હવે સોશિયલ મીડિયા માટે ફેમિલી પ્લાન બનાવવો જરૂરી છે

Wednesday 07th June 2023 07:16 EDT
 
 

વોશિંગ્ટનઃ બાળકો અને ટીનેજર્સની માનસિક આરોગ્ય સ્થિતિ પર સોશિયલ મીડિયાની અસરને આપણે હજુ સંપૂર્ણપણે સમજી શક્યા નથી. ખતરો અપેક્ષા કરતા પણ ઘણો વધારે છે. સોશિયલ મીડિયાનાં અયોગ્ય કન્ટેન્ટ અને નશાની પડી રહેલી કુટેવનાં કારણે માતા-પિતા અને ટીનેજર્સ ભારે પરેશાન છે. અમેરિકાનાં ભારતવંશી સર્જન જનરલ વિવેક મુર્તિએ પોતાની એડવાઇઝરીમાં આ પ્રકારની તમામ ચિંતા વ્યક્ત કરી છે.
વિવેક મૂ્ર્તિનું કહેવું છે કે, બાળકો અને ટીનેજર્સ તેની આડઅસરને હજુ સમજી શક્યા નથી. તેમનું બાળપણ અને મગજ હાલ વિકાસનાં તબક્કામાં છે. જેથી તરત જ સોશિયલ મીડિયાની અસરનાં ઉકેલને શોધવાની જરૂર છે. સરકાર અને ટેક કંપનીઓ બાળકોની માનસિક સુખાકારી માટે કડક વલણ અપનાવે તે જરૂરી છે. ખુદ માતાપિતા પણ કોઇ મર્યાદા નક્કી કરે તે જરૂરી છે.
વિવેક મુર્તિએ અનેક ઉપયોગી સુચન પણ કર્યા છે. તેમનું કહેવું છે કે સોશિયલ મીડિયાનાં ઉપયોગને લઇને ફેમિલી મીડિયા પ્લાન બનાવે તે જરૂરી છે. આ પ્લાનને લઇને તમામ સભ્યો સહમત હોવા જોઇએ. આનાથી ઘરમાં ટેક અને સોશિયલ મીડિયાનાં ઉપયોગને લઇને મર્યાદા નક્કી કરી શકો છો. આના લીધે આ મુદ્દા પર ખુલ્લી ચર્ચાની સાથે સ્ક્રીન - ઓનલાઇન ટાઇમ સંતુલિત કરવા, કન્ટેન્ટની મર્યાદા નક્કી કરવા અને વ્યક્તિગત વાતોને જાહેર ન કરવા જેવા નિયમો ઘડી કાઢવામાં મદદ મળી શકે છે. મૂર્તિ એમ પણ કહે છે કે રાત્રે ગેજેટ્સનો ઉપયોગ ટાળવાની સલાહ છે. ભોજન કરતી વેળા અને સામાજિક કાર્યક્રમ દરમિયાન પણ ગેજેટ્સથી અંતર રાખવાની જરૂર છે. બાળકો અન્ય લોકોનાં સંપર્કમાં આવે તે રીતે તેમને પ્રોત્સાહન આપવાની જરૂર છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter