કોરોના મહામારી બાદ હૃદય સંબંધિત બીમારીનું પ્રમાણ વધ્યું છે. આમાં પણ છેલ્લા કેટલાક સમયથી હૃદયરોગના હુમલાથી મૃત્યુની ઘટનાઓનું પ્રમાણ વધતાં બનતાં લોકો હૃદયના સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ થઈ રહ્યા છે. લોકો હૃદયના સ્વાસ્થ્યના મુદ્દે ચિંતિત છે ત્યારે હૃદયરોગના નિષ્ણાતો કહે છે, આપણે નાની-નાની બાબતો પર ધ્યાન આપીએ, જીવનશૈલીમાં આવશ્યક પરિવર્તન લાવીએ, યોગ્ય આહાર લઈએ તો હૃદયને તંદુરસ્ત રાખવાનું અઘરું નથી. અમેરિકામાં જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ મેડિસિનના કાર્ડિયોલોજિસ્ટ ડો. હ્યુજ કૈલ્ડિંસ અને બ્રિટનના કાર્ડિયોલોજિસ્ટ અને રિધમ સ્પેશિયાલિસ્ટ નીલ શ્રીનિવાસન્ આ લેખમાં જણાવે છે કે તેઓ પોતાનું હૃદય કેવી રીતે સ્વસ્થ રાખે છે. તેઓ કહે છે કે હૃદયની સ્વસ્થતા માટે જોરદાર વર્ક આઉટ જરૂરી નથી. બ્રિક્સ વોક - યોગ પણ લાભકારી છે. બ્લડ પ્રેશર પર નજર રાખે છે, અને જો તે વધ્યું હોય તો મીઠું ઓછું કરીને તેને કન્ટ્રોલમાં લાવવાનો પ્રયાસ કરે છે.
• 150 મિનિટ કસરતઃ નિયમિત કસરતથી હૃદયની માંસપેશીઓ મજબૂત બને છે. આ માટે જોરદાર વર્કઆઉટની જરૂર નથી. અઠવાડિયામાં 150 મિનિટ મધ્યમ તીવ્રતાવાળી કસરતો જ પૂરતી છે. તેઓ સપ્તાહમાં પાંચ દિવસ 45 મિનિટનું સ્વીમિંગ કે ત્રણ દિવસ સ્ટ્રેન્થ ટ્રેનિંગ કે રોજ 20 મિનિટની બ્રિક્સ વોક અને યોગ કરે છે. તેનાથી હૃદયને ઘણો લાભ મળે છે.
• બ્લડ પ્રેશ પર નજરઃ તેઓ દર મહિને નિયમિતપણે પોતાનું બ્લડ પ્રેશર તપાસે છે. જો તેમાં વધારો જણાય તો તાત્કાલિક દિનચર્યામાં જરૂરી પરિવર્તન કરે છે. સૌપ્રથમ ભોજનમાં મીઠું ઓછું કરે છે. હાઈ બ્લડ પ્રેશરને કારણે ધમનીઓ ઝડપથી સંકોચાઈ શકે છે. પરિણામે હૃદય પર વધુ દબાણ આવી શકે છે.
• કેલરીનું ટ્રેકિંગઃ તમે જો ભોજનશૈલી પર નજર રાખશો તો પણ હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખી શકશો. આ માટે કેલરીનું ટ્રેકિંગ કરો. આનાથી આપણે સમતોલ આહાર લઈએ છીએ કે નહીં, તે જાણી શકાય છે. 2000 કેલરીથી વધુ ખોરાક જોખમ ઊભું કરી શકે છે. સલાડ, ઓટ્સ, આખું ધાન, કઠોળ અને લીલાં શાકભાજી ભોજનમાં આવશ્યક છે. સિગારેટ, શરાબથી તો હંમેશા દૂર રહેવું જોઈએ.
• કોલેસ્ટ્રોલ કન્ટ્રોલમાં રાખવું: કોલેસ્ટ્રોલને અંકુશમાં રાખો. જો દિનચર્યામાં પરિવર્તન કરવાથી ફરક ન પડે તો ડોક્ટરની સલાહ અવશ્ય લો. કોલસ્ટ્રોલ ઘટાડવા માટે તમારા જીપીએ કોઇ દવા સૂચવી હોય તો તે નિયમિત લો. કોઇ પણ પ્રકારની દવા જાતે લેવાનું ટાળો
• 7 કલાક ઊંઘ લેવી: ઊંઘ દરમિયાન બ્લડપ્રેશર અને હૃદયના ધબકારા ઓછા હોય છે. આ કા૨ણે કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમ પર તણાવ ઓછો થાય છે. સાત કલાકથી ઓછી ઊંઘ હાઈ બ્લડ પ્રેશર અને ડાયાબિટીસનું જોખમ વધારે છે. ઓછી ઊંઘ સ્ટ્રેસ હોર્મોન વધારે છે, જે સરવાળે હૃદય માટે નુકસાનકારક છે.
• સ્ટ્રેસ ટાળોઃ કોઇ પણ મુદ્દે સ્ટ્રેસ આપણા તન-મન માટે નુકસાનકારક છે. સ્ટ્રેસથી બ્લડ શુગર વધે છે. તેનાથી વજન પણ વધવા લાગે છે. સ્ટ્રેસ હોર્મોનથી ધમનીઓની દીવાલમાં સોજો ચડે છે. તેનાથી હૃદયરોગના હુમલાનું જોખમ પણ વધી જાય છે. આ નિષ્ણાતો મન પરનો ભાર હળવો કરવા માટે ઘરે બાળકો સાથે સમય વિતાવે છે. તેમનું કહેવું છે કે બાળકોની રસપ્રદ વાતો સાંભળવાથી તણાવ ઓછો થાય છે.