ઝયુરિચઃ બપોરના કેટલાક પુખ્ત વયના લોકોને ઝોકા આવી જતાં હોય છે. આ સમયે થોડોક સમય કાઢીને નાનકડું ઝોકું ખાઇ લેવાથી હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ઘટી શકે છે એમ એક તબીબી સંશોધનના તારણ જણાવે છે. અઠવાડિયામાં માત્ર બે વાર સ્નૂઝ એટલે કે બપોરની ઊંઘ લેનારા લોકોમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ૪૮ ટકા ઘટી ગયું હોવાનું જણાયું હતું. અનિંદ્રાના લીધે વ્યક્તિઓમાં એથરોકસ્કલેરોસિસિનું જોખમ વધી જાય છે, જે ધમનીઓમાં સમસ્યા સર્જે છે. વૈજ્ઞાનિકો કહે છે કે આઠ કલાકની ઊંઘ લેનારા કરતાં બપોરના સમયે ઝપકી ખાઇ લેનારાઓમાં હાર્ટએટેક અથવા સ્ટ્રોકની શક્યતા અડધી થઈ જાય છે. સંશોધનકારોના મતે અઠવાડિયામાં એક કે બે વાર બપોરે ઝોકું ખાનારા લોકોની સરખામણીએ બપોરે ક્યારેય ઊંઘ નહીં લેનારા લોકોમાં હાર્ટએટેક અને સ્ટ્રોકનું જોખમ ૫૦ ટકા વધુ નોંધાયું છે. ઝ્યુરિચમાં આવેલી યુનિવર્સિટી હોસ્પિટલની સંશોધન ટીમે સરેરાશ ૩૫ વર્ષથી ૭૫ વર્ષની વયના ૩,૨૦૦ લોકો પર નેપિંગ પરિવર્તન અને નિદ્રાના સરેરાશ સમય પર પાંચ વર્ષ સુધી નજર રાખી હતી. આ ટીમના વડા ડો. નાડિન હોસલેએ જણાવ્યું હતું કે ટીમે સંભવિત પરિબળોનો હિસાબ કરીને આ તારણ કાઢ્યું છે. આ સંશોધનમાં હાઈ બ્લડપ્રેશર, કોલેસ્ટ્રોલ જેવા કાર્ડિયોવાસ્કયુલર રોગના જોખમો તેમ જ અન્ય બાબતોની પણ નોંધ લેવાઇ હતી.