બોલિવૂડના જાણીતા સિંગર કેકેના આકસ્મિક નિધને માત્ર ફિલ્મચાહકોને જ નહીં, પરંતુ સહુ કોઇને હચમચાવી નાંખ્યા છે. હવે તેમના મૃત્યુના કારણ અંગે વાદવિવાદ શરૂ થયો છે. તપાસમાં સાચું કારણ બહાર આવશે, પરંતુ 53 વર્ષની નાની વયે મૃત્યુ સામાન્ય વાત નથી. કેકેનું નિધન સહુ કોઇને પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધુ સભાન થવા સૂચવે છે. આરોગ્ય બાબતે આગોતરી કાળજી લઇને ઘણી મુશ્કેલીઓથી બચી શકાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેશનાઇઝેશન (‘હૂ’)ના એક રિપોર્ટ અનુસાર ભારતમાં થતાં કુલ મૃત્યુમાં 63 ટકા મૃત્યુ હૃદય અને ફેફસાં સંબંધિત રોગો, સ્ટ્રોક, કેન્સર અને ડાયાબિટીસને કારણે થાય છે. તેમાં પણ 27 ટકા મૃત્યુ માટે હૃદય સંબંધિત બીમારી જવાબદાર હતી. આટલું જ નહીં 40થી 69 વયજૂથના લોકોમાં હૃદયરોગને કારણે થતાં મૃત્યુના આંકડો 45 ટકા હતો. અમેરિકન હાર્ટ એસોસિએશન કહે છે કે જો કોઈ વ્યક્તિના પરિવારમાં હૃદયરોગનો ઈતિહાસ હોય તો આવા લોકોએ અન્ય લોકોની તુલનામાં વધુ સતર્ક રહેવાની જરૂર છે. એસોસિએશનના અનુસાર હૃદયરોગ અને હૃદયરોગ સાથે સંકળાયેલા પરિબળોનો પારિવારિક ઈતિહાસ સાથે સીધો સંબંધ છે. જો પરિવારમાં કોઈ પુરુષ (દાદા, પિતા, ભાઈ)ને 55 વર્ષ અગાઉ અને મહિલા (દાદી, માતા અને બહેન)ને 60 વર્ષની વય પહેલા હૃદય સંબંધિત બીમારી થઈ છે તો વ્યક્તિમાં આ બીમારીની આશંકા વધી જાય છે.
હૃદયરોગ અંગેનો પારિવારિક ઈતિહાસ જાણવાથી એ જાણવા મળશે કે જીન્સમાં કંઈક એવા ગુણ છે, જે તમારા અંદર પણ જોખમ વધારી શકે છે. પારિવારિક વાતાવરણ દ્વારા પણ તમારી અંદર કેટલીક એવી ટેવો આવી શકે છે, જે હૃદયરોગનું જોખમ વધારે છે. આપણે જીન્સ તો બદલી શકતા નથી, પરંતુ પારિવારિક સભ્યોની ટેવોને જાણ્યા પછી તમે તેનાથી બચી શકો છો. રિસર્ચ જણાવે છે કે, ટેવોને બદલવાથી હૃદયરોગોના જોખમને ૪૭ ટકા સુધી ઘટાડી શકાય છે.
• કમર-લંબાઈની સરેરાશઃ કમરની પહોળાઈ લંબાઈની અડધી હોવી જોઈએ. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર હેલ્થ એન્ડ કેર એક્સેલન્સ (NICE)ના મતે, વ્યક્તિની કમરનો આકાર તેની લંબાઈથી અડધો કે તેનાથી ઓછો હોવો જોઈએ. ઉદાહરણ તરીકે, જો તમારી લંબાઈ ૫ ફૂટ ૮ ઈંચ એટલે કે ૬૮ ઈંચ છે તો કમરની સાઈઝ ૩૪ ઈંચથી વધુ ન હોવી જોઈએ. જો કમરનો આકાર વ્યક્તિની લંબાઈના અડધાથી વધુ હોય તો ટાઈપ-૨ ડાયાબિટિસ, હાઈ બીપી, હાર્ટ એટેક ને સ્ટ્રોકનું જોખમ વધે છે. એશિયાઈ લોકોમાં તેનું જોખમ વધુ હોય છે.
