હાઇપરટેન્શનઃ શરીરમાં પ્રવેશેલા દુશ્મનને ઓળખો

Wednesday 25th May 2022 08:50 EDT
 
 

લંડનની ઈમ્પિરિયલ કોલેજ અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના 2019ના આંકડા પર આધારિત એક રિપોર્ટ અનુસાર છેલ્લા 30 વર્ષોમાં હાઇપરટેન્શન (એટલે કે હાઈ બ્લડપ્રેશર)ના કેસમાં 97 ટકાનો વધારો થયો છે. મતલબ કે હાઇપરટેન્શનના કેસ લગભગ બમણા થઇ ગયા છે. દુનિયાભરમાં હાઈબ્લડ પ્રેશરની સમસ્યાથી પીડિત 30થી 79 વર્ષના લોકોની સંખ્યા 65 કરોડથી વધીને 128 કરોડ થઈ ગઈ છે. ઇંડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઇસીએમઆર)ના રિપોર્ટ મુજબ દેશમાં દરેક ચોથો યુવા હાઈપરટેન્શનનો શિકાર છે. આશ્ચર્યની વાત એ છે કે તેમાંથી 50 ટકા લોકોને તો ખબર જ નથી હોતી કે તે હાઇ બીપીના શિકાર છે. આ બીમારીની શરૂઆતમાં કોઈ લક્ષણ દેખાતા નથી. બીમારી ગંભીર સ્થિતિમાં પહોંચતા ચક્કર આવવા, યુરીનમાં બ્લડ આવવું, માથામાં સતત દુખાવો થવો, નાકથી લોહી વહેવું, શ્વાસ લેવામાં તકલીફ થવા જેવા લક્ષણો દેખાય છે. હાર્ટ એટેક દુનિયાભરમાં મૃત્યુના સૌથી મોટા કારણોમાંથી એક છે, અને તેનું સૌથી મોટું કારણ હાઈપરટેન્શન છે. શું તમે જાણો છો કે શ્વાસ લેવામાં તકલીફ પણ હાઈપરટેન્શનનું જ લક્ષણ હોય છે? તબીબી માપદંડ અનુસાર, બ્લડ પ્રેશર જો ૧૨૦/૮૦ હોય તો તે સામાન્ય ગણાય છે. જ્યારે હાઇપરટેન્શનના દર્દીમાં આ આંકડો ૧૪૦/૯૦ જોવા મળે છે. દુનિયાભરમાં ફેલાઇ રહેલી સાઇલન્ટ કિલર સમાન બીમારી સામે જાગૃતિ લાવવાના ઉદ્દેશ સાથે તાજેતરમાં - 17 મેના રોજ વર્લ્ડ હાઇપરટેન્શન ડે ઉજવાયો હતો. આવો, આપણે પણ જાણકારી મેળવીએ આ બીમારી વિશે.

• બ્લડ પ્રેશર શું છે? ધમનીઓનું નેટવર્ક હૃદયથી ઓક્સિજનયુક્ત લોહી શરીરમાં પહોંચાડે છે. હૃદય શરીરમાં લોહી પહોંચાડવા માટે ધમનીઓ દબાણ કરે છે. ધમનીઓની દીવાલોનું આ દબાણ જ બ્લડ પ્રેશર કહેવાય છે.
• હાઇપરટેન્શન શું છે? જ્યારે ધમનીઓના માધ્યમથી બ્લડને પુશ કરવામાં હૃદયને વધુ જોર લગાવવો પડે તો બ્લડપ્રેશર વધી જાય છે. બ્લડ પ્રેશર એક મર્યાદાથી વધુ થઈ જાય તેને હાઈપરટેન્શન કહેવાય છે.
• હાઇપરટેન્શન કેટલા પ્રકારનું હોય છે? તે બે પ્રકારનું હોય છે. પ્રથમ, પ્રાઈમરી અને બીજુ સેકન્ડરી. 90 ટકા લોકોના જીવનમાં પ્રાઈમરી હાઈપરટેન્શન હોય છે. તે ઉંમર સાથે વધે છે. 10 ટકાથી ઓછા લોકોમાં સેકન્ડરી હાઈપરટેન્શન હોય છે.
• હાઈપરટેન્શન થવાનું કારણ શું? હાઇપરટેન્શન અનેક પ્રકારની મેડિકલ કન્ડિશનને કારણે થાય છે. મુખ્ય રૂપે કિડની રોગ, ટ્યૂમર, ધમનીઓ સંબંધિત સમસ્યાઓ અથવા હૃદય સંબંધિત રોગ મુખ્ય કારણ છે.

