લંડનઃ અપરાધના સ્થળો પર લેવાતી આંગળાની છાપ એટલે કે ફિંગરપ્રિન્ટ્સ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એનાલિટિકલ કેમિસ્ટ પ્રોફેસર સિમોના ફ્રાન્સેસે 15 વર્ષથી આ ક્ષેત્રે પોલીસની મદદ કરે છે પરંતુ, અપરાધીઓને શોધવાની તેમની કામગીરીમાં ધારણા બહારનું પરિણામ જોવાં મળ્યું છે કે આ ફિંગરપ્રિન્ટ્સ ટેક્નિક બ્રેસ્ટ કેન્સરને શોધવામાં પણ મદદરૂપ બને છે.
તાજેતરમાં 15 મહિલાના અભ્યાસમાં જણાયું હતું કે પેશન્ટ્સની આંગળી પરના પરસેવામાં ચોક્કસ પ્રકારના પ્રોટિન્સ હોય છે, જેની મદદથી વિજ્ઞાનીઓ 98 ટકાની ચોકસાઈ સાથે સ્તન કેન્સરનું નિદાન કરી શકે છે. ક્રાંતિકારી ફિંગરપ્રિન્ટ્સ ટેક્નિક કેન્સરના રોગની તીવ્રતા પણ જાણી શકે છે. આના માટે દર્દીએ સેમ્પલ પ્લેટ પર તેમની આંગળી દબાવવાની રહે છે. આ કામ ઘરમાં રહીને પણ થઈ શકે અને પોસ્ટ મારફત હોસ્પિટલમાં કે ક્લિનિક પર મોકલી શકાય છે. આ પદ્ધતિમાં વ્યક્તિએ મેમોગ્રામ માટે હોસ્પિટલ કે ક્લિનિક પર જવાની જરૂર રહેતી નથી. વર્તમાન મેમોગ્રામ સ્કેનિંગ ટેક્નિક ભારે પીડાકારી બની રહે છે કારણ કે સ્તનોને મશીનની અંદર ગોઠવવા પડે છે.
પ્રોફેસર ફ્રાન્સેસ માને છે કે વ્યાપક ટ્રાયલ્સમાં પરીક્ષણો સફળ થશે તો વર્તમાન મેમોગ્રામ્સના સ્થાને નવી પદ્ધતિ કામ કરતી થઈ જશે. અત્યારે એલ્યુમિનિયમ શીટની સેમ્પલ કલેક્શન પ્લેટથી કામ ચલાવાય છે પરંતુ, વૈકલ્પિક સામગ્રીની ચકાસણી પણ થઈ રહી છે. આ પ્લેટ દર થોડાં વર્ષે મહિલાઓને મોકલી શકાશે. મહિલાઓના પરસેવાના નાના સેમ્પલ્સને વ્યક્તિના લિંગ અને તેમણે કોઈ ડ્રગ્સ લીધી છે કે કેમ તેની પરખ કરતા વિશાળ સ્પેક્ટ્રોમેટ્રી મશીન્સમાં મોકલાય છે. અહીં હાઈ પાવર લેસર પરસેવાના સેમ્પલને ગેસમાં ફેરવે છે અને તેના પરિણામે વિવિધ પ્રોટિન્સની હાજરી પકડી શકાય છે.
NHSના આંકડા કહે છે કે ગયા વર્ષે ઈંગ્લેન્ડમાં 1.2 મિલિયન મહિલાઓ બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગ માટે બોલાવાયાં છતાં આવી ન હતી. મેમોગ્રામ્સ સિવાય ઓછી આક્રમક અને વધુ સરળ ટેક્નિક મહિલાઓને આકર્ષી શકે. GPપણ બ્રેસ્ટ કેન્સરના લક્ષણ સાથેની મહિલાઓને ઈન્વેઝિવ બાયોપ્સી પહેલા તેમનાં જોખમનું મૂલ્યાંકન કરવાં મોકલતાં પહેલાં આ ટેક્નિકનો ઉપયોગ કરી શકે છે. આ જ પ્રક્રિયા આવા કેટલાક પ્રોટિન્સની હાજરી ધરાવતાં પ્રોસ્ટેટ કેન્સર સહિત અન્ય કેન્સર્સને શોધવા ઉપયોગમાં લઈ શકાય તે બાબતે ચકાસણી ચાલી રહી છે.