દહીંનો ઉપયોગ ભારતીય ઘરોમાં લગભગ રોજ થતો હોય છે. દહીંમાં વિટામીન-બી, વિટામીન બી12, પોટેશિયમ, મેગ્નેશિયમ ભરપૂર હોય છે. તેના નિયમિત સેવનથી સ્વાસ્થ્યને અદ્ભૂત ફાયદા થાય છે. રોજ એક વાટકી દહીં ખાવાથી શરીર અને સ્કીન બન્નેને ફાયદો થાય છે. જોકે દહીં શરીર માટે ફાયદાકારક હોવા છતાં કેટલાક માટે હાનિકારક સાબિત થઈ શકે છે. અમુક તકલીફ સમયે દહીંના સેવનથી પાચન સહિતની તકલીફો થઈ શકે છે. તો ચાલો, જાણીએ કોણે દહીંનું સેવન ટાળવું જોઈએ.
• સાંધાના દુખાવાઃ જેમને સાંધાનો દુખાવો ફરિયાદ હોય તેમણે દહીંનું સેવન ન કરવું જોઈએ. આ લોકો દહીંનું સેવન કરે છે તો સાંધાનો દુખાવો વધી શકે છે.
• અસ્થમાઃ જે લોકો અસ્થમાની સમસ્યાથી પીડિત છે તેમણે પણ દહીં ન ખાવું જોઇએ. દહીં ખાવાથી અસ્થામાની તકલીફ વધી શકે.
• ગેસ-એસિડિટીઃ જેમને ગેસ-એસિડિટીની ફરિયાદ હોય તેમણે દહીંનું સેવન ટાળવું જોઈએ. ગેસ અને એસિડિટી દરમિયાન દહીં ખાવાથી તકલીફ વધી શકે છે.
• ત્વચાની સમસ્યાઃ જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા કે બીમારી હોય તો દહીં ખાવાનું ટાળવું જોઈએ. એક્ઝિમા, ખંજવાળ કે ઇન્ફેક્શન હોય તો દહીં ખાવાથી તકલીફ વધી શકે છે.