વોશિંગ્ટનઃ અમેરિકામાં બોસ્ટન યુનિવર્સિટીમાં થયેલા એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો હૃદયની નસોમાં બ્લોકેજ હોય તો હવે બાયપાસ સર્જરી કરાવવાની કે સ્ટેન્ટ બેસાડવાની જરૂર નથી. આશરે ૫,૦૦૦ દર્દીઓ પર કરાયેલા સંશોધનના પરિણામો જણાવે છે કે માત્ર દવાઓ આપવાથી પણ બ્લોકેજ દૂર થાય છે અને દર્દીને હાર્ટ એટેકની શક્યતાઓ એકદમ ઓછી છે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે હાર્ટની નસોમાં બ્લોકેજ હોય તો બાયપાસ સર્જરી જરૂરી છે અને એ શક્ય ન હોય તો સ્ટેન્ટ મૂકાવવું જરૂરી છે. જો આ સારવાર કરવામાં ન આવે તો દર્દીનું મૃત્યુ નિશ્ચિત છે.
જોકે આ નવા અભ્યાસે તબીબી જગતની માન્યતાને પડકાર ફેંક્યો છે. સ્ટેન્ટ લગાવવાથી હાર્ટની નસ પહોળી થાય છે, જેથી હાર્ટને યોગ્ય પ્રમાણમાં લોહીનો પુરવઠો મળતો થાય છે. બાયપાસ સર્જરીમાં શરીરના બીજા ભાગમાંથી નસ કાપીને બ્લોકેજ વાળા ભાગમાં ફીટ કરાય છે. આ નવી અભ્યાસમાં જણાવાયું છે કે સ્ટેન્ટ બેસાડવાના પણ ઘણા બધા જોખમ છે. આથી દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડી શકે છે. હાર્ટમાં બ્લીડિંગ થઈ શકે છે. હાર્ટની નસોમાં ઇન્ફેક્શન લાગી શકે છે. સ્ટેન્ટ બનાવવા માટે વપરાતી મેટલથ એલર્જી થાય તો તકલીફ થઈ શકે છે. આ સિવાય ફરી બ્લોકેજની સમસ્યા પણ થઈ શકે છે. કેટલાક કેસમાં શરીર સ્ટેન્ટને રિજેક્ટ કરી શકે છે. બાયપાસ સર્જરીના કારણે હાર્ટના ધબકારા અનિયમિત થઈ શકે છે. વળી, એનાથી કિડનીની બીમારી થઈ શકે છે. ઘણી વાર બાયપાસ સર્જરી પછી યાદશક્તિ નબળી થવાના કિસ્સા પણ જોવા મળે છે. છાતીમાં જખમ થવાથી ચેપ લાગવાની શક્યતાઓ વધી જાય છે.