વોશિંગ્ટનઃ હૃદય એટલે કે હાર્ટ શરીરનું સૌથી કોમળ અને મહત્વપૂર્ણ અંગ છે, જેના વિશે એક નવા અભ્યાસમાં કહ્યું છે કે હૃદય પાસે પોતાનું મગજ હોય છે. સ્વીડનની કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટ અને અમેરિકાના કોલંબિયા યુનિવર્સિટીના સ્ટડીમાં જાણવા મળે છે કે હૃદયનું એક નાનકડું મગજ હોય છે. તેનું પોતાનું તંત્રિકા તંત્ર હોય છે, જે દિલના ધબકારાને નિયંત્રિત કરે છે. કેરોલિન્સ્કા ઈન્સ્ટિટ્યૂટના ન્યૂરો-સાયન્સ વિભાગના ચીફ રિસર્ચર કોન્સ્ટેન્ટિનોસ એમ્પેડ્જસે કહ્યું કે આ ‘નાના મગજ’ની હૃદયના ધબકારા જાળવી રાખવામાં અને નિયંત્રિત કરવામાં મહત્વની ભૂમિકા હોય છે.
હૃદયમાંથી મગજ સુધી સંકેતો મોકલવામાં આવે છે. આપણે હૃદયને લાંબા સમયથી સ્વાયત્ત તંત્રિકા તંત્ર દ્વારા નિયંત્રિત માનતા રહ્યા છીએ, જે મસ્તિષ્ક મારફતે આખા શરીરમાં સંકેતો મોકલે છે. હૃદયની દિવાલના સુપરફિસિયલ સ્તરોમાં છુપાયેલું હૃદયનું તંત્રિકા નેટવર્ક એક સરળ સંરચના માનવામાં આવે છે અને એ જ બ્રેઈન સિગનલ્સને રિલીઝ કરે છે. જોકે હાલના અભ્યાસમાં જાણવા મળ્યું કે દિલનું પોતાનું જટિલ તંત્રિકા તંત્ર હોય છે, જે તેના લયને નિયંત્રિત કરવા માટે મહત્વપૂર્ણ છે.