્રોપ્સની જરૂર પડશે અને તેમાં સમય લાગી શકે છે. હાલમાં ૨૦૦ કરતાં પણ વધારે કંપનીઓ રસી વિકસિત કરવાના અલગ અલગ ચરણમાં પહોંચી છે. સામાન્ય રીતે કોઈ રોગની રસી વિકસાવવી ઘણી જ અઘરી પ્રોસેસ છે અને તેમાં ઘણો સમય લાગતો હોય છે.