વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા સમગ્ર દુનિયામાં હેપેટાઇટિસ ડે ઊજવવામાં આવે છે. આ વર્ષે એના પ્રિવેન્શન માટે જાગૃતિ ફેલાવવામાં આવી રહી છે. આ જીવલેણ રોગથી બચાવ શક્ય છે. જરૂર છે સામાન્ય હાઇજીન જાળવવાની, બ્લડ-ટ્રાન્સફ્યુઝનના કડક નિયમોની અને લોકોમાં આ રોગ પ્રત્યે જાગૃતિ લાવવાની.
તાજેતરમાં વિશ્વ આરોગ્ય સંસ્થાન દ્વારા સમગ્ર દુનિયામાં હેપેટાઇટિસ ડે ઉજવવામાં આવ્યો. આ રોગને ભલે જીવલેણ માનવામાં આવતો હોય, પરંતુ કેટલીક સામાન્ય કાળજી રાખીને આ રોગથી બચાવ શક્ય છે. આ જ મુખ્ય થીમ હતો આ વર્ષે હેપેટાઇટિસ ડેની ઉજવણીનો. સમગ્ર દુનિયામાં આ રોગ વિશે જાગૃતિ ફેલાવવા માટે જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’) દ્વારા ૨૮ જુલાઇએ વર્લ્ડ હેપેટાઇટિસ ડે મનાવાય છે.
હેપેટાઇટિસ લિવરનો રોગ છે. એનો અર્થ જ લિવર પર સોજો એમ થાય છે અને આ હેપેટાઇટિસ માટે જવાબદાર પાંચ અલગ-અલગ વાઇરસથી પાંચ અલગ-અલગ પ્રકારના રોગ થાય છે જે હેપેટાઇટિસ A, હેપેટાઇટિસ B, હેપેટાઇટિસ C, હેપેટાઇટિસ D, હેપેટાઇટિસ E તરીકે ઓળખાય છે. સમગ્ર દુનિયામાં ૧૫ લાખ લોકો દર વર્ષે હેપેટાઇટિસને કારણે મૃત્યુ પામે છે. સૌથી મહત્વની વાત એ છે કે હેપેટાઇટિસથી બચવું શક્ય છે. ચોક્કસ પ્રકારની કાળજી આપણને આ રોગથી બચાવી શકે છે અને જાગૃતિ હોય તો આ રોગનું નિદાન વહેલું પણ થઈ શકે છે જેને કારણે એનો ઇલાજ સરળ બની શકે છે. જરૂરી છે કે લોકોમાં હેપેટાઇટિસથી બચવા માટે શું કરવું જોઈએ એ કાળજી બાબતે જાગૃતિ આવે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનનો સંદેશ છે કે હેપેટાઇટિસથી બચવા માટે આજે જ પ્રયત્ન શરૂ કરી દો. હેપેટાઇટિસ A અને Eના વાઇરસ પાણી દ્વારા ફેલાય છે. એ જ રીતે હેપેટાઇટિસ B, C અને Dના વાઇરસ લોહી દ્વારા ફેલાય છે. હેપેટાઇટિસ D ખૂબ જ ઓછો જોવા મળતો હેપેટાઇટિસનો પ્રકાર છે. બાકીના ચાર પ્રકારથી કઈ રીતે બચી શકાય એ વિશે અહીં જાણીએ.
હેપેટાઇટિસ A
આ રોગ મલિન પાણીથી ફેલાતો રોગ છે. દૂષિત પાણીમાં આ વાઇરસ વધુ સમય સુધી જીવી શકે છે. હેપેટાઇટિસ Aને ઘણા લોકો કમળા તરીકે ઓળખે છે, પરંતુ હેપેટાઇટિસ A રોગ થવાના કારણે, એના ચિહ્નરૂપે વ્યક્તિને કમળો થાય છે. કમળો એ જ હેપેટાઇટિસ Aનો રોગ નથી. હેપેટાઇટિસ Aની રસી આપણે ત્યાં મળે છે. એના બે ડોઝ ફરજિયાત લેવા જરૂરી હોય છે.
