લંડનઃ છેલ્લા કેટલાક દિવસોમાં ટેક કંપનીઓએ એવા ગેઝેટ્સ લોન્ચ કર્યા છે જે શરીરની અંદર આકાર લઇ રહેલી કોઇ પણ સમસ્યાને ઓળખીને તત્કાળ એલર્ટ કરી દે છે. તબીબી નિષ્ણાતોના મતે આવા ઇનોવેશન લાઇફલાઇન સમાન છે કારણ કે ઘણી શારીરિક સમસ્યાઓનો તો ખ્યાલ જ આવતો નથી. આ ગેઝેટ્સને અમેરિકી એફડીએની મંજૂરી પણ મળી ગઇ છે. ઓસ્ટ્રેલિયા અને જર્મનીમાં થયેલા ટેક ઇવેન્ટ્સમાં એવા જ ઇનોવેટિવ ગેઝેટ્સ જોવા મળ્યા.
જેમ કે, ફ્રાન્સવી સર્વિયરે એવા ટી-શર્ટ અને ટોપ બનાવ્યા છે, જે હાર્ટ રેટમાં સંભવિત ગરબડ શોધે છે. તેમાં ૧૫ ઇલેક્ટ્રોડ છે, જે હૃદય પર નજર રાખે છે. તેમાંની ચિપ એપ દ્વારા સ્માર્ટફોનને ડેટા મોકલે છે. જેના આધારે હૃદયમાં કોઇ ગરબડ થાય તો તરત જ સંકેત મળી જાય છે.
ટૂસેન્સ કંપનીએ એવું નેકલેસ વિકસાવ્યું છે જે પહેર્યાના બે મિનિટમાં જ હાર્ટ ફેલની સંભાવના હોય તો તેનો સંકેત આપી દે છે. તેમાં લાગેલાં સેન્સર હાર્ટ ફ્લૂડ, શ્વાસ અને સ્કિનના તાપમાનને ટ્રેક કરતા રહે છે.
કાર્ડીયામોબાઇલના ડિવાઇસ પર ધાતુથી બનેલા પેડ છે. તેના પર તમારે ૩૦ સેકંડ સુધી બન્ને હાથની એક-એક આંગળી રાખવાની છે. સ્માર્ટફોન એપ પર ડેટા જતાં જ જાણી શકાય કે હાર્ટબીટ સામાન્ય છે કે નહીં?
ઓમોરોન હેલ્થકેર દ્વારા વિકસાવવામાં આવેલી હાર્ટગાઇડ સ્માર્ટવોચમાં કફ લાગેલા છે, જે કાંડા પર બાંધ્યા પછી આપમેળે ફૂલે છે. ૨૪ કલાક બ્લડપ્રેશર મોનિટર કરે છે અને સ્માર્ટફોનને ડેટા મોકલતી રહે છે.