અમુક ઉંમર બાદ શરીરના અલગ અલગ ભાગમાં સાંધાનો દુઃખાવો થવા લાગતો હોય છે. કમરનો દુઃખાવો, ઢીંચણનો દુઃખાવો આવા અનેક દુઃખાવા શરીરમાં અનુભવાય છે. આનું સૌથી મોટું કારણ કેલ્શિયમની ખામી હોઇ શકે. યુવાવયે શરીર જ્યારે સ્વસ્થ હોય, સારી રીતે કામ કરતું હોય ત્યારે આપણે શરીરની નાનીમોટી સમસ્યાને અનદેખી કરી નાખતાં હોઇએ છીએ. શરીરને વિટામિન્સ, મિનરલ્સ તેમજ કેલ્શિયમ આપવાનું હોય તે પૂરતાં પ્રમાણમાં આપતાં નથી. તેને કારણે શરીર ઘસાતું જાય છે. એટલે મોટી ઉંમરે તકલીફ થવાની શરૂ થઇ જાય. શરીર અને હાડકાંને તંદુરસ્ત રાખવા માટે કેલ્શિયમની ખાસ જરૂર હોય છે. તેની ઉણપની પૂર્તિ કયા ખોરાકથી કરી શકીએ તે વિશે વિગતે વાત કરીએ.
શરીર માટે કેલ્શિયમ કેમ જરૂરી?
કેલ્શિયમથી માત્ર હાડકાં જ મજબૂત બને છે એવું નથી, તેનું પ્રમાણ શરીરમાં સમતોલ હોય તો તેનાથી દાંત મજબૂત રહે છે, રક્તકોશિકાઓ સ્ટ્રોંગ બને છે. બ્લડ સર્ક્યુલેશનને નિયંત્રિત કરવામાં તેમજ ડાયાબિટીસના ખતરાથી બચાવવામાં પણ કેલ્શિયમ મહત્ત્વપૂર્ણ ભાગ ભજવે છે. આપણી એક સૌથી મોટી કુટેવ છે કે આગ લાગે ત્યારે જ આપણે કૂવો ખોદવા બેસતાં હોઇએ છીએ. આવું કરવાથી ઉલમાંથી ચૂલમાં પડવા જેવા બનાવ પણ બની જતા હોય છે. કેલ્શિયમની કમી સર્જાય એટલે મોટા ભાગે લોકો સપ્લિમેન્ટ્સ કે દવાઓ લેવાની શરૂઆત કરી દે છે. આવું કરવાથી લાંબા ગાળે તકલીફ થવાના ચાન્સ રહે છે. આથી સપ્લિમેન્ટ્સ કે દવા લેવાને બદલે કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવાની જ શરૂઆત કરી દેવી જોઇએ. વળી આગ લાગે ત્યારે કૂવો ખોદવાને બદલે યુવાવયથી કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવાની શરૂઆત કરવી.
કેલ્શિયમયુક્ત ખોરાક
• દૂધઃ પહેલાંના સમયમાં આપણાં વડવાઓ ગાય કે ભેંસનું તાજું દૂધ પીતા અને તેથી જ તેમને કોઇ પણ ઉંમરે શરીરના દુખાવાની તકલીફ ન થતી. આજે પણ ઘરનાં બાળકોને વડીલો સલાહ આપતા હોય છે કે અમારી જેમ રોજ સવાર-સાંજ દૂધ પીવાનું રાખો, શરીરને ક્યારેય કોઇ તકલીફ ન થાય. આપણા ખોરાક બગડતા ગયા છે. આપણે પૌષ્ટિક ખોરાક લેવાને બદલે જીભને સારો લાગે એવો ખોરાક લઇએ છીએ. દૂધ એ કેલ્શિયમ મેળવવાનો સૌથી શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાંથી અઢળક કેલ્શિયમ મળે છે. તેથી તેના સેવનથી હાડકાં મજબૂત બને છે. જો દૂધ ન જ ભાવતું હોય તો ઘરે બનેલા તાજા દહીંનું સેવન પણ કરી શકાય છે. દહીં પણ કેલ્શિયમનો ઉત્તમ સ્ત્રોત છે.
• પનીરઃ કેલ્શિયમ મેળવવા માટે પનીર સારો વિકલ્પ છે. પનીરમાં કેલ્શિયમની સાથે સાથે પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળે છે, તેથી તે શરીરને આ બંને સારાં તત્ત્વો પૂરાં પાડે છે. લોકોમાં એવી ગેરમાન્યતા છે કે પનીર ખાવાથી વજન વધે. માપસર પનીર ખાવાથી અને સાથે સાથે થોડી કસરત કરવાથી આ સમસ્યા નહીં નડે.
• બદામઃ બદામ ખાવાથી બુદ્ધિ પ્રબળ થવાની સાથે સાથે તેની અંદરથી કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં મળી રહે છે. કેલ્શિયમ મેળવવાનો બદામ શ્રેષ્ઠ સ્ત્રોત છે. તેમાં પ્રોટીન પણ સારા પ્રમાણમાં મળી રહે છે તેથી તે પણ ચોક્કસ ખાવી જોઇએ.
• સંતરાંઃ સંતરાંમાં વિટામિન સી તો સારી માત્રામાં હોય જ છે, સાથે સાથે કેલ્શિયમ પણ સારા પ્રમાણમાં હોય છે, તેથી તેના સેવનથી પણ શરીરને કેલ્શિયમ પૂરું પાડી શકીએ છીએ.
• અંજીરઃ અંજીર સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી હોય છે. તેમાં કેલ્શિયમની સાથે સાથે ફાઇબર અને પોટેશિયમ પણ સારી માત્રામાં મળી રહે છે. તે શરીર માટે જરૂરી છે. ફાઇબરથી પાચનશક્તિ મજબૂત બને છે, કેલ્શિયમથી હાડકાં મજબૂત બને છે. જ્યારે પોટેશિયમ અને મેગ્નેશિયમની મદદથી હાર્ટબીટ્સ નોર્મલ રહે છે. આમ અંજીર માત્ર કેલ્શિયમ માટે જ નહીં પણ અનેક રીતે શરીર માટે લાભદાયી છે. આ સમગ્ર ખાદ્યપદાર્થો શાકાહારી લોકો માટે અગત્યના છે, કારણ કે માંસાહારીને કેલ્શિયમ મીટમાંથી મળી રહે છે.