લંડનઃ ગરમ હવામાન અને ડેટિંગ એપ્સને લીધે યુકેમાં તાજેતરમાં સિફિલીસ રોગનું પ્રમાણ વધ્યું હોવાનું તબીબી વ્યવસાયિકોએ જણાવ્યું હતું. હેલ્થ વિભાગના વડાઓએ જણાવ્યું હતું કે તાજેતરના હીટવેવને લીધે લોકો જાતીય રીતે વધુ સક્રિય થતાં આ ચેપી રોગ ફેલાયો હતો.
ડેટિંગ એપ્સને લીધે લોકો એકબીજાને સરળતાથી મળી શકે છે અને તેથી જાતીય સમાગમથી થતાં ચેપી રોગોથી પીડાતા લોકોની સંખ્યામાં વધારા માટે તેને જવાબદાર ઠેરવવામાં આવ્યું હતું. સાઉથ વેલ્સના હેલ્થ બોર્ડ દ્વારા જણાવાયું હતું કે છેલ્લાં ચાર મહિનામાં ગયા વર્ષના તે સમયગાળાની સરખામણીમાં પાંચ ગણા લોકોને સિફિલીસનું નિદાન થયું હતું.