લંડનઃ કાર્ડિયોવાસ્ક્યુલર રિકવરીમાં દવાઓ કરતાં પોતાની માલિકીનો શ્વાન વધુ અસરકારક નીવડી શકે તેમ અભ્યાસમાં જણાયું હતું. અભ્યાસમાં એકલવાયા પરંતુ, પાળેલા શ્વાન સાથે રહેતા હૃદયરોગના દર્દીઓમાં મૃત્યુદર પાલતુ પ્રાણી વિના રહેતાં લોકોની સરખામણીએ ૩૩ ટકા ઓછો જણાયો હતો. ‘સરક્યુલેશનઃ કાર્ડિયોવાસ્ક્યુલર ક્વોલિટી એન્ડ આઉટકમ્સ’માં પ્રસિદ્ધ અભ્યાસને સ્ટ્રોક અથવા હાર્ટ એટેકનો ભોગ બનેલા ૩૦૦,૦૦૦થી વધુ સ્વીડીશ લોકો વિશેની માહિતી અને નેશનલ ડોગ રજિસ્ટરના ડેટા સાથે સાંકળવામાં આવ્યો હતો.
ઉપ્પસલા યુનિવર્સિટીના સંશોધક અને શ્વાનમાલિક પ્રોફેસર ટોવ ફોલે જણાવ્યું હતું કે ‘ લોકો શ્વાનને કેટલો સ્નેહ આપે છે તે મને દેખાય છે. મુશ્કેલીના સમયમાં લોકોને તેનું ઘણું મહત્ત્વ હોય છે. શ્વાન તેમને શારીરિક પ્રવૃત્તિ માટે કેવી રીતે પ્રોત્સાહિત કરે છે તે પણ હું જોઉં છું. શ્વાન સાથે રહેવાનું વધુ અસરકારક પૂરવાર થાય છે તે નિશ્ચિતપણે કહેવું શક્ય નથી. શ્વાનને પાળતા કેટલાંક વડીલો પહેલેથી સ્વસ્થ હોય અથવા વધુ સકારાત્મક દ્રષ્ટિકોણ ધરાવતા હોય તેવું પણ બને.
તેમણે કહ્યું, ‘વૃદ્ધાવસ્થામાં જીવન જીવવા માટે કોઈક કારણ હોય તે પણ મહત્ત્વનું છે. તેમને વધારાની શારીરિક પ્રવૃત્તિની જરૂર હોય છે. હું મારી નજીકમાં રહેતા અને શ્વાન ધરાવનારા વડીલોને જાણું છું. હું તેમને શ્વાનને લીધે જ ઓળખું છું. એકબીજાને મળવાનો આ સહજ માર્ગ વડીલોના જીવનને હર્યુંભર્યું બનાવે છે. તમે જૂના શ્વાનને કોઈ નવી ટ્રીક શીખવી ન શકો, પરંતુ તમારો શ્વાન તમને વૃદ્ધાવસ્થામાં પણ ટ્રીક કરતા શીખવશે.