ખુશમિજાજ અને આનંદી વ્યક્તિત્વ ધરાવતા વડીલોના મોઢે આપણે ઘણી વખત સાંભળતા હોઇએ છીએ કે, ઉંમર ભલે થઈ ગઈ પણ દિલ તો હજી જવાન છે. સાચું કહું તો આ જ જીવનની ખરી મજા છે. હંમેશાં પોઝિટિવ રહીને જીવનને માણશો તો જ જીવનની ખરી મજા આવશે. મનથી તમે ખુશ હશો તો તમારો આખો દિવસ તાજગીભર્યો રહેશે અને દિવસ તાજગીભર્યો રહેતા તેની અસર માનસિક અને શારીરિક રીતે ચોક્કસથી જોવા મળશે. લાગણી અને ભાવ બધું હૃદય સાથે જોડાયેલું છે. આ કારણે તમે જે પણ લાગણી અનુભવશો તેની સીધી અસર મગજ પર અને શરીર પર જોવા મળે છે.
• તમે ખુશ રહેશો તો હૃદય પણ ખુશ રહેશે. આથી હંમેશાં મન પ્રફુલ્લિત રાખો. જીવનમાં કોઈ પણ સમસ્યા હોય, તેને લઈને તણાવમાં ન આવતા શાંત મને સમસ્યા અંગે વિચારો અને તેનો ઉકેલ લાવવાનો પ્રયત્ન કરો. જેટલો તણાવ ઓછો રહેશે માનસિક અને શારીરિક રીતે સ્વાસ્થ્ય પર એટલી જ પોઝિટિવ અસર થશે. વધારે પડતા તણાવને કારણે હાર્ટ એટેક અને બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ ઉદ્ભવે છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે હંમેશાં ખુશ અને આનંદિત રહો. જે મન કહે એ કરો. કહે છે કે, ઘડપણમાં ફરી બાળપણ આવી જતું હોય છે તો તમારા અંદર રહેલા નાના બાળકને જીવંત રાખો અને ઘડપણમાં ફરી બાળપણને માણો.
• હેલ્ધી આહાર આરોગો અને હૃદયને હેલ્ધી રાખો. આહારની પણ સારી અને માઠી અસર હૃદય પર પડે છે. તમે જેવો ખોરાક આરોગશો તમારા હૃદય પર પણ એવી જ અસર પડશે. ઘડપણમાં કાર્યશક્તિ ઓછી હોવાને કારણે અને સતત બેઠાડું જીવન જીવન જીવવાને કારણે ખોરાક બરાબર પચતો નથી અને અલગ અલગ બીમારીઓ થાય છે. તીખું-તળેલું મસાલેદાર ભોજન ખાવાથી શરીર પર તો તેની માઠી અસર પડે જ છે સાથે સાથે હૃદય પર પણ તેની ખરાબ અસર વર્તાય છે. આથી ઘડપણમાં બને તેટલો પૌષ્ટિક આહાર આરોગવો. તમારા રોજિંદા આહારમાં ફળો, શાકભાઈ, અનાજ, ડેરી પ્રોડક્ટ અને સૂકામેવાનો સમાવેશ કરો.
• હળવી કસરતો કરી હૃદયને રાખો એક્ટિવ. કસરત કરવાથી પણ હૃદય તંદુરસ્ત રહે છે. સવારે વોક પર જવું, મેડિટેશન, યોગ જેવી ક્રિયાઓથી હૃદય તંદુરસ્ત રહે છે. કસરત કરવાથી શરીરમાં લોહીનું પરિભ્રમણ સારું રહે છે અને હૃદયના ધબકારા સારા રહે છે. વહેલી સવારે મેડિટેશન કરવાથી મગજ શાંત રહે છે અને શરીરને તાજી હવા મળે છે. રોજિંદી ક્રિયામાં મેડિટેશન અને કસરતને સ્થાન આપવાથી હૃદય સંબંધી ઘણી બીમારીઓથી બચી શકાય છે અને હૃદય સ્વસ્થ રહે છે.
• મનનું કરવામાં જાતને ન બાંધો. હંમેશાં મન જે ઈચ્છે એ કરો. મનની ઈચ્છા મુજબ જે પણ કામ કરશો એ કરવાની તમને મજા આવશે અને તેમાં તમને સંતોષ પણ મળશે. મન શાંત રહેશે તો આપોઆપ તણાવમુક્ત રહેશો અને તેના પગલે મગજ અને શરીર સ્વસ્થ રહેશે. તમારી ઈચ્છા મુજબ નવા શોખ વિકસાવો અને તેમાં વ્યસ્ત રહો. જેથી નેગેટિવ વિચારોથી દૂર રહી શકો. ટૂંકમાં ખુશ રહો અને હસતાં રહો. મન પ્રફુલ્લિત હશે તો ઘડપણ છતાં શરીરમાં પણ એક ગજબની એનર્જી અનુભવાશે.