તબીબી નિષ્ણાતો કહે છે કે મોટા ભાગે આ રસી નાનાં બાળકોને આપવી ખૂબ જરૂરી છે, કારણ કે પુખ્ત વયના લોકો આ વાઇરસનો સામનો પોતાનાં સમગ્ર ૨૦-૨૫ વર્ષના જીવનમાં ઓછામાં ઓછા એકાદ વાર તો કરી જ ચૂક્યા હોય છે. જરૂરી નથી કે આ વાઇરસનો જ્યારે સામનો થાય ત્યારે વ્યક્તિની હાલત ક્રિટિકલ થઈ જ જાય. સામાન્ય વાઇરલ ઇન્ફેક્શનની જેમ એમ પણ બને કે થોડા દિવસમાં વ્યક્તિ ઠીક થઈ જાય અને તેની ઇમ્યુન સિસ્ટમ આ વાઇરસથી લડતાં શીખી લે. આમ તે નેચરલી આ વાઇરસથી પ્રોટેક્ટ થઈ જાય છે અને તેને રસીની જરૂર પડતી નથી. છતાં પોતાના બચાવ માટે દરેક વ્યક્તિ આ રસી લઈ લે એ જ ઇચ્છનીય છે. હેપેટાઇટિસ Aની રસી ગફલતમાં રહ્યા વગર પ્રેગ્નન્સી ધારણ કર્યા પહેલાં જ દરેક સ્ત્રીએ લેવી ખૂબ જરૂરી છે, કારણ કે આ ઇન્ફેક્શનમાં સ્ત્રી અને બાળક બન્નેનો જીવ જોખમમાં મુકાઈ શકે છે.
હેપેટાઇટિસ E
સમગ્ર દુનિયામાં ૬૦ ટકા હેપેટાઇટિસ Eના કેસ અને આ રોગને કારણે ૬૫ ટકા મૃત્યુ સાઉથ એશિયાના દેશોમાં થાય છે. ભારતમાં જે વ્યક્તિઓનું લિવર ફેલ થાય છે એની પાછળનાં કારણોમાં હેપેટાઇટિસ E ખૂબ મહત્વનું કારણ છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના આંકડાઓ મુજબ પ્રેગ્નન્સીમાં હેપેટાઇટિસ Eનો ભોગ બનનારી મહિલાઓમાંથી ૨૦ ટકા મહિલાઓ અને તેનું બાળક આ રોગને કારણે મૃત્યુ પામે છે. હેપેટાઇટિસ Aની જેમ આ રોગ પણ દૂષિત પાણીથી વધુ ફેલાય છે.
આ વિશે નિષ્ણાતો કહે છે કે હેપેટાઇટિસ Eમાં શરૂઆતમાં નોર્મલ વાઇરલ ઇન્ફેક્શન જેવાં જ લક્ષણો હોય છે અને ત્યારે ડોક્ટર તે દરદીના લિવર પ્રોફાઇલને ટેસ્ટ કરાવડાવે છે જેના પરથી ખબર પડે છે કે વ્યક્તિને હેપેટાઇટિસ E છે. મહત્વની વાત એ છે આ રોગની રસી હજી શોધાઈ નથી. આ રોગ રોગચાળાની જેમ ફેલાય છે અને એકસાથે હજારો લોકોને અસર કરી શકે છે. આ રોગને અટકાવવા માટે પીવાનું શુદ્ધ પાણી અતિ મહત્વની આવશ્યકતા છે.
