હાઈ બ્લડ પ્રેશરની ગોળી લેવાનો યોગ્ય સમય કયો?
હાઈ બ્લડ પ્રેશર અથવા હાઈપરટેન્શનની ગોળી કે દવાઓ લેવાનો સારો સમય કયો કહેવાય તે માટે મતમતાંતર છે. કેટલાક માને છે કે બીપીની ગોળીઓે લેવા માટે સવારનો સમય યોગ્ય ગણાય જ્યારે કેટલાકના મતે રાતનો સમય વધુ લાભદાયી છે. હવે સંશોધકોએ લગભગ 47,000 પેશન્ટ્સ પર પાંચ ટ્રાયલ્સના ડેટાના આધારે યુરોપિયન સોસાયટી ઓફ કાર્ડિયોલોજી કોંગ્રેસ 2024 સમક્ષ રજૂ કરેલા તારણોમાં જણાવ્યું છે કે બીપીની દવા સવારે કે રાત્રે લેવાથી કોઈ ફરક પડતો નથી. કેનેડાની યુનિવર્સિટી ઓફ કોલમ્બિયાના પ્રોફેસર રિકી ટર્જિઓન અનુસાર હાર્ટ એટેક, સ્ટ્રોક, હાર્ટ ફેઈલર અથવા મૃત્યુ સામે રક્ષણ આપતી બીપીની દવા તમારી પસંદગી અને સંજોગોને માફક આવે તેમ યાદ આવવાના સમયે લઈ શકાય છે. દવાની અસર કે પરિણામો સમયને આધીન નથી. યુકેમાં દર ત્રણમાંથી એક વયસ્કને હાઈપરટેન્શન રહે છે તેમજ દેશમાં ધૂમ્રપાન અને નબળા આહાર પછી તમામ રોગોના જોખમમાં તેનો ત્રીજો ક્રમ છે. યુકેમાં હાર્ટ એટેક્સ અને સ્ટ્રોક્સના લગભગ અડધા કેસ હાઈ બ્લડ પ્રેશર સાથે સંકળાયેલા છે.
•••
ડાયાબિટીસની દવાથી ડિમેન્શીઆનું જોખમ ઘટી શકે
ડાયાબિટીસ ધરાવતા લોકોને ડિમેન્શીઆ થવાનું જોખમ વધુ રહે છે ત્યારે ટાઈપ 2 ડાયાબિટીસની સારવારમાં ઉપયોગમાં લેવાતી દવા ડિમેન્શીઆ થવાના જોખમને 35 ટકા જેટલું ઘટાડી શકે તેમ બ્રિટિશ મેડિકલ જર્નલ (BMJ)માં પ્રકાશિત અભ્યાસમાં જણાવાયું છે. કોરિયા નેશનલ હેલ્થ ઈન્સ્યુરન્સ સર્વિસ દ્વારા સારવાર હેઠળના 110,885 ડાયાબિટીક પેશન્ટ્સ સોડિયમ ગ્લુકોઝ કોટ્રાન્સપોર્ટર-2 (SGLT-2) ઈન્હિબિટર્સ અથવા ડાયપેપ્ટિડીલ પેપ્ટિડેઝ 4 (DPP-4) ઈન્હિબિટર્સ દવાઓ લેતા હતા. SGLT-2 ઈન્હિબિટર્સથી કિડની દ્વારા શોષાતા ગ્લુકોઝનું પ્રમાણ ઘટતું હતું જ્યારે DPP-4 ઈન્હિબિટર્સ જ્મ્યા પછી ઈન્સ્યુલેન સ્તર વધારવામાં મદદ કરતા એન્ઝાઈમ્સની કામગીરીને અવરોધતા હતા. સારવારના ફોલો અપમાં 1172 પેશન્ટને ડિમેન્શીઆનું નિદાન થયું હતું. સીઓલ નેશનલ યુનિવર્સિટી કોલેજ ઓફ મેડિસીનની સંશોધન ટીમને જણાયું હતું કે SGLT-2 ઈન્હિબિટર્સ પરના પેશન્ટ્સને ડિમેન્શીઆ થવાનું જોખમ 35 ટકા ઓછું હતું. NHS દ્વારા ડાયાબિટીક પેશન્ટ્સને સામાન્યપણે SGLT-2 ઈન્હિબિટર્સ અથવા અન્ય દવા સાથેના સંયોજનો પ્રીસ્ક્રાઈબ કરાય છે. દરમિયાન, નિષ્ણાતોએ આ બાબતે વધુ ટ્રાયલ્સ જરૂરી હોવાનું જણાવ્યું છે.
•••