હાઇપર ટેન્શન એ આજની ભાગદોડભરી જિંદગીની આડપેદાશ છે. દુનિયાના દરેક દેશમાં દરેક વ્યક્તિને આ સમસ્યા પજવે છે. આમાં પણ ખાસ તો મહિલાઓમાં આ સમસ્યા વધુ જોવા મળે છે. એનું પહેલું કારણ એ છે કે મહિલાઓ વધારે સંવેદનશીલ હોય છે. બીજું, એને ટેન્શન ખુબ હોય છે. એટલા માટે મહિલાઓને હાઇપર ટેન્શનની સમસ્યા વધારે પજવે છે. માટે ચાલો, આજે આપણે એનાથી બચવાના ઉપાય જાણીએ…
• શવાસન
શવાસન એટલે કે બંને હાથ બંને પડખાંને અડીને રહે એ રીતે શબની જેમ સીધા સૂઈ રહેવું. આ સ્થિતિમાં શક્ય તેટલા ઊંડા શ્વાસ ભરતા રહેવું. આ આસન રોજ 20 મિનિટ કરવાથી મગજ શાંત થાય છે અને તમામ ચિંતાઓ દૂર થઈ જાય છે. જેથી તમારું બ્લડપ્રેશર સામાન્ય થઈ જાય છે. આ આસન શરીર, મન અને આત્માને સ્ફૂર્તિ અને તાજગી આપે છે.
• પ્રાણાયામ
પ્રાણ એટલે જીવન અને આયામ એટલે કે તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ. આ પ્રયાસ બે પ્રકારનો હોય છે. એક રીતમાં ઊંડો શ્વાસ ભરવાનો છે. પછી તેને જોશભેર અનેક ભાગમાં છોડવાનો છે. તેને કપાલભાતિ કહેવામાં આવે છે. બીજા પ્રકારમાં અનુલોમ-વિલોમ એટલે કે એક નસકોરું બંધ કરી બીજાથી શ્વાસ ભરવો અને પછી બીજું નસકોરું બંધ કરી પહેલામાંથી શ્વાસ છોડવાની કવાયત હોય છે. પ્રાણાયામ લોહીનું ભ્રમણ સામાન્ય બનાવે છે. પ્રાણાયામ તમારી ચિંતા અને ધબકારા ઘટાડે છે.
• અધો-મુખ શ્વાનાસન
તમારા ખભા અને પીઠથી લઈને કમર સુધીના તમામ પાછળના ભાગોમાં થતી તાણ અને થાક ઓછો કરવામાં માટે ખૂબ જ સારું આસન છે. એમાં શેતરંજી પાથરી એની ઉપર ઊંધા મોંએ સૂઈ જાઓ. બંને હાથ બંને પડખાંને અડીને રહે પછી બંને હાથ વાળીને પંજા ખભા પાસે ટેકવો. બંને પગના પંજા પર વજન લઈ કમરેથી ઊંચા થાઓ. કમર વધુમાં વધુ ઊંચી કરો અને માથું વધુમાં વધુ નીચું કરો. હવે ઊંડો શ્વાસ લો. પછી કમર પાછી નીચે કરતા જાઓ, માથું ઉપર કરતા જાઓ અને શ્વાસ છોડીને ફરી ઊંધા માથે ઊંઘી ગયેલી સ્થિતિમાં આવી જાઓ.આનાથી તાણમુક્ત અને થાક મુક્ત રહો છો.
• સેતુ-બંધાસન
સેતુ-બંધાસન અથવા બ્રિજ પોઝ માટે તમે શેતરંજી પાથરી એની ઉપર ચત્તા સૂઈ જાવ. પછી પગ ગોઠણેથી વાળીને તમારા નિતંબ પાસે લાવો. પછી જમણા હાથ વડે જમણા પગની ઘૂંટી અને ડાબા હાથ વડે ડાબા હાથની ઘૂંટી પકડો. શ્વાસ અંદર ભરો અને શરીર કમરના ભાગેથી ઉપર ઊંચું કરો. વધુમાં વધુ ઊંચું કરી મનમાં નવ સેકન્ડ ગણો. પછી શરીર નીચે લાવો અને શ્વાસ છોડી ચત્તા સૂઈ જાવ. એ સ્થિતિમાં બે સેકન્ડ રહો. બેથી પાંચ વખત આ આસન કરી શકાશે. આનાથી તમે વધુ એક્ટિવ અને તાજગી અનુભવો છો.
• સુખાસન
આ આસન માટે સૌપ્રથમ શેતરંજી પાથરી એની ઉપર પલાંઠી વાળીને બેસો. પલાંઠી એ રીતે વાળવાની કે બંને પગના પંજા પગ નીચે દબાયેલા રહે. હવે બંને હાથ લાંબા કરી ગોઠણો ઉપર ટેકવો. હાથના પંજા ચત્તા રાખો. પહેલી આંગળીઓ પર અંગૂઠો જરાક દબાવી રાખો. આ સ્થિતિમાં પેટ બહાર આવે અને પછી છાતીનો ભાગ ઊંચો થાય એ રીતે ઊંડો શ્વાસ ભરો. પાંચ સેકન્ડ રાખો અને પછી ધીમેધીમે છોડો.