હેપેટાઇટિસ B
આ રોગ એક સાઇલન્ટ કિલર છે. એક વ્યક્તિના શરીરમાં આ વાઇરસ કોઈ પણ લક્ષણો જણાવ્યા વગર ૧૫થી ૨૦ વર્ષ સુધી કે એનાથી પણ વધુ વર્ષો રહી શકે છે. આ રોગ થયો છે એવું જાણવા માટે રૂટીન ચેક-અપમાં લિવરનો ટેસ્ટ કરાવવો જરૂરી છે. આ રોગ કઈ રીતે ફેલાય છે એ બાબતની ખબર હોય તો બચાવ સરળ રહે છે એમ સમજાવતાં નિષ્ણાતો કહે છે કે એક પરિવારમાં જે વ્યક્તિને ઇન્ફેક્શન છે તે વ્યક્તિનું ટૂથબ્રશ કે ટંગ-ક્લીનરનો ઉપયોગ કરવાથી, દાઢી બનાવવા માટે એક જ રેઝરનો ઉપયોગ કરવાથી પણ આ રોગ ફેલાઈ શકે છે.
આ ઉપરાંત ટેટૂ કે નીડલ વડે પિયર્સિંગ કરાવતી વખતે પણ ધ્યાન ન રાખવામાં આવે તો એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં આ રોગ ફેલાઈ શકવાની પૂરી શક્યતા છે. આ બેઝિક હાઇજીનની બાબતો છે જે બચાવ માટે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ખૂબ ઓછા ગાયનેકોલોજિસ્ટ છે જે પ્રેગ્નન્ટ સ્ત્રીનો હેપેટાઇટિસ Bનો ટેસ્ટ કરાવે છે. દરેક સ્ત્રીએ પોતાની રીતે પણ પ્રેગ્નન્ટ બનતાં પહેલાં જ આ ટેસ્ટ કરાવવો જરૂરી છે. જો સ્ત્રી હેપેટાઇટિસ Bના વાઇરસ ધરાવતી હોય તો તેના બાળકને તરત જ રસી આપી બચાવી લઈ શકાય.
હેપેટાઇટિસ C
હેપેટાઇટિસ Bની જેમ જે વ્યક્તિના શરીરમાં હેપેટાઇટિસ Cના વાઇરસ છે તેનું લોહી બીજી વ્યક્તિને ચડાવવામાં આવે તો તેના શરીરમાં પણ આ વાઇરસ ઘૂસી જાય અને આ રીતે આ રોગ ફેલાઈ જાય. હેપેટાઇટિસ Cના વાઇરસ પ્રવેશે ત્યારે તે વ્યક્તિમાં એવાં કોઈ લક્ષણો દેખાતાં નથી જેના કારણે ખબર પડે કે આ વ્યક્તિના શરીરમાં કોઈ પ્રકારના વાઇરસનું ઇન્ફેક્શન થયું છે. એ એકદમ સાઇલન્ટ રહીને લિવરને ડેમેજ કરવાનું ચાલુ રાખે છે.
આ રોગથી બચાવની વાત કરતાં તબીબો કહે છે કે હેપેટાઇટિસ Cનું ઇન્ફેક્શન જો માતાને લાગ્યું હોય તો તે જેને જન્મ આપે તે બાળકમાં પણ આ ઇન્ફેક્શન થવાની પૂરી શક્યતા રહે છે. આ બાબતથી બચવા સ્ત્રીએ પ્રેગ્નન્સી પ્લાન કરતાં પહેલાં જ ટેસ્ટ કરાવવી જરૂરી હોય છે અને હેપેટાઇટિસ C હોય તો કોઈ નિષ્ણાતની સલાહ મુજબ જ પ્રેગ્નન્સી પ્લાન કરવી વધુ યોગ્ય છે.
હેપેટાઇટિસ B અને C બન્ને રોગોનું નિદાન કોઈ જ પ્રાથમિક લક્ષણો ન હોવાને કારણે ફક્ત ટેસ્ટ દ્વારા જ શક્ય છે. આથી આ ટેસ્ટ જરૂરથી કરાવવા હિતાવહ છે.