હવે કોવિડ-૧૯ સામે રક્ષણ મેળવવામાં માઉથવોશ પણ ઉપયોગી હોવાનો દાવો!

Sunday 17th May 2020 08:59 EDT
 
 

લંડનઃ કોરોના વાઈરસના ચેપથી બચવા કે વાઈરસને ખતમ કરવાના નીતનવા નુસખા આવતા રહે છે. હવે તેમાં માઉથવોશનો ઉમેરો થયો છે. માઉથવોશમાં રહેલાં કેમિકલ્સથી વાઈરસના રક્ષાત્મક પડને નુકસાન થતું હોવાના દાવા સાથે વિજ્ઞાનીઓએ તેમાં વધુ સંશોધનની હાકલ કરી છે. વાઈરસ અને હેલ્થ નિષ્ણાતો કહે છે કે તેમણે પરીક્ષણો કર્યાં નથી પરંતુ, અન્ય વાઈરસીસ પર તેની અસરોને ધ્યાનમાં લીધી છે. જોકે, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ સ્પષ્ટ કર્યું છે કે માઉથવોશનો ઉપયોગ નોવેલ કોરોના વાઈરસના ચેપ સામે રક્ષણ આપશે તેવા કોઈ પૂરાવા નથી.

કાર્ડિફ યુનિવર્સિટીના સંશોધકોએ ‘Function’માં પ્રસિદ્ધ લેખમાં જણાવ્યું છે કે મોંની સફાઈ કરનારા માઉથવોશ પર યોગ્ય સંશોધન કરાયું નથી. આ ટીમને વાઈરોલોજિસ્ટ્સ, લિપિડ સ્પેશિયાલિસ્ટ્સ અને કાર્ડિફ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ મેડિસીનના હેલ્થકેર નિષ્ણાતોએ સમર્થન આપ્યું છે. નોટિંગહામ, કોલોરાડો, ઓટાવા, બાર્સેલોના તેમજ કેમ્બ્રિજની બબ્રાહમ ઈન્સ્ટિટ્યૂટના નિષ્ણાતો પણ તેમાં જોડાયા છે. મુખ્ય સંશોધક અને કાર્ડિફ યુનિવર્સિટીની સિસ્ટમ્સ ઈમ્યુનિટી રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટના કો-ડાયરેક્ટર પ્રોફેસર ઓ’ ડોનેલ કહે છે કે માઉથવોશના સલામત ઉપયોગો વિશે યુકેની પબ્લિક હેલ્થ સંસ્થાઓએ વિચાર્યું નથી.

નવો રિપોર્ટ કહે છે કે મુથવોશમાં કોરોના વાઈરસ માનવકોષોને સંક્રમિત કરે તે પહેલાં જ તેને મારી નાખી કોવિડ-૧૯ના ચેપ સામે સક્ષણ આપવાની ક્ષમતા ધરાવે છે. કોરોના વાઈરસીસ ‘એન્વેલપ્ડ વાઈરસીસ’ વર્ગમાં આવે છે એટલે કે તેમના પર ફેટી લેયરનું આવરણ હોય છે જે, ચોક્કસ કેમિકલ્સ સામે અસલામત હોય છે. માઉથવોશ વાઈરસની બાહ્ય સપાટી અથવા આવરણનો ખાતમો બોલાવી શકે છે જેથી મોં અને ગળામાં તેની પ્રતિકૃતિઓ બનતી અટકાવે છે. સંશોધકોના જણાવ્યા અનુસાર ડેન્ટલ માઉથવોશીસમાં ક્લોરહેક્ઝાડાઈન, હાઈડ્રોજન પેરોક્સાઈડ, સેટિલપાઈરીડિનિયમ અને પોવાઈડોન-આયોડિન સહિતના તત્વો હોય છે જે, ઈન્ફેક્શનને અટકાવવાની ગર્ભિત ક્ષમતા ધરાવે છે. આથી, માઉથવોશની અસરકારકતા વિશે ક્લિનિકલ મૂલ્યાંકન માટે પરીક્ષણો કરવાની રિપોર્ટમાં ભલામણો કરવામાં આવી છે.

માઉથવોશની જાણીતી બ્રાન્ડ લિસ્ટરીન પણ કહે છે તેમની કોઈ પ્રોડક્ટ્સનું કોરોના વાઈરસના એક પણ સ્ટ્રેઈન સામે પરીક્ષણ કરાયું નથી. તેમનું ઉત્પાદન હેન્ડ સેનેટાઈઝર કે સરફેસ ડિસઈન્ફેક્ટન્ટ તરીકે લાભ કરી શકે તેમ નથી. સામાન્ય માઉથવોશમાં કોરોના વાઈરસને ખતમ કરતા હેન્ડ સેનેટાઈઝરમાં રહેલું તત્વ આલ્કોહોલ હોય છે. યુએસની પબ્લિક હેલ્થ ઓથોરિટી સેન્ટર્સ ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રીવેન્શન વાઈરસ સામે રક્ષણ માટે ઓછામાં ઓછાં ૬૦ ટકા આલ્કોહોલ ધરાવતાં સેનેટાઈઝરની ભલામણ કરે છે પરંતુ, માઉથવોશ પ્રોડક્ટ્સમાં આશરે ૨૦ ટકા આલ્કોહોલ જ હોય છે.

WHO ચેતવણી આપતા કહે છે કે માઉથવોશની કેટલીક બ્રાન્ડ તમારા મોંની લાળમાં ચોક્કસ માઈક્રોબ્સને થોડી મિનિટો માટે દૂર કરી શકે છે તેનો અર્થ એ નથી કે તમને કોવિડ-૧૯ સામે રક્ષણ આપી શકે.  મેથેનોલ કે બ્લીચ સાથે શુદ્ધ આલ્કોહોલ પીવાનું ભારે જોખમી છે. તે સપાટી પરના વાઈરસને ખતમ કરી સફાઈ કરી શકે છે પરંતુ, તેને પી શકાય નહિ. તે શરીરના વાઈરસને ખતમ નહિ કરે પરંતુ, આંતરિક અવયવોને નુકસાન કરશે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter