લંડનઃ યુકેમાં કોરોના વાઈરસના સંક્રમણમાં પોઝિટિવ આવનારા કે કોવિડ-૧૯ના લક્ષણો ધરાવતા લોકો માટે એકાંતવાસ (સેલ્ફ-આઈસોલેશન)નો સમયગાળો સાત દિવસથી વધારીને ૧૦ દિવસનો કરવામાં આવ્યો છે. યુરોપ અને યુકેમાં સંક્રમિતોની સંખ્યા વધી રહી છે ત્યારે નવી ગાઈડલાઈન જાહેર કરી છે. યુકેના ચીફ મેડિકલ ઓફિસર્સે સ્વીકાર્યુ હતું કે તેમની ધારણા કરતા પણ પેશન્ટ સાત દિવસથી પણ વધુ સમય ચેપગ્રસ્ત રહી સંક્રમણ ફેલાવી શકે છે.
નવા પુરાવાઓ જણાવી રહ્યા છે કે લોકોને કફ-ખાંસી, તાવ અથવા ગંધ અથવા સ્વાદ ન પારખી શકાય તે સહિત કોવિડ-૧૯ના ચેપના લક્ષણ જણાય તેના નવ દિવસ સુધી તેઓ અન્ય લોકોને ચેપગ્રસ્ત કરી શકે છે. આ જોખમ ઓછું છે પરંતુ, તેને નકારી શકાય તેમ નથી. આના કારણે યુકેમાં પણ કોવિડ-૧૯થી સંક્રમિત લોકોને ૧૦ દિવસ સુધી એકાંતવાસમાં રહેવા સૂચના અપાઈ છે. આ ધોરણો વિદેશથી આવનારા લોકો માટે ૧૪ દિવસના ક્વોરેન્ટાઈન સમયગાળાની નજીક છે. વિજ્ઞાનીઓએ નવી સૂચનાને આવકારતા કહ્યું છે કે આખરે બ્રિટન સાયન્સને અનુસરી રહ્યું છે. આ સાથે બ્રિટન અન્ય યુરોપિયન દેશો અને વૈશ્વિક હેલ્થ નિષ્ણાતોના ગાઈડન્સની હરોળમાં આવ્યું છે. જોકે, ચાર મહિના અગાઉ, વડા પ્રધાન બોરિસ જ્હોન્સને બ્રિટિશરોને કોવિડ-૧૯ના લક્ષણો જણાયા પછી સાત દિવસ એકાંતવાસમાં રહેવાની સલાહ આપી હતી.
બ્રિટનમાં કોવિડ-૧૯ના રોજિંદા કેસીસમાં વધારો થઈ રહ્યો છે. ઓલ્ધામ, સ્ટોન પબ અને રેક્સહામ ફેક્ટરીમાંથી રોગચાળાએ ફરી દેખા દીધા પછી સ્થાનિક લોકડાઉન લાદી દેવાયું છે. સરકારના ચીફ સાયન્ટિફિક એડવાઈઝર સર પેટ્રિક વોલન્સે ચેતવણી આપી છે કે સ્પેનમાં રોગચાળાનું બીજુ મોજું આવ્યું છે તેના લક્ષણોથી બ્રિટન માત્ર બે-ત્રણ સપ્તાહ જ પાછળ છે. વડા પ્રધાન જ્હોન્સન પણ આમ જ માની રહ્યા છે. જોકે, તેમણે લોકોને ગભરાઈ ન જવા અનુરોધ કર્યો છે.