લંડનઃ હવે એ દિવસો દૂર નથી જ્યારે વિદેશી પ્રવાસીએ એરપોર્ટ પર કોરોના ટેસ્ટ માટેની PCR ટેસ્ટની લાઈનમાં ઊભા રહેવું પડશે નહીં. એરપોર્ટમાં પ્રવેશતી વેળા જ પ્રશિક્ષિત કૂતરાં પ્રવાસીને સૂંઘીને તેમને કોરોના છે કે નહીં તે તપાસ કરી લેશે. પ્રવાસીને કોરોનાના લક્ષણ જણાતા હોય કે ન જણાતા હોય કૂતરાં તેનો ચેપ ચોકસાઈથી પકડી પાડશે.
બ્રિટીશ મેડિકલ જર્નલ ‘ગ્લોબલ હેલ્થ જર્નલ’માં પ્રગટ થયેલો અહેવાલ કહે છે કે પ્રશિક્ષિત કૂતરા હવે એરપોર્ટ ઉપર પ્રવાસીઓને સૂંઘીને કોરોના પોઝિટિવ દર્દીને ચોકસાઈથી ઓળખી લેશે. અહેવાલ મુજબ કૂતરાં પ્રવાસીઓમાંથી કોરોના પોઝિટિવ લોકોને શોધવામાં 98 ટકા ચોકસાઈ સાથે સફળ થયા છે. કોરોનાની હજી તો શરૂઆત હોય તેવા કેસમાં પણ કૂતરાં દર્દીને પારખી લેવામાં સફળ થાય છે.
ચાર કૂતરાને ટ્રેનિંગ
ફિન્લેન્ડની હેલસિન્કી યુનિવર્સિટી અને હેલસિન્કી યુનિવર્સિટી હોસ્પિટલના સંશોધકોએ 2020માં ચાર કૂતરાંઓને કોરોનાને ની ગંધ સૂંઘવાની તાલીમ આપી હતી. આ કૂતરાં પહેલાં નશીલા દ્રવ્યો, વિસ્ફોટક પદાર્થો અને કેન્સર શોધવાનું કામ કરતા હતા. હવે તેમને કોરોના પારખવાની તાલીમ અપાઇ હતી. તેમને સાત પરીક્ષણ સેશન્સમાં જુદા જુદા નમૂના સૂંઘાડવામાં આવ્યા હતા.
કોરોના વેરિઅન્ટ પણ પારખ્યાં
કૂતરાં વિવિધ જાતની ગંધ પારખવામાં સૌથી શક્તિશાળી હોય છે, તે માણસના શરીરમાંથી આવતી વિવિધ હોર્મોન ઉપરાંત જુદી જુદી મેટાબોલિક પ્રક્રિયાઓના પરિણામે શરીરમાંથી નીકળનાર ઓર્ગેનિક ગંધને પણ પારખી શકે છે. એ હકીકતનો પુરાવો આપતાં પ્રશિક્ષિત કૂતરાંએ માત્ર કોરોનાનો ચેપ જ નહીં, કોરોનાના વિવિધ પ્રકારના વેરિઅન્ટને પણ જુદા જુદા પારખી બતાવ્યા છે. અલબત્ત, કોરોનાના બધા વેરિઅન્ટને સફળતાપૂર્વક પારખી લેનાર કૂતરાં આલ્ફા વેરિઅન્ટને પારખવામાં થોડા ઓછા સફળ થયા છે.
પરીક્ષણ માટે માટે કૂતરાંને કોરોનાનો ભોગ બનેલા 420 સ્વયંસેવકોના સ્વેબ લઈ સુંઘાડવામાં આવ્યા હતા, જેથી કૂતરાં એ ગંધને બરાબર ઓળખી લે. આ પછી કૂતરાંએ 114 સ્વયંસેવકોની ચામડી સૂંઘીને તેમને કોરોના પોઝિટિવ જણાવ્યા હતા. જ્યારે બાકીના 306ને નેગેટિવ જણાવ્યા હતા. PCR સ્વેબ વડે તપાસ કરતાં જાણવા મળ્યું કે કૂતરાં પોઝિટિવ કેસ પારખવામાં 92 ટકા સફળ રહ્યા અને નેગેટિવ કેસ પારખવામાં 91 ટકા સફળ રહ્યા છે.
પ્રયોગમાં સામેલ કરાયેલા લોકોમાં 28 એવા લોકો હતા, જેમને કોરોનાના કોઈ જ લક્ષણ જણાતા નહોતા. જોકે તેમને પણ કૂતરાંએ ચોકસાઈથી પારખી લીધા છે. 28માંથી 25ને (એટલે કે 98 ટકાને) સચોટ રીતે પારખી લીધા હતા. બે માણસોને કૂતરાંએ સૂંઘ્યા જ નહોતા અને ફક્ત એક માણસને કોરોના હોવાનો કૂતરાનો રિપોર્ટ ખોટો પડયો હતો.
અસલી એરપોર્ટ પરીક્ષણમાં પણ સફળ
આા પછી ચારેય કૂતરાંને સપ્ટેમ્બર 2020થી એપ્રિલ 2021 દરમિયાન ફિનલેન્ડના હેલસિન્કી વન્ટા ઈન્ટરનેશનલ એરપોર્ટ પર લઈ જઈને બધું મળીને 303 પ્રવાસીને સૂંઘવાનો આદેશ કરાયો હતો. દરેક પ્રવાસીનો PCR સ્વેબ પરીક્ષણ પણ કરાયું હતું અને કૂતરાં પાસે સૂંઘવાનું પરીક્ષણ પણ કરાવાયું હતું. 300 પ્રવાસીમાંથી 296 પ્રવાસીઓને કોરોના ન હોવાનું કૂતરાંનું નિદાન એકદમ સાચું પડયું હતું. એ રીતે કૂતરાં 99 ટકા સફળ થયા હતા. 3 પ્રવાસીઓ PCR ટેસ્ટમાં પોઝિટિવ હતા છતાં કૂતરાંએ તેમને નેગેટિવ જણાવ્યા હતા.