વ્યક્તિ ભલે કોઇ પણ વયની હોય, પણ તેની ખુશીને અનેક ફેક્ટર પ્રભાવિત કરતા હોય છે તે હકીકત છે. જેમ કે, વાતાવરણ, સંબંધો, સ્વજનોનાં વાણી-વર્તન વગેરે વગેરે. અલબત્ત, આ બધા તો બાહ્ય પરિબળો થયા, અને તે વ્યક્તિના નિયંત્રણમાં નથી હોતાં. પરંતુ આપણી ખુશીમાં મહત્ત્વની ભૂમિકા ભજવતું એક પરિબળ એવું છે જે આપણી અંદર જ છે. ‘ખુશીનાં હોર્મોન’ કે ન્યૂરોટ્રાન્સમીટર તરીકે ઓળખાતું આ પરિબળ એવું છે તેનું નિયંત્રણ આપણા હાથમાં છે. આપણા મગજમાં રહેલું આ પરિબળ આપણા મૂડ, લાગણીઓ અને તંદુરસ્તીને નિયંત્રિત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ન્યૂરોટ્રાન્સમીટર એવા રાસાયણિક મેસેન્જર છે, જે મગજમાં ન્યૂરોન્સની વચ્ચે સંકેતોને પ્રસારિત કરે છે. એન્ડોર્ફિન, ઓક્સીટોસિન, ડોપામાઈન અને સેરોટોનિન ખુશીના મુખ્ય હોર્મોન છે. તેને એક્ટિવેટ કરીને માનસિક તંદુરસ્તી અને ખુશી વધારી શકાય છે. હંમેશા યાદ રાખો કે નાનાં લક્ષ્ય પ્રાપ્ત કરવાથી ખુશી વધે છે.
એન્ડોર્ફિન: કુદરતી દર્દશામક છે
એન્ડોર્ફિન મગજનું કુદરતી પેઈનકિલર હોય છે. આ રસાયણ મૂડ સુધારે છે, તણાવ ઘટાડે છે. તે મગજના એ રિસેપ્ટર્સ સાથે સંકળાયેલું હોય છે, જે દુ:ખ દૂર કરે છે અને આનંદની ભાવનાને ટ્રિગર કરે છે. પણ આ હોર્મોનનું પ્રમાણ કઇ રીતે વધારી શકાય? હાસ્ય એ એન્ડોર્ફિનને સક્રિય કરવાનો સૌથી સારો ઉપાય છે. ફિઝિક્લ એક્ટિવિટી, ખાસ કરીને એરોબિક કસરત એન્ડોર્ફિનના સ્તરને વધારે છે. કેટલાક મસાલેદાર ફૂડ પણ આ હોર્મોનનું સ્તર વધારે છે. હકીક્તમાં મગજ તીખાશને હળવા દર્દ તરીકે માને છે, જે એન્ડોર્ફિનનું ઉત્પાદન વધારે છે.
ડોપામાઈન: પ્રેરણા અને ફોક્સ માટે મહત્ત્વનું
આ એક રિવોર્ડ કેમિકલ છે, જે સિદ્ધિ કે આનંદના અનુભવમાં રિલીઝ થાય છે. તે મોટિવેશન અને ફોકસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
પણ આ હોર્મોનનું પ્રમાણ કઇ રીતે વધારી શકાય? નાનાં નાનાં લક્ષ્ય બનાવીને તેને પ્રાપ્ત કરવાથી આ હોર્મોનમાં વધારો થાય છે. આ ઉપરાંત આનંદદાયક ગતિવિધિઓમાં સામેલ થવાથી અને સિદ્ધિઓની ખુશી મનાવવાથી પણ તેમાં વધારો થાય છે. પછી આ સિદ્ધિ ભલેને ગમે તેટલી નાની કેમ ન હોય.
સેરોટોનિન: મૂડને નિયંત્રિત કરે છે
આ હોર્મોન મૂડ, ભૂખ અને ઊંઘને નિયંત્રિત કરવામાં બહુ મદદ કરે છે. સેરોટોનિનની ઊણપનો સંબંધ ડિપ્રેશન સાથે જોવા મળે છે. પણ આ હોર્મોનનું પ્રમાણ કઇ રીતે વધારી શકાય? સૂર્યપ્રકાશ સેરોટોનિનનું સ્તર વધારે છે. રોજ દિવસમાં થોડો સમય તડકામાં બેસો. બગીચા, કુદરતી સ્થળોએ હરોફરો. મેડિટેશન અને માઈન્ડફુલનેસ ગતિવિધિઓ પણ સેરોટોનિનનું સ્તર વધારે છે.
ઓક્સીટોસિન: બોન્ડિંગ વધારવામાં મહત્ત્વનું
ઓક્સીટોસિનને ‘લવ હોર્મોન’ તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે તે સોશિયલ બોન્ડિંગ અને ઈન્ટીમસીમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. વિશ્વાસની ભાવના વધારીને આપણા દિમાગમાંથી એંગ્ઝાયટી દૂર કરવાનું કામ તે કરે છે. હવે આપણે એ જાણીએ કે આ હોર્મોનનું પ્રમાણ કઇ રીતે વધારી શકાય? શારીરિક સ્પર્શ ઓક્સીટોસિનના સ્તરને વધારવામાં મદદગાર છે. જ્યારે પણ સ્વજનને મળે તો ગળે લગાવો. આ ઉપરાંત અન્યને મદદ કરવાથી કે આભાર વ્યક્ત કરવાથી પણ તેનું સ્તર વધે છે. પાલતુ પશુનો સંગાથ પણ તેને વધારવામાં મદદગાર છે.