કોરોનાના આ કપરા દિવસોમાં મોટેરાઓથી માંડીને બાળકોનો મોબાઇલ ફોન, ટેબલેટ કે લેપટોપ સ્ક્રીન સામે પસાર થતો સમય વધી ગયો છે - પછી તે ઓનલાઇન કલાસીસ હોય કે ગેમ કે ઓફિસ વર્ક. ફોન, ટેબલેટ કે લેપટોપના અનેક ફાયદા છે તે સાચું, પરંતુ ડિજિટલ ગેજેટ્સના વધુ પડતા ઉપયોગથી આંખો પર પડતા દુષ્પ્રભાવને નકારી શકાય નહીં. જોકે ડિજિટલ લર્નિંગ હવે ન્યૂ નોર્મલ છે, જે લાંબા સમય સુધી રહેનારી સ્થિતિ છે.
મોબાઇલ ફોનના વધુ પડતા ઉપયોગથી આંખો પર રેડિયોફ્રિકવન્સી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડની અસર સૌથી વધુ થાય છે. બાળકો પર તેની અસર થવાની સંભાવના વધુ રહે છે, કેમ કે તેમની નર્વસ સિસ્ટમ સંપૂર્ણપણે વિકસિત હોતી નથી. આંખોની આ સમસ્યાને કમ્પ્યુટર વિઝન સિન્ડ્રોમ કે ડિજિટલ આઇ સ્ટ્રેન નામથી ઓળખાય છે. તેમાં એ તમામ સમસ્યાઓ આવે છે, જે ફોન કે ડિજિટલ ગેજેટના વધુ પડતા ઉપયોગથી આવે છે. સાવચેતી સંબંધિત એવી કેટલીક બાબતો છે જેને ધ્યાનમાં રાખીને તમે તમારી પોતાની અને બાળકોની આંખોને સુરક્ષિત રાખી શકો છો.
જાણો, તમે કઇ સાવચેતીઓ રાખી શકો છો
ગેજેટનો વધુ પડતો ઉપયોગ કરી રહ્યા છો તો આ સાવધાનીઓ જરૂર રાખો.
૧) ડેસ્ક પર કામ કરતા સમયે કમ્પ્યુટર સ્ક્રીનને આઇલેવલથી થોડા નીચે અને ૨૦ ઇંચના અંતરે કે તમારા હાથની લંબાઇ જેટલું દૂર રાખો.
૨) જો બાળકને પહેલાથી જ ચશ્મા છે તો કમ્પ્યુટર કે મોબાઇલનો ઉપયોગ કરતા સમયે ચશ્મા જરૂર પહેરાવો.
૩) સ્ક્રીન જોતાં સમયે આપણે પલક ઝપકાવવાનું ભૂલી જઇએ છીએ. તેને યાદ રાખો. તેનાથી તમે આંખો કોરી પડવી અને ઝાંખપની સમસ્યાથી બચી શકો છે.
૪) સ્ક્રીનને એકીટશે જોતાં રહેવાનું ટાળો. દર ૨૦ મિનિટ સ્ક્રીન જોયા પછી આંખોને ૨૦ સેકન્ડ સાથે ૨૦ ફૂટ દૂર જોઇને બ્રેક આપો.
૫) તમારા ગેજેટની સ્ક્રીનને હંમેશા સ્વચ્છ રાખો. કોરા કાપડથી તેને સાફ કરતા રહો. આંગળાના નિશાન ન પડવા દો.
૬) સ્ક્રીન અને આજુબાજુ પૂરતા પ્રમાણ પ્રકાશ સુનિશ્વિત કરો. ગેજેટની બ્રાઇટનેસ પણ મેઇન્ટેન કરો, જેથી તે બહુ ઓછી કે વધુ તેજ ન હોય.
૭) આંખોને થાક લાગતાં મસળો નહીં, તેનાથી આંખોની ચેપ લાગવાની સંભાવના વધે છે.
૮) મોબાઇલ પર વાંચતા સમયે વધુ પડતા તણાવથી બચવા માટે ફોન્ટનો આકાર એડજસ્ટ કરો. ફોન્ટ હંમેશા થોડાક મોટા રાખો.
૯) બાળકોને પુરતી ઊંઘ અને પુરતા પ્રમાણમાં પાણી પીવાનું કહો, કેમ કે ઓછું પાણી પીવાથી આંખો કોરી થવાના લક્ષણ વધી શકે છે.
દુનિયાના અલગ-અલગ રિસર્ચમાં આ રીતો પણ બતાવી છે.
• મેટ સ્ક્રીન ફિલ્ટર લગાવો
- સ્માર્ટફોન, કમ્પ્યુટર કે ટેબલેટની સ્ક્રીન પર મેટ સ્ક્રીન ફિલ્ટર લગાવો. ચમક ઘટશે.
- ડિવાઇસના સેટિંગમાં નાઇટ મોડ અને બ્લ્યુ લાઇટ ફિલ્ટર જેવા સેટિંગનો ઉપયોગ કરો.
• ડાર્ક થીમ/મોડનો ઉપયોગ કરો
- જો તમારા ડિવાઇસમાં ડાર્ક થીમનો વિકલ્પ છે તો તેને પસંદ કરો. આંખો પર જોર ઓછું પડશે. વોટ્સઅપ જેવી એપ્સ પર આ વિકલ્પ ઉપલબ્ધ છે.
- જો તમે કોન્ટેક્ટ લેન્સનો ઉપયોગ કરો છો તો તેને બ્રેક આપીને ચશ્માનો પણ ઉપયોગ કરો.
• ૨૦ ઇંચની સ્ક્રીન સૌથી સારી
- મોટી સ્ક્રીન પર રિઝોલ્યુશન પણ વધી જાય છે. આથી કોમ્પ્યુટર કે લેપટોપની સ્ક્રીન ૨૦ ઇંચથી નાની ન હોવી જોઇએ.
- કમ્પ્યુટર મોનીટરની રિમ પર જો સજાવટ હોય તો તેને દૂર કરો. ફોક્સ કરવામાં સરળતા રહેશે.
-કમ્પ્યુટર કે લેપટોપનં સ્ક્રીન બારી તરફ ન હોય તેની કાળજી લો, જેથી સ્ક્રીન પર સીધી લાઇટ ન પડે.