• વજનને નિયંત્રણમાં રાખોઃ તમારા વજનને નિયંત્રણમાં રાખો. સ્થૂળતા તો વધવા જ ના દો. ખાસ કાળજી લો કે બીએમઆઈ (બોડી માસ ઇન્ડેક્સ) 24.9 થી વધુ ન હોય. તમે સ્થૂળ છો કે નહીં તે આ રીતે જાણો. વજન (કિગ્રા) / લંબાઈ (મીમીમાં) જો તમારો બીએમઆઈ 18.5થી ઓછો હોય તો તમે અંડરવેઈટ છો. જો બીએમઆઇ 18.5થી 24.9 છે તો સામાન્ય અને 25થી 29.9 હોય તો તમે ઓવરવેઈટ છો. તેનાથી વધુ બીએમઆઇ વાળા મેદસ્વી કહેવાય છે. હાર્વર્ડ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના અનુસાર સ્થૂળતા હૃદયરોગોનું સૌથી મોટું કારણ છે.
• ધુમ્રપાનને તિલાંજલિઃ ધુમ્રપાનના વ્યસનને તિલાંજલી હાર્ટ એટેકનું જોખમ અડધોઅડધ ઘટાડે છે. અમેરિકન હાર્ટ એસોસિએશનના અનુસાર ધુમ્રપાન અને તમાકુનું સેવન હૃદય રોગો માટે સૌથી મહત્ત્વનું ફેક્ટર છે. રિસર્ચ મુજબ હૃદયરોગી જો ધુમ્રપાન છોડી દે છે તો તેમને હાર્ટ એટેકનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે. ધુમ્રપાન કરનારાને ધુમ્રપાન ન કરનારાની તુલનામાં હાર્ટ એટેકનું જોખમ લગભગ બમણું અને સ્ટ્રોકનું જોખમ લગભગ ત્રણ ગણું હોય છે. આ સ્થિતિમાં ધુમ્રપાન છોડીને આ જોખમોને ઘણી હદ સુધી ઘટાડી શકાય છે.
• નિયમિત કસરતઃ અમેરિકન સેન્ટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શનના અભ્યાસ અનુસાર જો કોઈ વ્યક્તિ સપ્તાહમાં 50 મિનિટ ઝડપી એક્સરસાઈઝ કરે છે તો તે વ્યક્તિમાં હૃદયરોગથી મૃત્યુનું જોખમ 50 ટકા સુધી ઘટી જાય છે. હકીકતમાં કસરત 6 પ્રકારે શરીર પર અસર કરે છે. તે કાર્ડિયો રેસ્પિરેટરી સિસ્ટમને મજબૂત કરે છે. ગુડ કોલેસ્ટ્રોલને વધારે છે. શરીરમાં ટ્રાઈગ્લિસરાઈડ (એક પ્રકારની ચરબી)નું પ્રમાણ ઘટાડે છે, બીપી ઘટાડે છે. બ્લડ શુગરને સુધારીને ઈન્સ્યુલિનના સ્તરમાં સુધારો કરે છે.
• પૌષ્ટિક ભોજન આરોગોઃ ટફ્ટ્સ ફ્રાઈડમેન સ્કૂલ ઓફ ન્યૂટ્રિશન સાયન્સ એન્ડ પોલિસી સૂચવે છે કે શરીરને સદા સ્વસ્થ રાખવા હેલ્ધી ડાયેટ અપનાવો. નિષ્ણાતો કહે છે કે ભોજનને ત્રણ કેટેગરીમાં વહેંચી શકાય. હૃદય માટે સારું, ખરાબ અને નિષ્પ્રભાવી. છોડમાંથી મળતું ભોજન, ફળ અને શાકભાજી, કેટલાક સી-ફૂડ, ફ્રેગમેન્ટેડ ફૂડ અને હેલ્ધી ફેટને ભોજનમાં સામેલ કરવા જોઈએ. જ્યારે એડેડ શુગરવાળા ખાદ્ય પદાર્થો, રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટ જેમ કે સફેદ બ્રેડ, પાસ્તા, પ્રોસેસ્ડ મીટ, પેકેજ્ડ ફૂડથી બચવું જોઈએ.