અમેરિકાને ડરાવી રહેલો સુપર બગ હવે વિશ્વમાં સૌથી ઘાતક બીમારી તરીકે માથું ઊંચકી રહ્યો છે. સુપર બગે જે પ્રકારે પંજો ફેલાવવાનું શરૂ કર્યું છે તે જોતાં કહી શકાય કે કોરોના રોગચાળા બાદ હવે સુપર બગે વિશ્વમાં આતંક મચાવે તો નવાઇ નહીં. યુએસના સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ્ડ પ્રિવેન્શન ડિપાર્ટમેન્ટ (સીડીસી)ના રિપોર્ટ અનુસાર આ બીમારી પર કોઇ દવાની અસર થતી નથી. એશિયામાં આ બીમારી સૌથી વધારે ભારતમાં પ્રસરી રહી છે અને ભારતમાં જ સૌથી વધારે જીવ લઇ રહી છે. મેડિકલ જર્નલ લાન્સેટમાં પ્રકાશિત એક રિપોર્ટ અનુસાર બ્રિટનના એક શોધકર્તા કહે છે કે આગામી સમયમાં દર વર્ષે એક કરોડ લોકો આ બીમારીના કારણે જ પોતાનો જીવ ગુમાવશે.
સુપર બગ બેક્ટેરિયા વાઇરસ અને પેરાસાઇટનો એક સ્ટ્રેઇન છે કે જે એન્ટિબાયોટિક્સના દુરુપયોગના કારણે પેદા થાય છે. સુપર બગ પેદા થયા બાદ તે કોઇ પણ દવાથી મરતો નથી અને તક મળતાં જ તે લોકોનો જીવ લઇ લે છે. એક તુલના અનુસાર અમેરિકામાં સુપર બગ દર દસ મિનિટે એક વ્યક્તિનો જીવ લે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં આ આંકડો ડરામણો છે. અમેરિકન હેલ્થ ડિપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર સુપર બગ કોઇ પણ અન્ય બીમારીના મુકાબલે અમેરિકન્સ માટે મોતનું મોટું કારણ બન્યો છે. સુપર બગને મેડિકલ ક્ષેત્રમાં એન્ટિ-માઇક્રોબિયલ રેઝિસ્ટન્ટના નામથી પણ ઓળખવામાં આવે છે.
સુપર બગ કેવી રીતે બને છે?
સુપર બગ એક વિશેષ રૂપથી ઊભી થતી બીમારી છે જેને ધીમી પાડી શકાય છે, પરંતુ રોકી શકાતી નથી. સમયના વહેવા સાથે આ બેક્ટેરિયા, વાઇરસ અને પરજીવી જેવા રોગાણુ આ દવાઓને અનુકૂળ થઇ જાય છે કે જે તેને મારવા માટે વિકસાવવામાં આવેલી હોય છે. તે કેટલાક સંક્રમણ માટે પહેલાના માપદંડરૂપ ઉપચારોને ઓછા પ્રભાવશાળી અને ક્યારેક ક્યારેક એકદમ બેઅસર બનાવી દે છે. કોઇ પણ એન્ટિબાયોટિક દવાના વધારે પડતા ઉપયોગથી અથવા તો બિનજરૂરી ઉપયોગના કારણે સુપર બગ પેદા થાય છે. ડોક્ટરોના જણાવ્યા અનુસાર ફ્લૂ જેવા વાઇરલ સંક્રમણ થતાં એન્ટિબાયોટિક્સ લેવાના કારણે સુપર બગ બનવાની સંભાવના વધી જાય છે, જે ધીરે ધીરે અન્ય મનુષ્યોને પણ સંક્રમિત કરે છે.
સુપર બગ કેવી રીતે પ્રસરે છે?
સુપર બગ બન્યા બાદ સ્કીન ટુ સ્કીન સ્પર્શ, ઘા લાગવો, સલાઇવા અને યૌન સંબંધ બનાવવાના કારણે લોકોમાં પ્રસરે છે. સુપર બગ બીમારી થયા બાદ દર્દી પર કોઇ દવા અસર કરતી નથી તેના કારણે દર્દીને બેહદ પીડામાંથી પસાર થવું પડે છે. હાલમાં તેની કોઇ દવા બની નથી પણ યોગ્ય સાવચેતી રાખીને આપણે તેને રોકી શકીએ છીએ.
વર્ષે ૫૦ લાખનો લે છે જીવ
લાન્સેટમાં છપાયેલા રિપોર્ટ અનુસાર બ્રિટનમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાયું હતું કે હાલમાં તે દર વર્ષે 50 લાખ લોકોનો જીવ લે છે પણ 2050 સુધીમાં સુપર બગ દર વર્ષે લગભગ એક કરોડ લોકોના મોતનું કારણ બનશે, જેની સામે કોરોનાના કારણે ત્રણ વર્ષમાં લગભગ 65 લાખ લોકોના જીવ ગયા છે. ભારતમાં સુપર બગના કારણે થતાં મોતનો દર 13 ટકા છે જે કોરોનાની સરખામણીએ 13 ગણો છે.