લંડનઃ સ્માર્ટફોનની એપ હાર્ટ ચેકની મદદથી હાર્ટ પેશન્ટ્સ પર દેખરેખ રાખવાનો પાઈલોટ પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનાથી તેમને વારંવાર હોસ્પિટલમાં દાખલ થતા અટકાવવાનું અને તેમના ડિસ્ચાર્જને ઝડપી બનાવવાનું શક્ય બન્યું છે. આ સ્કીમ ટુંક સમયમાં સમગ્ર યુકેમાં લાગુ થાય તેવી આશા છે. પેશન્ટ્સ આ એપ પરથી તેમની ક્લિનિકલ ટીમને તેમના બ્લડ પ્રેશર, હૃદયના ધબકારા, ઓક્સિજનનું પ્રમાણ અને અન્ય લક્ષણોનો ડેટા મોકલી આપે છે જેનાથી ડોક્ટર્સ અને નર્સીસ દર્દીને તત્કાળ હોસ્પિટલમાં સારવારની જરૂર છે કે કેમ અથવા તેમની દવાઓમાં ફેરફાર કરવા બાબતે નિર્ણય લઈ શકશે.
લંડનસ્થિત હેલ્થકેર ટેકનોલોજી કંપની Huma દ્વારા 12 સપ્તાહનો પાઈલોટ પ્રોજેક્ટ કરાયો છે જેમાં સાઉથ વેલ્સમાં Cwm Taf Morgannwg યુનિવર્સિટી હેલ્થ બોર્ડ અને નોર્થ વેલ્સમાં બેટ્સી કેડવાલ્ડાર યુનિવર્સિટી હેલ્થ બોર્ડ હેઠળ 40 પેશન્ટને સાંકળી લેવાયા છે. ડેટા અનુસાર એક બોર્ડને પેશન્ટ્સને દવાઓમાં સુધારાવધારાનો સમય 80 ટકા ઘટી ગયો હતો. આ સમયગાળો 6થી 8 મહિનાથી ઘટીને 34 દિવસનો થયો હતો. રૂબરૂ આઉટપેશન્ટ એપોઈન્ટમેન્ટની સંખ્યામાં પણ 19 ટકાનો ઘટાડો થયો હતો. બંને હેલ્થ બોર્ડમાં થઈને 10 ટકા પેશન્ટને હોસ્પિટલમાં ફરી દાખલ થવાનું ઘટ્યું હતું તેમજ અન્ય દર્દીઓને અગાઉની સરખામણીએ વહેલા ડિસ્ચાર્જ આપી શકાયો હતો.
ત્રણ વખત હાર્ટ બાયપાસ સર્જરી કરાયેલા એક 69 વર્ષીય દર્દીએ જણાવ્યા મુજબ રિમોટ મોનિટરિંગથી તેનું જીવન બદલાઈ ગયું છે. કાર્ડિયાક સમસ્યા ધરાવતા દર્દીને હંમેશાં તેની હાલત વિશે ચિંતા રહે છે પરંતુ, નર્સ દ્વારા તેનું સતત મોનિટરિંગ કરાય છે તેવી ખાતરીથી સારું લાગે છે. ગયા વર્ષે જુલાઈથી સપ્ટેમ્બર સુધીના પાઈલોટ પ્રોજેક્ટમાં દર્દીઓને તેમના ધબકારા રેકોર્ડ કરવા ફોનના કેમેરા પર આંગળી મૂકી એપનો ઉપયોગ કરવાનું શીખવાડવા ઉપરાંત, ઓક્સિજન લેવલ અને બ્લડ પ્રેશર માપવાના સાધનો પણ અપાયા હતા. Cwm Taf Morgannwg યુનિવર્સિટી હેલ્થ બોર્ડ માં આ પ્રોજેક્ટ એક વર્ષ ચલાવાયા પછી ઓટમમાં તેનું મૂલ્યાંકન કરાવાનું છે. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં NHS દ્વારા અનેક રિમોટ મોનિટરિંગ ટેકનોલોજીઓની વિચારણા કરાઈ રહી છે.