શિયાળામાં ઘણા લોકો પોતાના આહારમાં સૂકોમેવાને ખાસ સામેલ કરતા હોય છે. અને આમાં બહુમતી લોકોની પહેલી પસંદ હોય છે, બદામ. આ સૂકામેવો કંઇ કેટલાય પ્રકારે શરીર માટે પોષક દ્રવ્યોનો ખજાનો છે. એન્ટિ-ઓક્સિડન્ટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટ્રી ગુણોને કારણે બદામ ત્વચા અને વાળ માટે ખૂબ જ સારી છે. જોકે બદામને સૂકી જ ચાવી જવાના બદલે તેને આખી રાત પાણીમાં પલાળીને સવારે છાલ ઉતારીને ખાવાથી વધુ ફાયદો થાય છે.
બદામમાં વિટામિન-ઇ, ફાઇબર, ઓમેગા-થ્રી ફેટી એસિડ અને પ્રોટીન જેવા પોષક તત્ત્વો છે, જે આપણા તન-મનને તંદુરસ્ત રાખવા માટે ખૂબ જ આવશ્યક છે. કેટલાક લોકો આ ગુણને કારણે બદામને સુપર ફૂડ પણ ગણાવે છે. બદામ પ્રોટીનનો સારો સ્ત્રોત છે. એ ઉપરાંત બદામમાંથી મેંગેનીઝ અને પોટેશિયમ પણ મળે છે. તે હાડકાંને મજબૂત બનાવે છે, સાથે જ બ્લડસુગરને નિયંત્રિત રાખવામાં પણ મદદ કરે છે. બદામ બ્લડપ્રેશરની સમસ્યાથી પીડાતા લોકો માટે પણ ખૂબ જ લાભકારી છે. બદામમાં રહેલા ફાઇબર અને પ્રોટીન પેટને ભરેલું રાખે છે અને આમ એ તમને ઓવરઇટિંગથી બચાવે છે. વળી ફાઇબરના કારણે પાચનક્રિયા પણ સારી રહે છે. આનો સૌથી મોટો ફાયદો તો એ છે કે તેનાથી વજન નિયંત્રણમાં રહે છે. તેમાં રહેલું મેગ્નેશિયમ ડાયાબિટીસથી બચાવે છે. હૃદયની બીમારી માટે કોલેસ્ટ્રોલ મુખ્ય કારણ મનાય છે. બદામ ખાવાથી હૃદય સંબંધિત બીમારી થતી નથી અને હાર્ટ એટેકનું જોખમ પણ ઓછું થઇ જાય છે કેમ કે તે શરીરમાં કોલેસ્ટ્રોલના પ્રમાણને નિયંત્રણમાં રાખે છે. એ ઉપરાંત બદામમાં રહેલું વિટામિન-ઇ હૃદય અને મોટી ઉંમરે આંખમાં થતા નુકસાનથી પણ બચાવવામાં મદદ કરે છે.
બદામમાં જોવા મળતાં પોષકતત્ત્વો આરોગ્ય સાથે સાથે વાળને મજબૂત કરે છે. ઓમેગા ફેટી-૩ એસિડ બદામમાં પૂરતા પ્રમાણમાં હોય છે, જે શરીરમાં લોહીના પ્રવાહને સારો રાખે છે. બદામમાં વિટામિન-ઇ સારી માત્રામાં હોવાથી તે વાળને પણ મજબૂત કરે છે.