કોવિડ-૧૯ મહામારીના આ દિવસોમાં જીવલેણ વાઇરસથી બચવા માટે હેન્ડ સેનિટાઇઝર અને માસ્ક આપણા રોજિંદા જીવનનો જાણે અનિવાર્ય હિસ્સો બની ગયા છે. આ ઉપરાંત સામાજિક અંતર તો ખરું જ. હેન્ડ સેનિટાઈઝર્સનો ઉપયોગ વધ્યાને પણ ઘણો સમય થઈ ગયો છે ત્યારે હવે તેના વધુ પડતા ઉપયોગથી સર્જાતી સમસ્યાઓ પણ બહાર આવી રહી છે.
હેન્ડ સેનેટાઇઝર હાથમાં ચોંટેલા જંતુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં અસરકારક હોય છે તે સાચું, પણ આ જ સેનેટાઇઝરનો વધુ પડતો વપરાશ ત્વચા માટે લાભકારક સારા બેક્ટેરિયાનો નાશ કરે છે તે પણ હકીકત છે. તબીબી અહેવાલો જણાવે છે કે આલ્કોહોલ આધારિત સેનિટાઈઝર્સ રોગના ફેલાવાને દૂર કરવામાં અસરકારક માનવામાં આવે છે. જોકે તેનો વધારે પડતો ઉપયોગ કરવાથી હાથ પર સોજો આવવા જેવી ત્વચાની ગંભીર સમસ્યાઓ પેદા થાય છે. લોકોમાં ત્વચા સંબંધિત જે સમસ્યાઓ વધતી જોવા મળી રહી છે. તેમાં તીવ્ર શુષ્કતા, બળતરા થવી, સતત ચચરાટ, ત્વચા તરડાઈ જવી કે રક્તસ્રાવવાળી લાલાશ જેવી સમસ્યા જોવા મળે છે. જોકે, આલ્કોહોલ-મુક્ત અને આલ્કોહોલ-યુક્ત એમ બન્ને સેનિટાઇઝર્સ વાઈરસ કે બેક્ટેરિયાનો નાશ કરી ચામડીને સ્વચ્છ રાખવા માટે ઉપયોગી છે તેથી તેનો વપરાશ સાવ બંધ પણ કરી શકાય તેમ નથી. તો કરવું શું?
ત્વચારોગ નિષ્ણાતો આનો જવાબ આપતા કહે છે કે આવી તકલીફથી બચવા માટે હેન્ડ સેનેટાઇઝરનો વિવેકપૂર્ણ ઉપયોગ કરો - ખૂબ વધારે પડતો પણ નહીં, એકદમ ઓછો પણ નહીં. જો હેન્ડ સેનિટાઇઝર્સનો મર્યાદિત માત્રામાં ઉપયોગમાં કરવામાં આવે તો, તે જંતુઓ અને બેક્ટેરિયાનો નાશ કરવામાં ખરેખર ફળદાયી બની શકે છે. તેનો વધુ પડતો ઉપયોગ ત્વચા અને તેના આવરણને નુકસાન પહોંચાડી શકે છે.