વિટામિન-ડી હાડકાના સ્વાસ્થ્ય સાથે સંકળાયેલો સૌથી મહત્ત્વનું પરિબળ છે. તેની ઉણપથી સ્નાયુઓ પણ નબળા પડે છે. જો તમને શરીરમાં આ લક્ષણો જોવા મળી રહ્યા છે, તો તે તમારા શરીરમાં વિટામિન ડીની ઉણપનો સંકેત હોઇ શકે છે.
• હેર ફોલઃ જો તમારા વાળ સામાન્ય કરતાં વધુ ખરતા હોય તો ધ્યાન રાખો કારણ કે તે વિટામિન-ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વિટામિન-ડીની ઉણપના કારણે વાળ ખરવા લાગે છે. વિટામિન-ડી વાળના વિકાસમાં ખૂબ જ ઉપયોગી છે અને તે વાળના મૂળને મજબૂત બનાવે છે. જો શરીરમાં વિટામિન-ડીની ઉણપ હોય, તો તે વાળના સ્વાસ્થ્યને અસર કરે છે અને વાળ ખરવાનું કારણ બની શકે છે.
• વજન વધવુંઃ શરીરના વજનમાં અચાનક વધારો થવો તે પણ વિટામિન-ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વાસ્તવમાં, વિટામિન-ડી આપણા શરીરને નાઈટ્રિક ઓક્સાઈડ આપે છે, જે આહારના વધુ પડતા સેવનને અટકાવે છે અને મેટાબોલિઝમ (ચયાપચય)ને વધારે છે.
આ વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. વિટામિન-ડીની ઉણપથી વજન વધી શકે છે. ૭થી ૮ કલાકની ઊંઘ લીધા પછી પણ જો તમને થાક લાગે છે અને હંમેશા સુસ્તી જેવું લાગે છે તો તે વિટામિન-ડીની ઉણપનું લક્ષણ પણ હોઈ શકે છે.
• ખરાબ મૂડઃ વાત કર્યા વિના ચીડિયાપણું અનુભવવું, હતાશ થવું અથવા તો કોઇ કારણ વગર રડવું એ પણ વિટામિન-ડીની ઉણપની નિશાની હોઈ શકે છે. હંમેશા યાદ રાખો કે સૂર્યપ્રકાશ આપણા મૂડને સુધારવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે. તે તમારા મગજમાં હોર્મોન સેરોટોનિનનું ઉત્પાદન વધારે છે જે તમને ખુશ રાખવામાં મદદ કરે છે.
• સાંધા-સ્નાયુમાં દુખાવોઃ જો તમને સાંધા કે સ્નાયુમાં સતત દુખાવો થઈ રહ્યો છે, તો તે પણ વિટામિન-ડીની ઉણપનું લક્ષણ હોઈ શકે છે. વિટામિન-ડીના અભાવને કારણે શરીરમાં કેલ્શિયમની ઉણપ થાય છે, જેના કારણે હાડકાં અને સ્નાયુઓમાં દુખાવો થાય છે. જો સ્નાયુ કે સાંધામાં દુખાવો થતો હોય તો વિટામિન-ડી ટેસ્ટ કરાવો.