લંડનઃ તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલા નિષ્ણાતોએ અન્નનળીની સર્જરી માટે ક્રાંતિકારી પદ્ધતિ વિકસાવી છે. શરીર પર કોઇ પણ જાતની વાઢકાપ વગર થતી આ સર્જરી અન્નનળીના નબળા મસલ્સને મજબૂત બનાવવાની સાથોસાથ એસિડિટી સહિતના વિવિધ કારણસર હોજરીની બળતરાથી પીડાતા સેંકડો દર્દીઓને રાહત અપાવી શકે છે. ૬૦ મિનિટની આ સર્જરી નજીકના ભવિષ્યમાં NHS દર્દીઓ માટે ઉપલબ્ધ થશે. આ પદ્ધતિમાં સર્જરી મારફત અન્નનળી અને પેટ વચ્ચેના ગેપ કે જેની મારફત પેટમાં એસિડ ફ્લો થાય છે અને દાહ થાય છે તેને પૂરી દેવાય છે અને આમ છાતીનો તીવ્ર દાહ બંધ થાય છે.
આ ઓપરેશનમાં એટેચ કરેલા ટૂલ્સ સાથે એક ટયૂબને ગળા મારફત અંદર ઉતારવામાં આવે છે જેને પરિણામે શરીર પર કોઈ કાપો મૂકવાની જરૂર રહેતી નથી અને તેને કારણે ત્વચા પર કોઈ ડાઘ પણ રહેતાં નથી.
નિષ્ણાતો કહે છે કે ટૂંક સમયમાં આ ઓપરેશન તમામ NHS માટે ઉપલબ્ધ થશે, કેમ કે ટ્રાયલ્સમાં જોવાયું છે કે આ પદ્ધતિમાંથી પસાર થયેલાં ૧૦ દર્દીઓમાંથી ઓછામાં ઓછા ૯ દર્દીઓ ત્રણ વર્ષના ગાળામાં છાતીમાં બળતરાની પીડાથી મુક્ત થઈ ગયા હતાં. નોંધનીય છે કે ગેસ્ટ્રો ઇસાફગસ ડિસીઝ તરીકે ઓળખાતો તીવ્ર દાહ દરેક પાંચ બ્રિટિશ નાગરિકોમાંથી એકને અસર કરે છે. જ્યારે પણ હેવી ભોજન લેવામાં આવે અથવા અતિશય માત્રામાં શરાબનું સેવન કરવામાં આવે ત્યારે દાહના લક્ષણો દેખાય છે, કેમ કે અન્નનળીની મસ્ક્યુલર રિંગમાં અથવા વાલ્વમાં નબળાઈના કારણે પેટનો એસિડ ગળાની પાછળના ભાગમાં આવેલ અન્નનળી સુધી આવી જાય છે, આ વાલ્વ પેટ અને અન્નનળીને અલગ પાડે છે.
જો સમસ્યાની સારવાર કરવામાં ના આવે તો તેમાંના ૧૫ ટકા લોકોમાં બેરેટ્સ ઇસાફગસ તરીકે ઓળખાતી પરિસ્થિતિ ઊભી થાય છે, જેમાં પેટના એસિડના પરિણામે લાઇનિંગને નુકસાન થાય છે જે ભવિષ્યમાં કેન્સરમાં પરિણમી શકે છે. લાઇફ સ્ટાઇલ ચેન્જ જેવા કે વજન ઘટાડવું, સ્મોકિંગ બંધ કરવું તથા આલ્કોહોલ અને અન્ય હાર્ડ ડ્રીન્કનો વપરાશ ઘટાડીને એસિડની તીવ્રતામાં ઘટાડો કરી શકાય છે અને મસલ્સ પરના દબાણને પણ હળવું કરી શકાય છે.
પ્રાયોગિક ઉપયોગ માટે મંજૂરી
હાલમાં આ પ્રોસિજરને NHS પર ટ્રાયલ આધારિત ઉપયોગ કરવાની જ મંજૂરી મળી છે. યુનિવર્સિટી કોલેજ લંડન હોસ્પિટલ ખાતેના કન્સલ્ટન્ટ ગેસ્ટ્રોન્યુરોલોજિસ્ટ રેહાન હૈદરી કહે છે કે અહીં તમે બે કામ કરવાનો પ્રયાસ કરો છો. કમજોરી લાવનારા લક્ષણોથી છુટકારો મેળવીને જીવનની ગુણવત્તા વધારો છો અને ભવિષ્ય માટે અન્નનળીને સલામત રાખો છો. ડો. હૈદરી લંડન ક્લિનિક ખાતે આવા ખાનગી ઓપરેશન કરે છે, તેમાં સર્જિકલ કાપાની જરૂર હોતી નથી. તે એક દિવસમાં પૂરું થઇ જતું ઓપરેશન છે. આંકડાઓ દર્શાવે છે કે આ સર્જરી ઓછામાં ઓછી પાંચ વર્ષ માટે કારગત છે. કેટલાક નાના પાયાના અભ્યાસોનું વિશ્વેષણ કરવામાં આવ્યું હતું તેમાં જાણવા મળ્યું હતું કે કુલ દર્દીઓમાંથી આશરે ૮૦ ટકા પૂરેપૂરા સાજા થઈ ગયા હતાં કે તેમની તકલીફમાં રાહત થઇ હતી.