હેલ્થ ટિપ્સઃ અઠવાડિયામાં અઢી કલાકની કસરતથી સારું રહે છે સ્વાસ્થ્ય

Sunday 01st December 2019 09:59 EST
 
 

ઘણા લોકો શિયાળો શરૂ થવાના પ્રારંભે સંકલ્પ કરતા હોય છે કે આ વર્ષે શરીરને સ્વસ્થ રાખવા માટે દરરોજ કસરત કરીશ અને દરરોજ ચાલવા જઈશ. અઠવાડિયા સુધી તો બધું બરાબર ચાલે છે, પરંતુ પછી આ સંકલ્પનું પડીકું વળી જતું હોય છે. જોકે અમેરિકાની બોસ્ટન યુનિવર્સિટીમાં કસરત અંગે અનોખો અભ્યાસ હાથ ધરાયો હતો. હૃદય સંબંધિત એક અભ્યાસના ભાગરૂપે થયેલા એક સ્ટડીના ડેટા પરથી વિજ્ઞાનીઓએ તારવ્યું છે કે જે લોકો અઠવાડિયામાં કમસે કમ અઢી કલાક એટલે કે ૧૫૦ મિનિટ કસરત કરે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે અને તેમને સ્મૃતિભ્રંશ એટલે કે ભૂલી જવાની બીમારી થતી નથી.

શા માટે કસરત જરૂરી?

શરીર એક એવું મશીન છે જે ૨૪ કલાક કાર્યરત રહે છે. જ્યારે વ્યક્તિ ઊંઘતી હોય ત્યારે પણ એનું મગજ જાગૃત અવસ્થામાં હોય છે અને શ્વાસોશ્વાસ, રુધિરાભિસરણ અને ચયાપચય (મેટાબોલિઝમ)ની ક્રિયા સહિતની ઘણી સિસ્ટમ કાર્યરત હોય છે. આથી શરીરને જાગૃત અવસ્થામાં કસરતની જરૂર છે કારણ કે કસરત કરવાથી માણસને ઊંઘ સારી આવે છે. સારી ઊંઘ ધરાવતા વ્યક્તિનું માનસિક સંતુલન સારું રહે છે. કસરતથી આખા શરીરમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.

મગજને બનાવે ઊર્જાવાન

બોસ્ટનમાં થયેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે જે લોકો નિયમિત કરસત કરે છે એમનું મગજ વધારે યુવાન રહે છે. એમની ઉંમરના કસરત નહીં કરનારા લોકોની સરખામણીમાં એ એક વર્ષ જેટલું યુવાન રહે છે. મગજનું વોલ્યુમ પણ વધારે હોય છે અને તેને સ્ટ્રેસની સમસ્યા નડતી નથી. મગજ સ્વસ્થ હોય એટલે યાદશક્તિને લગતી કોઈ બીમારી થતી નથી. સ્મૃતિભ્રંશનું રિસ્ક એકદમ ઘટી જાય છે.

લાગણીને કાબૂમાં રાખે

તબીબી વિજ્ઞાનીઓનું કહેવું છે કે દરરોજ દોડનારા, સ્વિમિંગ કરનારા અથવા તો સાઇકલિંગ કરનારા લોકોના મગજમાં રહેલો હિપોકેમ્પસ નામનો હિસ્સો એક્ટિવ બની જાય છે. આ હિસ્સો વ્યક્તિમાં લાગણીને કાબૂમાં રાખે છે અને યાદશક્તિ વધારે છે. આમ દરરોજ કસરત કરના લોકોની વૈચારિક શક્તિમાં વધારો થાય છે અને તેમના પરનો સ્ટ્રેસ ઘટે છે. આ સિવાય હાર્ટ મજબૂત બને છે. નિયમિત રીતે કસરત કરનારા લોકોમાં હાર્ટના રોગો થતા નથી અને પેરેલિસીસનો એટેક આવવાનું રિસ્ક પણ ઘણું ઘટી જાય છે. આ ઉપરાંત ડાયાબિટીસનું રિસ્ક પણ ઘટે છે.

વોકિંગ શ્રેષ્ઠ ઉપાય

કસરત કરવાના આળસુ લોકો માટે નિયમિત રીતે ચાલવું એ શ્રેષ્ઠ કસરત છે. એના કારણે શરીરમાં લોહીનું સર્ક્યુલેશન વધે છે અને શરીરના તમામ હિસ્સામાં લોહી પહોંચે છે. લોહીની સાથે ઓક્સિજન પણ પહોંચતો હોવાથી શરીરના તમામ અંગોમાં તાજગી રહે છે. જે લોકો રોજ ચાલે છે એમના પર તથા એમના મગજ પર ઘડપણની અસર ઓછી દેખાય છે. ચાલવાથી વ્યક્તિમાં શારીરિક ક્ષમતા પણ વધે છે. જે લોકોને મેરેથોનમાં દોડવું નથી અથવા આ પ્રકારની દોડમાં હિસ્સો લેવો હોતો નથી એ લોકો પણ રોજ ચાલીને પોતાના શરીરને સ્વસ્થ રાખી શકે છે.

કેવી રીતે કરશો કસરત?

અઠવાડિયામાં ૧૫૦ મિનિટ કસરત કરવા માટે ટાઇમટેબલ બનાવવાની જરૂર છે. વીકમાં બે વાર ૪૦ મિનિટ ચાલવું જોઈએ. બે વાર ૨૦ મિનિટ હળવો વ્યાયામ કરવો જોઈએ. ૩૦ મિનિટ માટે કોઈ રમત રમવી જોઈએ. જોકે ઘરનાં કામકાજમાં પણ ઘણી વાર કસરત થતી હોય છે. જેમ કે ઘરમાં કચરાંપોતાં કરવાથી કમરને કસરત મળે છે. બગીચામાં પડેલાં વૃક્ષના પાંદડાને નીચે નમીને ઊંચકવાથી પણ કમરને કસરત મળી રહે છે. ઘરથી શાકમાર્કેટ દૂર હોય તો ત્યાં કોઈ વાહનમાં જવાના બદલે ચાલીને જવાથી પણ શરીરમાં રહેલી નકામી ચરબી બળે છે. આમ આ બધી નાની નાની બાબતો શરીર માટે ફાયદાકારક છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter