સૂકામેવામાં અંજીરનું આગવું સ્થાન છે. મીઠા મધુરા અંજીર શારીરિક સ્વાસ્થ્યના જતન માટે અનેક રીતે લાભકર્તા છે. અંજીર કઇ રીતે આપણા શરીર માટે સારા છે તે સમજવા માટે વાંચો આગળ...
અંજીર પેટની તંદુરસ્તી જાળવે છે. અંજીરમાં ફાઈબરની માત્ર ઘણી વધારે હોય છે. તેથી પેટને સ્વસ્થ રાખવા માટે અંજીરનું સેવન શ્રેષ્ઠ ગણાય છે. જે વ્યક્તિને કબજિયાતની સમસ્યા છે, તેમણે આહારમાં અંજીરનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ. તમે રાત્રે સુકા અંજીરને પાણીમાં પલાળી દો. સવારે તેને એકદમ મસળી નાંખો અને તેને પી જાવ. થોડાક દિવસોમાં જ તમને પેટની તકલીફમાં રાહત જોવા મળશે.
અંજીરમાં ક્લોરોજેનિક એસિડ હોય છે, જે બ્લડ શુગરને કંટ્રોલમાં રાખવા માટે અસરકારક ગણાય છે. જો તમને ડાયાબિટીસ હોય તો તમે અંજીરના ફળ અથવા સૂકા અંજીરનું સેવન કરી શકો છો. અલબત્ત, આ પૂર્વે તમારા જીપીને કન્સલ્ટ કરી લો તે જરૂરી છે કેમ કે દરેક વ્યક્તિની તાસીર અલગ અલગ હોય છે. નિષ્ણાતોના મતે અંજીરમાં રહેલું પ્રાકૃતિક શુગર નુકસાન કરતું નથી. આમ અંજીર ખાવાથી તમે ડાયાબિટીસના જોખમને ઘણા ખરા અંશે ઘટાડી શકો છો.
અંજીર હાડકાં માટે પણ શ્રેષ્ઠ ગણાય છે. જો તમારા હાડકાંમાં કોઈ પણ પ્રકારની સમસ્યા હોય, દુખાવો હોય કે હાડકાં નબળાં હોય તો અંજીરનું સેવન અવશ્ય કરો. તેમાં કેલ્શિયમ વધુ પ્રમાણમાં હોય છે. તેથી સૂકા અંજીર હાડકાંને મજબૂત રાખે છે. આ ઉપરાંત, શરીરમાં હિમોગ્લોબીનનું સ્તર યોગ્ય રીતે જાળવવા માટે પણ અંજીર બહુ ઉપયોગી છે કારણ કે તે આયર્નનો મુખ્ય સ્ત્રોત પણ છે.
આજકાલ યુવા પેઢીથી માંડીને મોટી વયના એમ સહુ કોઇને બ્લેડ પ્રેશરની સમસ્યા સતાવે છે. ભાગદોડભરી જિંદગી સાથે સંકળાયેલી આ બીમારીને અંકુશમાં રાખવાનું કામ અંજીર કરે છે. જો તમારું બ્લડ પ્રેશર ઊંચુ રહેતું હોય તો તમે અંજીરના ફળ અને સૂકા અંજીર બંનેનું સેવન કરી શકો છો. અંજીરમાં પોટેશિયમ હોવાથી તેના નિયમિત સેવનથી બ્લેડપ્રેશરની સમસ્યાથી બચી શકાય છે. આ રીતે તમે હૃદયરોગથી પણ દૂર રહી શકો છો.