લંડનઃ છેલ્લા કેટલાક સમયમાં એર ટ્રાફિક વધ્યો છે. દરેક સ્તરના લોકો મુસાફરી કરે છે. તેમાં લોકોને અનેક સમસ્યાનો સામનો કરવો પડે છે. હવાઈ મુસાફરી પ્રવાસીઓના મનોબળ પર અસર કરી તેને નબળું પાડે છે. આ ઉપરાંત, ઓક્સિજન ઓછો મળવાથી વિચારશક્તિ તેમજ રીફ્લેક્સીસને પણ અસર થાય છે. લંડનના ગેટવિક એરપોર્ટ દ્વારા પ્રવાસીઓના સર્વેમાં ૧૫ ટકા પુરુષો અને ૧૦ ટકા મહિલા સહિત કુલ ૨૫ ટકા લોકોએ તેઓ મુસાફરી દરમિયાન ભાવુક થતાં હોવાનું કહ્યું હતું.
સર્વેમાં તારણો જણાવે છે કે વિમાનની અંદર અસંતુલિત પ્રેશરના કારણે મુસાફરોના લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ૬થી ૨૫ ટકા ઓછું થઈ જાય છે. હવામાં વિમાન પેક્ડ વેક્યુમ ટ્યુબની જેમ કામ કરે છે. વિમાન ઉપર જાય તેમ અંદર એરપ્રેશર સંતુલન બગડે છે. કેબિનની અંદર હવા ૧૦ ડિગ્રી સે. સુધી ઠંડી હોવાથી શરીરમાં વધારાની ગરમી વધતા આંસુની સંભાવના વધે છે. ઓક્સિજનની ઘટથી વિચારવાની પ્રક્રિયા ધીમી પડે છે અને એરપ્રેશરનું અસંતુલન પ્રવાસીના રીફ્લેક્સેસ પર અસરકરે છે. આંખોનાં રેટિનાને હળવા અંધારામાં જોવામાં મદદ કરતા ફોટોરિસેપ્ટર સેલ્સને ભારે માત્રામાં ઓક્સિજનની જરૂર હોય છે. હવાઈ મુસાફરી દરમિયાન પૂરતો ઓક્સિજન ન મળવાથી તે સેલ્સ પર અસર પડે છે.
ઓક્સિજનના અભાવે લાંબી હવાઈ મુસાફરીમાં થાક વધારે લાગે છે. ખોરાકના સ્વાદનો અનુભવ કરવા ઓક્સિજનની જરૂર હોય છે. તેના કારણે જીભમાં રહેલા ટેસ્ટ બડ્સની કાર્યક્ષમતા પણ ઘટે છે.