લંડનઃ હવે બ્લડ ટેસ્ટ કરીને કોરોનાનો ચેપ ધરાવતી વ્યક્તિને લોંગ કોવિડ થશે કે કેમ તે જાણી શકાશે તેમ લાન્સેટના ‘ઈ-બાયોમેડિસીન’ જર્નલમાં પ્રકાશિત અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે. કોરોનાના કેટલાક દર્દીઓમાં તેના ચેપની અસર લાંબો સમય સુધી જોવા મળે છે તેને લોંગ કોવિડ તરીકે ઓળખવામાં આવે છે.
યુકેની યુનિવર્સિટી કોલેજ લંડનના સંશોધકોએ કોરોનાનો ચેપ ધરાવતા આરોગ્ય કર્મચારીઓના રક્તમાં રહેલાં પ્રોટીન્સનું વિશ્લેષણ કરી તેની સરખામણીમાં જેમને કોરોનાનો ચેપ ન લાગ્યો હોય તેવા વ્યક્તિના બ્લડ સેમ્પલ સાથે કરી હતી. તેમને ચેપ લાગ્યાના છ સપ્તાહ સુધી અમુક પ્રોટીન્સના પ્રમાણમાં નાટ્યાત્મક વધારો ઘટાડો જોવા મળ્યો હોવાનું જણાયું હતું. જે દર્શાવે છે કે તેના કારણે મહત્ત્વની જૈવિક પ્રક્રિયાઓ ખોરવાઈ જઈ શકે છે.
સંશોધકોની ટીમે આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સમાં અલગોરિધમનો ઉપયોગ કરી વિવિધ પ્રોટીન્સમાં રહેલા ઘટકોને ઓળખી કાઢ્યા હતા. જેના દ્વારા વ્યક્તિને કોરોનાના ચેપ બાદ એક વર્ષ પછી પણ કોરોનાના લક્ષણો કનડશે કે કેમ તેની સફળ આગાહી તેમણે કરી હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે જો આ તારણો વધારે મોટા દર્દીઓના જૂથમાં પણ પુનરાવર્તિત થાય તો આ ટેસ્ટ દ્વારા લોંગ કોવિડની આગાહી કરવાનું શક્ય બનશે.
સંશોધક ગેબી કેપ્ટરે જણાવ્યું હતું કે અમારો અભ્યાસ દર્શાવે છે કે કોરોનાનો હળવો ચેપ લાગ્યો હોય તો આપણા રક્ત પ્લાઝમાના પ્રોટીન્સના પ્રોફાઈલને ખોરવી નાંખે છે. આનો અર્થ એ કે ચેપ લાગ્યા બાદ છ સપ્તાહ સુધી તો કોરોનાનો હળવો ચેપ પણ સામાન્ય જૈવિક પ્રક્રિયાઓ ખોરવી શકે છે. આ અભ્યાસ માટે કરાયેલા વિશ્લેષણની રીત હોસ્પિટલોમાં ઉપલબ્ધ હોવાથી ટૂંક સમયમાં જ આવા હજારો નમૂનાઓનું વિશ્લેષણ કરવું શક્ય છે.