આપણાં ગરમ મસાલાનાં લગભગ બધાં જ દ્રવ્યો સુગંધીદાર છે. જેમાં ‘જાયફળ’નું આગવું સ્થાન છે. એક પ્રકારની વિશિષ્ટ સુગંધને કારણે જ જાયફળનો મીઠાઈ અને પાકોની બનાવટમાં આપણે ઉપયોગ કરતા આવ્યા છીએ. ઘરગથ્થુ ઔષધ ઉપરાંત બાળકોને આપવાના ઘસારા તરીકે પણ જાયફળ વર્ષોથી પ્રયોજાય છે. સુગંધની જેમ આ જાયફળના ઔષધીય ગુણો પણ ઘણા વિશિષ્ટ છે.
ગુણધર્મોઃ જાયફળનાં મોટાં વૃક્ષો ભારતમાં કોંકણ, કર્ણાટક, મલબાર, મદ્રાસ, નીલગીરી અને બંગાળમાં તેમ જ જાવા, મલાયા, સુમાત્રા, સિંગાપુર અને ચીનમાં પુષ્કળ પ્રમાણમાં થાય છે. જાયફળનાં વૃક્ષોને ગોળાકાર અને કંઈક લાંબાં ફળ આવે છે. એને જ આપણે જાયફળ કહીએ છીએ. આ જાયફળની ઉપર પીળા રંગનું, પાતળું, જાળીદાર આવરણ હોય છે જે સુકાવાથી ફાટીને છૂટું પડી જાય છે. આ આવરણને જાવંત્રી કહે છે.
આયુર્વેદ પ્રમાણે જાયફળ સ્વાદમાં કડવું અને તીખું, ગરમ, તીક્ષ્ણ, પચવામાં હળવું, ભૂખ લગાડનાર, કફ અને વાયુનાશક, સ્વરને સુધારનાર, મળાવરોધક તથા ઉધરસ, ઊલટી, દમ, તાવ, અનિદ્રા, અજીર્ણ, હૃદયરોગ, મુખ-દુર્ગંધ વગેરેને મટાડનાર છે. જાવંત્રી સ્વાદમાં મધુર અને તીખી, ગરમ, હલકી, રુચિકારક, ત્વચાનો વર્ણ સુધારનાર, કામોત્તેજક, કફ, ખાંસી, દમ ઊલટી, કૃમિ અને આંતરડાનાં જૂનાં દર્દોને મટાડનાર છે.
રાસાયણિક દૃષ્ટિએ જાયફળ-જાવંત્રીમાં એક ઉડનશીલ તેલ, એક સ્થિર તેલ, પ્રોટીન, સ્ટાર્ચ, ખનિજદ્રવ્યો વગેરે રહેલાં છે. સ્થિર તેલમાં એક સુગંધિત દ્રવ્ય રહેલું હોય છે. જે જાયફળને તેની વિશિષ્ટ સુગંધ આપે છે.
ઉપયોગોઃ ઘણાં લોકો મુખ-દુર્ગંધથી પીડાતા હોય છે. એમના માટે જાયફળ ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. મુખમાંથી દુર્ગંધ આવ્યા કરતી હોય તેઓ આ ઉપચાર અજમાવી શકે છે. શેકેલા જાયફળનું ચૂર્ણ ૧૦ ગ્રામ, સુગંધી વાળાનું ચૂર્ણ ૫૦ ગ્રામ અને ચંદનનું ચૂર્ણ ૫૦ ગ્રામ લઈ બરાબર મિશ્ર કરી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે અડધી ચમચી જેટલું આ ચૂર્ણ મધમાં મીક્સ કરીને ચાટી જવું. સાથે રોજ રાત્રે ત્રિફળા ચૂર્ણ કે હરડે ચૂર્ણ લઈ પેટ સાફ રાખવું. એકાદ સપ્તાહ આ ઉપચાર કરવાથી લાભ જણાશે.
જાયફળ ગરમ અને તીક્ષ્ણ હોવાથી ઉત્તમ કફનાશક ઔષધ છે. જેમને જૂની શરદી કે કફની તકલીફ રહેતી હોય, અવારનવાર શ્વાસ ચડતો હોય તેમણે જાયફળને જરાક શેકી તેનું ચૂર્ણ બનાવી લેવું. રોજ સવારે, બપોરે અને રાત્રે આશરે ચપટી જેટલું ચૂર્ણ મધમાં મેળવીને ચાટી જવું. એકાદ મહિનો આ ઉપચાર કરવાથી કફની બધી તકલીફોમાં ઘણો લાભ થાય છે. જાયફળ ન હોય તો તેના બદલે જાવંત્રીના ચૂર્ણનો ઉપયોગ કરી શકાય છે.
આયુર્વેદમાં જાયફળને ‘જાતિફલ’ અને જાવંત્રીને ‘જાતિપત્રી’ કહે છે. આ બંને ઘણાં આયુર્વેદીય ઔષધોની બનાવટમાં વપરાય છે. જેમ કે, જાયફળ જાતિફલાદિ ચૂર્ણ, જાતિફલાસવ, જાતિફલાદિ વટી વગેરે ષધો તથા
જાવંત્રી જાતિપત્રાદિ અવલેહ, જાતિપત્રી તેલ, જાતિફલાસવ વગેરે ઔષધોની બનાવટમાં મુખ્ય રૂપમાં પ્રયોજાય છે.