હાઇપરટેન્શન મુખ્યત્વે શરીરના ક્યા ભાગને વધુ નુકસાન કરે છે?

સાઇલન્ટ કિલર તરીકે ઓળખાતી આ બીમારી મુખ્યત્વે આંખો, મગજ, હૃદય, કિડની વગેરે પર અસર છે. હવે આપણે એ જાણીએ કે તે કઇ રીતે નુકસાન કરે છે.

આંખો પર અસર: રેટિનાને નુકસાન, રોશની ઘટાડે છે. હાઈ બ્લડ પ્રેશર આંખના પાછળના ભાગ એટલે કે રેટિનાના આંતરિક લેયરને નુકસાન પહોંચાડે છે. રેટિનાને પહોંચેલા આ નુકસાનથી પણ વ્યક્તિમાં હાઈપરટેન્શનની તપાસ થાય છે. તે વ્યક્તિમાં માર્કર તરીકે કામ કરે છે. તે આંખની નસોને નુકસાન પહોંચાડે છે જેનાથી આંખની રોશની પ્રભાવિત થાય છે.
મગજ પર અસર: સ્ટ્રોકનું સૌથી વધુ જોખમ. હાઈપરટેન્શન સ્ટ્રોકનું મુખ્ય કારણ હોય છે. ખરેખર હાઈ બ્લડ પ્રેશર આર્ટરીજની દીવાલોને નબળી કરે છે, જેના લીધે મગજમાં તે બલૂનની જેમ ફુલી જાય છે. તેને એન્યુરિઝમ પણ કહેવાય છે. બ્લડ પ્રેશરના કારણે આ એન્યુરિઝમ ફાટી જાય છે, જેનાથી સ્ટ્રોક થાય છે.
હૃદય પર અસર: શ્વાસ લેવામાં તકલીફ, હાર્ટ ફેલ્યર ધમનીઓમાં રેઝિસ્ટન્સ વધતા તથા નસો સંકોચાતા હૃદયને બ્લડ પંપ કરવામાં વધારે મહેનત લાગે છે. લાંબો સમય આવું થવાથી હૃદયની માંસપેશીઓ જાડી થઈને કડક થઈ જાય છે. તે ઉપરાંત હૃદયનો ડાબો ભાગ ધીમે ધીમે જાડો થવા લાગે છે, જેનાથી બ્લડ પંપ કરવાની ક્ષમતા ઘટે છે. પરિણામે હાર્ટ ફેલ્યર થાય છે.
કિડની પર અસર: સોલ્ટને મેનેજ કરવાની ક્ષમતા ઘટે છે. હાઈ બ્લડ પ્રેશર કિડનીની સોલ્ટને નિયંત્રિત કરવા અને શરીરમાં પાણી રોકવાની ક્ષમતાને પ્રભાવિત કરે છે. તેના લીધે હાઈપરટેન્શનની સમસ્યા વધુ વકરે છે. હાઈપરટેન્શન અનેકવાર કિડનીને ડેમેજ પણ કરી શકે છે.

આ રીતે ઘટાડી શકો છો બીપી

• જો ઓવરવેટ હો તો એક કિલો વજન ઘટાડી તમે એક પોઈન્ટ સુધી બીપી ઘટાડી શકો છો.
• દરરોજ માત્ર 30 મિનિટની કસરતથી 5થી 8 પોઇન્ટ સુધી બીપી ઘટાડી શકાય છે.
• રોજિંદા ભોજનમાં 5 ગ્રામથી વધુ મીઠું ન ખાશો. એક નાની ચમકી જેટલું મીઠું ૨૩૦૦ ગ્રામ સોડિયમ ધરાવે છે. સોડિયમની માત્રાને ઘટાડી 5થી 6 પોઈન્ટ બીપી ઘટાડી શકાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter