કસરત કરવી જરૂરી હોવાથી, કસરત માટે દરરોજ સમય કાઢવાની ઘણી વાર સલાહ અપાય છે પણ ક્યારેય એ નથી જણાવાયું કે આપણે કેટલી કસરત કરવી જરૂરી છે? અમેરિકામાં 1997થી 2004 દરમિયાન ચાર લાખથી વધુ લોકોના સ્વાસ્થ્યનો અભ્યાસ કરાયો. તેમાં તેમની શારીરિક પ્રવૃત્તિઓ અંગે સવાલ પૂછાયા. તેના જવાબોના વિશ્લેષણથી જાણવા મળ્યું છે કે અઠવાડિયામાં 2 દિવસનો વ્યાયામ પણ ફાયદાકારક છે. તેનાથી લાંબું જીવવામાં 40 ટકા સુધી મદદ મળે છે.
પ્રાપ્ત થયેલા ડેટાના અભ્યાસથી માલૂમ પડ્યું છે કે ડાયાબિટીસ, હાર્ટ અટેક અને કેન્સર જેવી બીમારીઓથી બચવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કલાક એરોબિક્સ કરવું જોઇએ. તેનાથી મોતની આશંકા 15 ટકા સુધી ઘટી જાય છે જ્યારે અઠવાડિયામાં 3 કલાક સુધી એરોબિક્સ કરવાથી આ જોખમ 27 ટકા સુધી ઘટી જાય છે. વોશિંગ્ટન યુનિવર્સિટીના સેન્ટ લુઇનાં ફિઝિકલ થેરપિસ્ટ મોનિકા સિઓલિનોનું કહેવું છે કે ઘણી રોજિંદી પ્રવૃત્તિઓ માટે સ્નાયુઓની તાકાત જરૂરી છે. જેમ કે, ખુરશી પરથી ઊભા થવું, અથાણાંની બરણી ખોલવી, કરિયાણું ઘરમાં લઇ જવું કે યાર્ડ વર્ક કરવું. જોકે, ઉંમર વધે તેમ સ્નાયુઓની તાકાત ઘટવા લાગે છે. જે લોકો શારીરિક શક્તિ વધારવા માટે અઠવાડિયામાં ઓછામાં ઓછા બે સત્રમાં ભાગ લે તો તેમના મોતનું જોખમ કસરત ન કરનારાઓની સરખામણીમાં 40 ટકા સુધી ઘટી જાય છે, જેને નિયમિત કસરત દ્વારા 63 ટકા સુધી વધારી શકાય છે.
7 હજારથી વધુ વડીલો પર કરાયેલા રિસર્ચથી એવું પણ માલૂમ પડ્યું કે 80 વર્ષની ઉંમરે રોજ 10 મિનિટ ચાલવાથી પણ લાંબુ અને સ્વસ્થ જીવવામાં મદદ મળે છે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એક કલાક ચાલતા હોય તેમના મોતનું જોખમ 40 ટકા સુધી ઘટી જાય છે.