વોશિંગ્ટન: ચહેરા પર હાસ્ય જરૂરી છે. તેનાથી મૂડ સારો થવામાં પણ મદદ મળે છે. ચિંતા અને તણાવ ઓછો થાય છે. જ્યારે તમે નિરાશ હોવ છો ત્યારે ચહેરા પર હળવું હાસ્ય પણ સકારાત્મક વિચારોનો સંચાર કરી શકે છે. હકીકતમાં હાસ્યનો શારીરિક અને માનસિક આરોગ્ય સાથે સીધો સંબધ છે.
હાલમાં જ થયેલા કેટલાક સંશોધનમાં માલુમ પડ્યું છે કે, હસવાથી આત્મવિશ્વાસ પણ વધે છે. હાસ્ય સાથેનો ચહેરો આકર્ષક પણ દેખાય છે. હાસ્ય મગજના એ હિસ્સાને ટ્રિગર કરે છે, જે તમારી ભાવનાને નિયંત્રિત કરતો હોય છે. એવું કહેવાય છે કે, દુનિયામાં સરેરાશ 30 ટકા લોકો રોજ 20હજાર વાર હસે છે. સારા હાસ્ય પાછળ તમારા દાંત મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સીધા દાંત ધરાવતા લોકો વધુ વિશ્વસનીય અને આત્મવિશ્વાસુ હોય છે. જો દાંત વાંકાચૂંકા કે દાગ ધરાવતા હોય તો તમારું હાસ્ય ઓછું પ્રભાવશાળી હોય છે. નિષ્ણાતોના મતે, લોકો એવું માની લે છે કે હાસ્યથી સુંદરતા દેખાય છે, પરંતુ વર્ષોનો અનુભવ કહે છે કે, એક વ્યક્તિનું હાસ્ય તેના આત્મછબિ, આત્મવિશ્વાસ અને શારીરિક-માનસિક આરોગ્યમાં પણ મોટી ભૂમિકા ભજવે છે. હાસ્યને પ્રભાવિત કરનારા દાંત વિશે નિષ્ણાતો કહે છે કે, તૂટી ગયેલા દાંત કે જડબા ફૂલેલા હોવાના કારણે પણ હાસ્ય પર અસર થાય છે. 40 વર્ષથી વધુ ઉંમરના 80 ટકા લોકોને આ મુશ્કેલી હોય છે. જેમના દાંત યોગ્ય અને સારા હોય છે, તેઓ વધુ હસે છે.
બર્મિંગહામ યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે, બ્રિટનમાં 90 ટકા વયસ્કોને જડબાની બીમારી છે. નિષ્ણાતો કહે છે કે જડબાની બીમારીની અસર હાસ્ય પર થાય છે. તે સ્થિતિ ધુમ્રપાન, ગર્ભાવસ્થા અને ખરાબ આરોગ્યના કારણે મોં શુષ્ક હોવાનું કારણ બને છે.