લંડન: વિશ્વભરમાં વધી રહેલી મેન્ટલ હેલ્થ અને મૂડ ડિસઓર્ડરની સમસ્યાથી છુટકારો મળવાની શક્યતા હવે વધી ગઇ છે. અમેરિકાની ઇન્ડિયાના યુનિવર્સિટીના વિજ્ઞાનીઓને એક અભ્યાસ દ્વારા માલૂમ પડ્યું કે મેન્ટલ હેલ્થ અને ડિપ્રેશનનું કારણ તથા સારવાર જાણવામાં બ્લડ ટેસ્ટ કારગત સાબિત થઇ શકે છે. બ્લડ ટેસ્ટમાં આરએનએ માર્કરની ઓળખ કરાય છે. તેના આધારે નર્વ્સ અને ઇમ્યુન સિસ્ટમ વિશે જાણવામાં આવે છે. આનાથી ડિપ્રેશનની સારવાર વધુ સારી રીતે થઇ શકશે.
અભ્યાસનું નેતૃત્વ કરનારા ડો. એલેક્ઝાન્ડર નિકુલેસ્કુનું કહેવું છે કે બ્લડ ટેસ્ટથી ડિપ્રેશન અને બાયપોલર ડિસઓર્ડર વચ્ચેનો તફાવત સરળતાથી જાણી શકાશે. અગાઉ ડિપ્રેશનની સારવાર માટે ડોક્ટરોએ દવાઓના કોમ્બિનેશન પર નિર્ભર રહેવું પડતું હતું. અભ્યાસથી સામે આવ્યું કે ડિપ્રેશનનું જૈવિક કારણ પણ હોય છે. દરેક વ્યક્તિના બ્લડ જીન બાયોમેકરમાં આરએનએ, ડીએનએ અને પ્રોટીનના અંશ હોય છે, જેમને બ્લડ ટેસ્ટ દ્વારા ડીકોડ કરાય છે. શરીરમાં મગજ, નર્વ્સ સિસ્ટમ અને ઇમ્યુન સિસ્ટમના વિકાસની પેટર્ન એકસરખી હોય છે. હવે બ્લડ ટેસ્ટ દ્વારા તે જાણીને ડિપ્રેશનની સારવાર થઇ શકશે.
બ્લડ અને ઇમ્યુન સિસ્ટમ પર અસર કરે છે ડિપ્રેશન
ડો. નિકુલેસ્કુનું કહેવું છે કે અભ્યાસમાં સામે આવ્યું કે ડિપ્રેશન તથા અન્ય પ્રકારની માનસિક સમસ્યા થાય તો શરીરમાં હોર્મોનનો સ્ત્રાવ થાય છે. આ સ્ત્રાવ બ્લડને અને ઇમ્યુન સિસ્ટમને અસર કરે છે. અભ્યાસ દરમિયાન ડોક્ટર્સ ડિપ્રેશનના દર્દીના બ્લડમાં રહેલા બાયોમેકરની ઓળખ કરવામાં સફળ રહ્યા. તેનાથી તેને બધી જ દવા અપાઇ, જેથી આ પ્રકારના ડિપ્રેશનને સારી રીતે ઓળખી શકાય. અન્ય નિષ્ણાત ડોક્ટર્સનું કહેવું છે કે આ અભ્યાસ આવનારા સમયમાં ઘણો મદદરૂપ સાબિત થશે.