વોશિંગ્ટનઃ સ્મોકિંગ અંગે તાજેતરમાં કરવામાં આવેલા એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે, હુક્કો પીવો જીવલેણ સાબિત થાય છે. તાજેતરના સંશોધનમાં જણાવાયું છે કે, હુક્કા દ્વારા ધુમ્રપાન કરવાથી હાર્ટએટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. સંશોધકોએ જણાવ્યું કે, હુક્કા દ્વારા ધૂમ્રપાન કરવાથી શરીરમાં ગમેત્યારે લોહી ગંઠાઈ જાય છે અને હાર્ટએટેક આવી શકે છે.
‘આર્ટેરિયોસ્કલેરોસિસ થ્રોમ્બોસિસ એન્ડ વેસ્ક્યુલર બાયોલોજી’ જર્નલમાં આ અભ્યાસ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, હુક્કા દ્વારા ધૂમ્રપાન કરવાથી માત્ર ૧૧ સેકન્ડમાં જ લોહીમાં ક્લોટિંગ થવાનું શરૂ થઈ જાય છે. સામાન્ય રીતે આ ઘટનામાં પાંચ મિનિટ લાગતી હોય છે.
યુનિવર્સિટી ઓફ ટેક્સાસના સંશોધકોએ જણાવ્યું કે, પશ્ચિમના દેશોમાં હુક્કાનું પ્રમાણ વધી રહ્યું છે. લોકોને તેની લત ઓછી કરાવવા માટે સંશોધન કરવામાં આવી રહ્યા છે. તેમણે આ માટે ઉંદરો ઉપર પ્રયોગ કર્યો હતો. તેમણે ઉંદરોને એક કાચની કેબિનેટમાં મૂક્યા હતા. તેની સાથે હુક્કા જેવું જ એક મશીન લગાવવામાં આવ્યું હતું. તેમાં હુક્કાની જેમ નિકોટિન ખેંચાય અને ધુમાડો છૂટે તે રીતે વ્યવસ્થા કરવામાં આવી હતી. ઉંદરોને જે કેબિનમાં રાખવામાં આવ્યા હતા તેના ઉપર સમયાંતરે ધુમાડો છોડવામાં આવ્યો હતો. થોડા સમય પછી અભ્યાસમાં જાણવા મળ્યું કે, જે કેબિનમાં ધુમાડો છોડવામાં આવ્યો હતો તેમાં રાખેલા ઉંદરોનું સ્વાસ્થ્ય કથળ્યું હતું અને તેમના હૃદયને નુકસાન પહોંચ્યું હતું.