મેલબોર્ન: અમેરિકાના ડ્રગ રેગ્યુલેટર એફડીએ દ્વારા વિશ્વની સૌથી મોંઘી દવાને મંજૂરી આપી દીધી છે. હેમજેનિક્સ નામની જિન થેરાપી આપતી આ દવા લોહીના દુર્લભ રોગ, સીએસએલ બહરિંગ્સ હેમોફિલિયાનો ઇલાજ કરવા માટે વિકસાવાઇ છે. ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટેટર (એફડીએ) તરફથી બજારમાં મૂકવા મંજૂર કરાયેલી આ દવાના એક ડોઝની કિંમત છે, 35 લાખ ડોલર એટલે કે આશરે 28.62 કરોડ રૂપિયા.
હેમોફિલિયાના દર્દીને શરીર પર કોઈ ઘા પડે અને ઘામાંથી લોહી સતત વહેતું જ રહે છે. અને જો લોહી સતત વહેતું જ રહે તો શરીરમાં લોહી ખલાસ થઈ જવાથી દર્દી મૃત્યુ પામે. આવા દર્દીનું લોહી વહેતું રોકવા ફેક્ટર-9 નામના પ્રોટીનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. આ સારવાર નિયમિત અને લાંબા સમય સુધી કરાવવી પડે છે. આ મોંઘેરી દવાનો અભ્યાસ સાબિત કરે છે કે હેમજેનિક્સ દવાનો એક ડોઝ લીધા પછી આખા વર્ષમાં દર્દીને લોહી વહેતું બંધ ન થવાના જીવલેણ પ્રસંગો 54 ટકા ઘટી જાય છે.
હેમોફિલિયા રોગમાં શું થાય?
આ રોગના દર્દીને કંઈ પણ ઘા પડે અને લોહી વહેવા લાગે તો તે વહેતું રોકાતું જ નથી. આપણા બધાના લોહીમાં પ્રોટીન-S નામનું એક ખાસ જિન પ્રોટીન હોય છે. લોહી વહે ત્યારે ઘામાંથી બહાર નીકળતું લોહી હવાના સંપર્કમાં આવતાં જ પ્રોટીનના કારણે ગંઠાઈ જાય છે અને લોહી વહેતું અટકી જાય છે. આ પ્રોટીન હેમોફિલિયાના દર્દીના લોહીમાં હોતું જ નથી. તેથી ઘા પડે તો લોહી ગંઠાતું નથી, સતત વહ્યા જ કરે છે.
મોંઘેરી દવાઓ
બાળકો માટેની સ્પાઈનલ મસ્ક્યુલર એટ્રોફી બીમારીમાં કામ લાગતી નોવાર્ટીસની દવાને 2019માં મંજૂરી મળી હતી. ત્યારે તેની કિંમત 21 લાખ ડોલર હતી. તેવી જ રીતે લોહીની અન્ય એક બીમારી માટેની દવાની કિંમત 28 લાખ ડોલર હતી. તેને ચાલુ વર્ષે મંજૂરી અપાઈ હતી.