આજની ભાગદોડભરી જીવનશૈલીના કારણે વિશ્વમાં છેલ્લા ત્રણ દસકામાં બ્લડપ્રેશરના દર્દીઓની સંખ્યા બમણી થઇ છે. ખરાબ લાઇફસ્ટાઇલથી ઘણી બીમારીઓ જન્મ લે છે પરંતુ સૌથી વિપરીત અસર હૃદય પર થાય છે. હાઇબ્લડપ્રેશર કે હાઇપરટેન્શનના કારણે હૃદય, બ્રેઇન, કિડની સંબંધિત રોગો અને અન્ય ગંભીર બીમારીઓ વળગે છે, પણ દુર્ભાગ્યની બાબત એ છે કે વિશ્વમાં હાઇપર ટેન્શનથી પીડિત ૪૦ ટકાથી વધારે લોકો તેમની આ બીમારીથી અજાણ હોય છે અને ભારતમાં તો આ પ્રમાણ ૬૦-૭૦ ટકા જેવું ઊંચું છે.
સમયસર નિદાનના અભાવનો અર્થ સારવારનો નીચો દર થાય છે. પરિણામે લોકો હૃદયરોગ અને સ્ટ્રોક જેવી જીવલેણ અને ગંભીર સ્થિતિનો ભોગ બની શકે છે. લંડનની ઇમ્પિરિયલ કોલેજની સ્કૂલ ઓફ પબ્લિક હેલ્થના મતે આ એક ખતરનાક પરિસ્થિતિ છે કેમ કે શરૂઆતમાં લોકો ઇલાજ કરાવતાં નથી, પણ આગળ
જતા ઘણી ગંભીર બીમારીઓ વળગે છે.