વડીલોને અનિદ્રાની સમસ્યા વધારે નડતી હોય છે. ક્યારેક ક્યારેક તેમની ઊંઘ વારંવાર ઊડી જતી હોય છે, તો ક્યારેક આખી રાત ઊંઘ જ આવતી હોવાની ઘણા લોકોની ફરિયાદ હોય છે. વડીલોને રાત્રે સારી રીતે ઊંઘ આવે તે માટે કેટલાક ઉપાય તેઓ જાતે જ અજમાવી શકે છે.
1) રાત્રી ભોજનમાં કાળજી
રાત્રિ ભોજનમાં હંમેશા પોષણયુક્ત આહાર લેવો જોઇએ. જેમાં કાર્બ્સ અને પ્રોટીન્સ હોવા જરૂરી છે. તે સાથે પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોય અને ફળો ખાવાથી પણ સારી ઊંઘ આવે છે. તેનાથી નર્વ સિસ્ટમ અને સ્નાયુઓ રિલેક્સ થાય છે. જેમ કે, કેળામાં પોટેશિયમ અને મેગ્નેશિયમ ભરપૂર હોવાની સાથે ટ્રીપ્ટોફેન પણ હોય છે, જે ઊંઘ લાવવામાં સહાયક થાય છે.
2) કેફીનયુક્ત પીણાં ટાળો
રાત્રે સૂતાં પહેલાં ચા, કોફી, સોફ્ટ ડ્રિન્ક વગેરે સહિત કેફીનયુક્ત પીણા પીવાનું ટાળો, તેના બદલે ગરમ અથવા નવશેકું દૂધ, ચેરીનો જ્યૂસ વગેરે પીવાથી સારી ઊંઘ આવશે. કોઇ ઊંઘની દવાઓ લીધી વિના આ કુદરતી તત્ત્વોથી સારી ઊંઘ આવે છે. ગ્રીન ટી પણ પી શકાય છે. તેમાં એપિગેનિન નામનું એન્ટિઓક્સિડન્ટ હોવાથી એંગ્ઝાયટી ઘટે છે અને ઊંઘ લાવવામાં મદદ કરે છે.
3) તણાવમુક્ત રહો
માનસિક તણાવ ટાળો. આ માટે મનને શાંત કરે તેવું સંગીત સાંભળો, જેમાં ગમતાં જૂનાં ગીતો, શાંતિભર્યું મ્યુઝિક સાંભળવાથી માનસિક તણાવમાં મહદ્ અંશે ઘટાડો થશે. ઉપરાંત, મિત્રો સાથે વાત કરવી અથવા કોઇ હળવાશભર્યું પુસ્તક વાંચવાથી પણ સ્ટ્રેસ અને એંગ્ઝાયટીમાં ઘટાડો થાય છે. વડીલો આ ઉપાયો અજમાવે તો તેમની વિચારો કરવાની સમસ્યા પણ દૂર થઇ શકે છે.
4) અનુકૂળ વાતાવરણ
ઝડપથી અને શાંતિભરી ઊંઘ આવે તે માટે શરીર અને બેડરૂમનું તાપમાન અનુકૂળતાભર્યું હોય તે જરૂરી છે. એનાથી શારીરિક અને માનસિક રીતે રાહત અનુભવાય છે. અન્ય ફેબ્રિકના બદલે કોટનની બેડશીટ્સ પાથરો, બેડરૂમમાં વધારે પડતી ગરમી કે ઠંકડ પણ ન હોવી જોઇએ. તેનાથી પણ ઊંઘમાં વારંવાર વિક્ષેપ પડે છે. આથી બેડરૂમનું વાતાવરણ પ્રમાણસર અને અનુકૂળતાભર્યું હોય તે ખાસ ધ્યાન રાખવું જોઇએ.
5) મોડા જમવાનું ટાળો
રાત્રે હળવો ખોરાક લો અથવા ઊંઘવાના થોડા સમય પહેલાં હળવો નાસ્તો કરવાથી વધારે સારી ઊંઘ આવે છે. ઊંઘવાના સમય પહેલા ભારે ખોરાક લેવાથી હોર્મોન્સમાં ફેરફાર થાય છે અને તેની વિપરિત અસર ઊંઘ પર થાય છે. વધુ ખાંડવાળું, વધારે કોર્બોહાઇડ્રેટયુક્ત, પ્રોસેસ્ડ ફૂડ ખાવાથી રાત્રે સારી રીતે ઊંઘ આવતી નથી, તેના બદલે હંમેશા હળવો અને સુપાચ્ય ખોરાક લો.
6) નિયમિત કસરત
વડીલો પણ ધારે તો સારા સ્વાસ્થ્ય માટે નિયમિત કેટલીક કસરત કરી શકે છે. તેનાથી સ્ટ્રેસ ઘટે છે. કુદરતી રીતે ઊંઘ લાવવામાં કસરત મહત્ત્વનો ભાગ ભજવે છે. અલબત્ત, સારી ઊંઘ માટે કોઇ ખાસ કસરત નથી, પણ સાવ કંઇ ન કરતાં કોઇ પણ પ્રકારની કસરત કરવી વધારે સારું રહે છે. યોગ, વર્કિંગ, બાળકો સાથે રમતગમત વગેરેમાંથી જે પસંદ હોય તે પોતાની શારીરિક ક્ષમતાને અનુરૂપ કરી શકાય છે.